ગુજરાતમાં મતદાનના દિવસ સુધી પડશે આકરો તાપ; હવામાન વિભાગે આપી ચેતવણી
ગાંધીનગર : રાજ્યમાં ખુબ જ કાળઝાળ ગરમીનો પડી રહી છે, જેને લઈને મોટાભાગના શહેરોમાં તાપમાન ઊંચકાયું છે. રાજ્યમાં 3 શહેરોમાં તાપમાન 42 ડિગ્રી પાર કરી ચુક્યું છે. જેમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી નોંધાયું છે. આવતીકાલથી રાજ્યમાં ફરીથી અતિભારે હીટવેવની આગાહી છે, જેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ વર્તાશે. પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં હીટવેવની આગાહી છે. આગામી 5 થી 7 મે સમગ્ર રાજ્યમાં ગરમીનું યેલો એલર્ટ છે.
રાજ્યના તાપમાનમાં થયેલા વધારા પર નજર નાખવામાં આવે તો અમદાવાદ 41.7 ડિગ્રી, ગાંધીનગર 41.2 ડિગ્રી, ડીસા 40.8 ડિગ્રી, વડોદરા 40.8 ડિગ્રી, સુરત 39.8 ડિગ્રી, ભુજ 39.3 ડિગ્રી, અમરેલી 42.0, રાજકોટ 42.3 ડિગ્રી, સુરેન્દ્રનગર 42.3 ડિગ્રી, કેશોદ 40.4 ડિગ્રી નોંધાયું હતું.
મે મહિનામાં થનારા હવામાનના પરિવર્તનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 4-5-6 મે થી ગુજરાતમાં પુનઃ ગરમી પડશે. અને આ દિવસોમાં જ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી 24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે.
આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.
મતદાનના દિવસે પણ ગરમીનો પારો 44 ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહે તેવી સંભાવના છે. બપોરે આકરી ગરમી હોય ત્યારે મતદારોને મતદાન મથક સુધી કેવી રીતે ખેંચી લાવવા તે અંગે રાજકીય પક્ષો ચિંતિત છે. કોંગ્રેસે ઉમેદવારો અને કાર્યકરોને સૂચના આપી છે કે બપોરે 12 વાગ્યા પહેલા શક્ય હોય તેટલું વધુ મતદાન થાય. જો કે ગરમીની આગાહીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ મતદાન મથકો પર અલગ – અલગ વ્યવસ્થા કરી છે. તેમજ વધુને વધુ મતદાન થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.