શું મુન્નાભાઇ-સર્કિટની જોડી ફરીવાર સિનેમાઘરોમાં મચાવશે ધમાલ? સોશિયલ મીડિયા પર વાઇરલ થયો વીડિયો
‘મુન્નાભાઇ એમબીબીએસ’ અને ‘લગે રહો મુન્નાભાઇ’માં સંજય દત્ત અને અરશદ વારસીની જોડીએ લોકોને પેટ પકડીને હસાવ્યા હતા. હાલ બોલીવુડમાં જ્યારે બોક્સ ઓફિસ પર સફળ રહેલી જૂની ફિલ્મોની સિક્વલનો દૌર ચાલી રહ્યો છે ત્યારે અનેક દર્શકો આ પ્રખ્યાત જોડીને પણ રૂપેરી પડદે ફરી જોવા માંગે છે, અને સોશિયલ મીડિયામાં ફરતા થયેલા એક વીડિયો પરથી દર્શકોની આ ઇચ્છા પૂરી થશે તેવું લાગી પણ રહ્યું છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલા એક વીડિયોમાં સંજય દત્ત અને અરશદ વારસી રાજકુમાર હિરાની સાથે જોવા મળી રહ્યા છે, અને આ વીડિયોમાં સંજુબાબા ‘મુન્નાભાઇ’ના પોતાના પરંપરાગત લુકમાં છે. એટલે કે આ તેમણે એ જ કેસરી રંગનો શર્ટ પહેર્યો છે જે તેમણે ‘મુન્નાભાઇ એમબીબીએસ’માં પહેર્યો હતો. સંજય સેટ પર પ્રવેશ કરતાની સાથે જ લોકોને એવું કહેતો સંભળાય છે કે મુન્નાભાઇ પાછા આવી ગયા છે. અને થોડા સમય પછી સર્કિટના લુકમાં અરશદ વારસીની એન્ટ્રી થાય છે. ત્યારબાદ મુન્નાભાઇ અને અરશદ વારસી બંને એકબીજાને ભેટે છે.
આ વીડિયો પર લોકો રિએક્શન આપીને અનુમાન લગાવી રહ્યા છે કે આ જોડી ‘મુન્નાભાઇ-3’ના રૂપમાં ફરીવાર દર્શકોનું મનોરંજન કરશે. જો કે આ ફિલ્મને લઇને કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. એટલે ચાહકોની અપેક્ષા ક્યારે સાચી ઠરે છે તે તો આવનારો સમય જ જણાવશે.