માલશેજ ઘાટમાં ગમખ્વાર અકસ્માત, ત્રણના મૃત્યુ, બેને ગંભીર ઈજા…
મુરબાડઃ મુરબાડ તાલુકાના માલશેજ ઘાટમાં ગમખ્વાર અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી રહી છે. આ અકસ્માતમાં દૂધનું ટેન્કર અને માલ-સામાન લઈ જઈ રહેલાં ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી, જેને કારણે ત્રણ જણના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે બે જણને ગંભીર ઈજા પહોંચી છે. આ એક્સિડન્ટ બાદ ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી અને રસ્તા પર પણ અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મળી રહેલી માહિતી અનુસાર કલ્યાણ નગર હાઈવે પર માલશેજ ઘાટમાં આવેલા ભોરાંડે ગામ નજીક આ અકસ્માત થયો હતો. આળેફાટેથી કલ્યાણ જઈ રહેલું દૂધનું ટેન્કરઅને માળશેજ ઘાટ જઈ રહેલાં શાકભાજીવાળા ટ્રકની અથડામણ થઈ હતી. આ અથડામણ એટલી જોરદાર હતી કે દૂધનું ટેન્કર રોડ પરથી નીચે પડી ગયો હતો.
માલશેજ ઘાટમાં થયેલાં આ અકસ્માતમાં ત્રણ જણના મૃત્યુ થયા હતા. મૃતકોમાં પતિ-પત્નીનો સમાવેશ થાય છે. જ્યારે બે જણને ગંભીર ઈજા પહોંચી છે. અક્ષય દિઘે અને તેમની પત્ની તેજસ દિઘેનું આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. બંને જણ પોલીસ છે. જ્યારે ગાડીના ડ્રાઈવર વામનનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં એક નાના બાળકને પણ ઈજા પહોંચી હોઈ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
દરમિયાન આ અકસ્માત બાદ રસ્તા પર લાંબા સમય માટે વાહનોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી અને ટ્રાફિકજામની સમસ્યા પણ જોવા મળી રહી હતી. માલશેજ ઘાટ ખાતે અકસ્માતોની વણઝાર ચાલુ હોઈ નાગરિકો પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.