ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024 ટુર્નામેન્ટ હવે રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ છે, ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) ટીમે 10માંથી પાંચ મેચ જીતીને 10 પોઈન્ટ્સ સાથે ટેબલમાં 5માં સ્થાને છે. અગામી મેચોમાં CSK જીત મેળવી ટોચના ચાર સ્થાનમાં રહી પ્લે-ઓફમાં જગ્યા બનાવવા પ્રયત્નો કરશે. પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે CSKને આગામી મેચોમાં સારું પ્રદર્શન કરવું પડશે. CSKની આગામી મેચ 5મી મેના રોજ પંજાબ કિંગ્સ(PBKS) સામે ધરમશાલાના HPCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમવાની છે. PBKSની સામેની છેલ્લી મેચમાં CSKને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ પહેલા CSK માટે ખુશીના સમાચાર છે.
PBKS સામે ચેન્નઈમાં રમાયેલી મેચ બાદ CSKના બે ખેલાડીઓ પોતાના દેશ ગયા હતા, પરંતુ હવે આ બંને ખેલાડીઓ ભારત પરત આવી ગયા છે, તેઓ CSK ટીમ સાથે પણ જોડાઈ ગયા છે. આ બે ખેલાડીઓ મતિશા પાથિરાના(Matheesha Pathirana) અને મહિષ તિક્ષાના(Maheesh Theekshana) છે. આ વર્ષે જૂન મહિનામાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. આ બંને ખેલાડીઓ આ ટૂર્નામેન્ટ માટે વિઝા વેરિફિકેશન માટે તેમના દેશ શ્રીલંકા ગયા હતા. આ બંને ક્યારે પરત ફરશે તે અંગે કોઈ અપડેટ ન હતી.
હવે બંને ખેલાડીઓ નિર્ધારિત સમય પહેલા ભારત પરત ફર્યા છે. મતિષા પથિરાનાએ સોશિયલ મીડિયા દ્વારા તેના પરત ફરવાની અપડેટ કરી છે.
CSKના બે ખેલાડીઓ પરફ ફર્યા છે, ત્યારે બીજી તરફ ટીમનો ઘાતક બોલર મુસ્તાફિઝુર રહેમાન સ્વદેશ પરત ફર્યો છે. હવે તે બાંગ્લાદેશની રાષ્ટ્રીય ટીમમાં જોડાશે. બાંગ્લાદેશની ટીમ T20 વર્લ્ડ કપ 2024 પહેલા ઝિમ્બાબ્વે સામે 5 T20 મેચોની શ્રેણી રમશે.