નેશનલ

જાણો કોણ હતી ભારતની પ્રથમ મહિલા પહેલવાન, ગૂગલે આજે જ શા માટે બનાવ્યું ડૂડલ?

ગુગલે આજે એટલે કે 4મેના રોજ હમીદા બાનોને યાદ કરી એક ડૂડલ બનાવ્યું છે. હમીદા બાનો ભારતની પહેલી મહિલા પહેલવાન હતી. આજના દિવસે 1954માં યોજાયેલી એક કુસ્તી મેચમાં માત્ર 1 મિનિટ અને 34 સેકન્ડમાં જીત નોંધાવ્યા બાદ હમીદા બાનોની આંતરરાષ્ટ્રિય સ્તરે અલગ ઓળખ બની હતી. તેમણે પ્રખ્યાત પહેલવાન બાબા પહેલવાનને હરાવ્યો હતો, કારમી હાર બાદ બાબા પહેલવાને કુસ્તીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

હમીદા બાનોનો જન્મ 1900ના દાયકામાં ઉત્તર પ્રદેશના અલીગઢના પહેલનાનોના એક પરિવારમાં થયો હતો, તે કુસ્તીની પ્રેક્ટિસ કરીને મોટી થઈ હતી. તેમણે તેમના કુસ્તી કેરિયર 1940થી 1950ના દાયકા દરમિયાન 300થી વધુ હરિફોને ધૂળ ચાટતા કરી દીધા હતા.

હમીદા બાનોએ લગ્ન માટે માટે પણ શરત રાખી હતી કે જે તેમને કુસ્તી દંગલમાં હરાવશે તેની સાથે તે લગ્ન કરશે. હમીદાની સાથે કોઈ પુરૂષની પહેલી કુસ્તી મેચ લાહોરના ફિરોઝ ખાન સાથે 1937માં થઈ હતી, જો કે તેમણે ફિરોઝ ખાને હરાવ્યા હતા, ત્યાર બાદ હમીદાએ અન્ય શિખ અને કોલકાત્તાના પહેલવાન ખડકસિંહને પણ પરાજિત કર્યા હતા. તેમણે એક આંતરરાષ્ટ્રિય ટુર્નામેન્ટમાં એક રશિયન પહેલવાન વેરા ચિસ્તિલિનને માત્ર બે મિનિટમાં જ હરાવી દીધી હતી.

રિપોર્ટ અનુસાર, હમીદા બાનોનો ડાયટ પ્લાન ખૂબ જ તદડો હતો, જેને અનુસરવું તે દરેક વ્યક્તિની તાકાત નથી. બાનોનું વજન 108 કિલો હતું અને તેની ઊંચાઈ 5 ફૂટ 3 ઇંચ હતી. હમીદા દરરોજ 6 લિટર દૂધ, 2.25 લિટર ફળોનો રસ, એક કિલો મટન, 450 ગ્રામ માખણ, 6 ઇંડા, લગભગ એક કિલો બદામ, 2 મોટી રોટલી અને 2 પ્લેટ બિરયાની ખાતી હતી. દિવસના 24 કલાકમાંથી તે 9 કલાક ઊંઘ લેતી અને 6 કલાક કસરત કરતી.

હમીદા બાનોના છેલ્લા દિવસો ખૂબ જ ખરાબ રહ્યા હતા, તેમણે જીવન નિર્વાહ માટે દૂધનો ધંધો શરૂ કર્યો હતો. આર્થિક સંકડામણને કારણે, પછીના દિવસોમાં તેમણે રસ્તાના કિનારે ખાદ્યપદાર્થો પણ વેચ્યા હતા. વર્ષ 1986 માં ગુમનામીમાં જ તેમનું અવસાન થયું હતું

આજનું ગૂગલ ડૂડલ બેંગલુરુ સ્થિત ગેસ્ટ આર્ટિસ્ટ દિવ્યા નેગી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ડૂડલના બેકગ્રાઉન્ડમાં Google લખેલું છે, જે સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી ઘેરાયેલું છે. હમીદા બાનોને અલીગઢની એમેઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button