‘મહિલાઓને ન્યાય અપાવવા માટે લડવું એ કોંગ્રેસની નૈતિક ફરજ છે’ રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયાને પત્ર લખ્યો
નવી દિલ્હી: જનતા દળ સેક્યુલર (JD-S)ના નેતા પ્રજ્વલ રેવન્ના(Prajwal Revanna) પર લાગેલા જાતીય સતામણીના ગંભીર આરોપોને કારણે દેશભરમાં હોબાળો મચ્યો છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi)એ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા(Siddaramaiah)ને પત્ર લખીને પ્રજ્વલ રેવન્ના દ્વારા ઉત્પીડનનો ભોગ બનેલી પીડિત મહિલાઓને તમામ શક્ય મદદ પૂરી પાડવા જણાવ્યું છે. રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયાને લખેલા પત્રમાં રેવન્નાની હરકતો નિંદા કરી અને તેમના પર પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો હાથ હોવાનો આરોપ લગાવ્યો.
વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે હજુ સુધી એવો કોઈ જનપ્રતિનિધિ જોયો નથી કે જેણે મહિલાઓ વિરુદ્ધ હિંસાના મામલાઓ પર આવું મૌન સેવ્યું હોય. રાહુલ ગાંધીએ કર્ણાટકના મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં કહ્યું કે, ‘હું તમને (સિદ્ધારમૈયા)ને વિનંતી કરું છું કે પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવે. પીડિતોને આપની કરુણા અને એકતાની જરૂર છે જેથી તેઓ ન્યાય માટે તેમની લડત ચાલુ રાખે છે.”
તેમણે લખ્યું કે આવા ઘૃણાસ્પદ અપરાધો માટે જવાબદાર તમામને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે તે સુનિશ્ચિત કરવાની આપણી સામૂહિક ફરજ છે. આ ઘટનાને ભયાનક જાતીય હિંસા ગણાવતા ગાંધીએ આરોપ લગાવ્યો કે પ્રજ્વલ રેવન્નાએ વર્ષોથી સેંકડો મહિલાઓનું યૌન શોષણ કર્યું છે અને તેનો વીડિયો બનાવ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું, ‘તેમાંની ઘણી સ્ત્રીઓ તેમને(પ્રજ્વલ રેવન્નાને) ભાઈ અને પુત્ર માનતી હતી, તેમની સાથે પણ હિંસક રીતે ક્રુરતા કરવામાં આવી અને તેમની ગરિમાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. આપણી માતાઓ અને બહેનો સાથે દુષ્કર્મ કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ.”
રાહુલ ગાંધીએ કહ્યું કે તેનાથી પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતાઓ આ ઘૃણાસ્પદ આરોપોથી વાકેફ હતા પરંતુ તેમ છતાં વડા પ્રધાને બળાત્કારી માટે ચુંટણી પ્રચાર કર્યો. આ ઉપરાંત, કેન્દ્ર સરકારે જાણીજોઈને રેવન્નાને ભારતમાંથી ભાગી જવાની છૂટ આપી જેથી તપાસ ન અટકી પડે. .
તેમણે આરોપ લગાવ્યો કે, ‘મારા બે દાયકાના જાહેર સેવાના ઈતિહાસમાં મેં ક્યારેય એવો કોઈ વરિષ્ઠ જનપ્રતિનિધિ જોયો નથી જેણે મહિલાઓ સામેની હિંસા પર સતત મૌન જાળવ્યું હોય. વડા પ્રધાનના મૌન સમર્થનને કારણે હરિયાણાના મહિલા રેસલર્સથી માંડીને મણિપુરની બહેનો સુધીની ભારતીય મહિલાઓએ આવા ગુનેગારોનું ભોગ બનવું પડે છે.”
રાહુલ ગાંધીએ લખ્યું કે માતાઓ અને બહેનોને ન્યાય અપાવવા માટે લડવું એ કોંગ્રેસની નૈતિક ફરજ છે. મને ખબર છે કે કર્ણાટક સરકારે આ ગંભીર આરોપોની તપાસ માટે એક SIT ની રચના કરી છે. પ્રજ્વલ રેવન્નાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવા અને તેને શક્ય તેટલી વહેલી તકે ભારત લાવવાની વડાપ્રધાનને વિનંતી કરું છું.