Elvish Yadav: એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
ટીવી શો બિગ બોસમાં વિજેતા બનેલા ફેમસ યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ એલ્વિશ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. ED એલ્વિશની માલિકીની મોંઘી કારોના કાફલાની પણ તપાસ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, એલ્વિશ સામે કડક કાર્યવાહી થઈ શકે છે\
એક અહેવાલ અનુસાર એલ્વિસ ઉપરાંત ED કેટલીક હોટલ, રિસોર્ટ અને ફાર્મ હાઉસના માલિકોની પણ પૂછપરછ કરશે. અગાઉ નોઈડા પોલીસે એલ્વિશ યાદવની ધરપકડ કરી હતી. હાલ તે જામીન પર બહાર છે. હવે ED એ એલ્વિશ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે.
આ મામલે એલ્વિસ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ એલ્વિસ પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. તેને કહ્યું હતું કે કેટલાક લોકોને તેની સફળતા પસંદ નથી આવી રહી. એટલા માટે તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે.
રેવ પાર્ટીમાં સાપના ઝેર સપ્લાય કરવાના મામલામાં 8 નવેમ્બરના રોજ નોઈડા પોલીસે એલ્વિસ ઉપરાંત કેટલાક શખ્સો સામે FIR નોંધી હતી. આ કેસમાં એલ્વિસ ઉપરાંત રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથની ધરપકડ કરી હતી. પોલીસને રાહુલના નામે 20ml ઝેર મળી આવ્યું હતું.
એલ્વિશ યાદવે 29 એપ્રિલ 2016 ના રોજ તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. યુટ્યુબ વીડિયો દ્વારા તે લોકોમાં ફેમસ થયો અને લાખો અને કરોડો રૂપિયાની કમાણી કરવા લાગ્યો. તેના વિડીયોમાં સામાન્ય રીતે અભદ્ર કન્ટેન્ટ અને ભાષાનો ઉપયોગ જોવા મળે છે. આ પછી, તે ‘બિગ બોસ ઓટીટી સીઝન 2’ જીતીને રાતોરાત સ્ટાર બની ગયો. બિગ બોસ પછી, એટલો લોકપ્રિય બન્યો કે તે કેટલીક અભિનેત્રીઓ સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળ્યો.
ફેમ મળતાની સાથે જ એલ્વિશ વિવાદોમાં ફસવા લાગ્યો અને બિગ બોસ પછી તેનું નામ ઘણા વિવાદોમાં આવ્યું છે.