Important News Alert: રેલવે દ્વારા હાથ ધરાશે આટલા કલાકનો Block, 600 ટ્રેનો રહેશે રદ…
મુંબઈઃ મધ્ય રેલવે પર જૂન મહિનામાં 36 કલાકનો જમ્બો બ્લોક હાથ ધરવામાં આવશે અને એને કારણે મધ્ય અને હાર્બર લાઈનમાં 600 સર્વિસ રદ કરવામાં આવશે, એવી માહિતી મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી છે.
અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 137 વર્ષ જૂના Chhatrapati Shivaji Maharaj Terminus (CSMT) રેલવે સ્ટેશનનું અપગ્રેડેશનનું કામ હાથ ધરવામાં આવશે જેને કારણે પહેલી અને બીજી જૂનના મધ્ય રેલવે પર 36 કલાકનો બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે મધ્ય રેલવે અને હાર્બર લાઈન પર આશરે 600 જેટલી સર્વિસ રદ કરવામાં આવશે, એવું પણ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું.
મધ્ય રેલવે દ્વારા સીએસએમટી યાર્ડ તેમ જ લાંબા અંતરની ટ્રેનો માટેના પ્લેટફોર્મની લંબાઈ વધારવાનું કામ હાથ ધરવામાં આવશે જેને કારણે શનિવારે, પહેલી જૂનના મધરાતથી બ્લોક હાથ ધરવામાં આવશે.
સીએસએમટી એ ભારતનું સૌથી વ્યસ્ત અને જૂનું રેલવે સ્ટેશન છે અને મધ્ય રેલવે દ્વારા દરરોજ મેન લાઈન અને હાર્બર લાઈન પર 1810 લોકલ દોડાવવામાં આવે છે જેમાંથી 1200 જેટલી ટ્રેનો તો સીએસએમટીથી જ દોડાવવામાં આવે છે. બ્લોક દરમિયાન હાર્બર લાઈન પર લોકલ ટ્રેનો વડાલા સ્ટેશન સુધી તેમ જ મેન લાઈન પર ભાયખલા સુધી જ દોડાવવામાં આવશે. આ ઉપરાંત લાંબા અંતરની ટ્રેનો પણ મોડી પડવાની શક્યતા અધિકારી દ્વારા વ્યક્ત કરાઈ છે.
મધ્ય રેલવેના પીક સમર સિઝનમાં જ સીએસએમટી રેલવે સ્ટેશનના અપગ્રેડેશન વર્ક હાથ ધરવાના નિર્ણયને કારણે પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે. હાલમાં સીએસએમટીમાં 18 પ્લેટફોર્મ આવેલા છે અને જેમાંથી એકથી સાત નંબર પ્લેટફોર્મ લોકલ ટ્રેનો માટે દોડાવવામાં આવે છે અને 11 પ્લેટફોર્મ લાંબા અંતરની ટ્રેનો દોડાવવામાં આવશે. આ અપગ્રેડેશન પ્રોજેક્ટની અંદાજિત કિંમત 50 કરોડ રૂપિયા જેટલી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.