ટોપ ન્યૂઝનેશનલ

Telangana : રોહિત વેમુલાનો પરિવાર પોલીસના ક્લોઝર રિપોર્ટને કોર્ટમાં પડકારશે, સીએમને મળવાની પણ યોજના

હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. રોહિત વેમુલાના પરિવારના એક સભ્યએ કહ્યું કે તેઓ 2016માં રોહિતના આત્મહત્યાના કેસમાં તેલંગાણા પોલીસના ક્લોઝર રિપોર્ટને કાયદાકીય રીતે પડકારશે. તેમના ભાઈ રાજા વેમુલાએ દાવો કર્યો હતો કે જિલ્લા કલેક્ટરે પરિવાર દલિત હોવા અંગે નિર્ણય લીધો ન હતો. આ અંગે પોલીસે કહ્યું કે તેઓ વધુ તપાસ કરશે.

રોહિતના મૃત્યુ અંગે સ્થાનિક કોર્ટ સમક્ષ તેના ક્લોઝર રિપોર્ટમાં તેલંગાણા પોલીસે દાવો કર્યો હતો કે તે દલિત ન હતો અને તેણે તેની વાસ્તવિક ઓળખ છતી થવાના ડરથી આત્મહત્યા કરી હતી. જ્યારે પુરાવાના અભાવને ટાંકીને પોલીસે આ કેસમાં આરોપીઓને ‘ક્લીન ચિટ’ આપી હતી. રોહિતના પરિવાર દ્વારા ઉઠાવવામાં મુદ્દાને ટાંકીને, તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક રવિગુપ્તાએ શુક્રવારે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે, જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટને વધુ તપાસની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવશે.

જ્યારે રાજા વેમુલાએ કહ્યું કે હાઈકોર્ટે નીચલી કોર્ટમાં અરજી દાખલ કરવાનો વિકલ્પ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ મામલે તેલંગાણાના મુખ્ય પ્રધાન એ. રેવન્ત રેડ્ડીને મળવાની પણ વાત કરી છે. જ્યારે પોલીસ વડા ગુપ્તાએ જણાવ્યું હતું કે આ કેસમાં તપાસ અધિકારી માધાપુરના મદદનીશ પોલીસ કમિશનર હતા અને તપાસના આધારે નવેમ્બર પૂર્વે અંતિમ ક્લોઝર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

ભાજપે કોંગ્રેસ-ડાબેરી પક્ષો પર નિશાન સાધ્યું

આ મુદ્દે ભાજપના ભૂતપૂર્વ એમએલસી રામચંદર રાવે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ રોહિત વેમુલાના મૃત્યુને ભાજપ સાથે જોડીને રાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યો છે. રાવે કહ્યું કે વેમુલાની આત્મહત્યા દુઃખદ છે, પરંતુ કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનું વલણ નિંદનીય છે.

યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો

જ્યારે આ મુદ્દે વિદ્યાર્થીઓના એક જૂથે હૈદરાબાદ યુનિવર્સિટીમાં પ્રદર્શન કર્યું અને કેન્દ્રીય પ્રધાન અને યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર અપ્પા રાવ પોડિલે વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં વિદ્યાર્થી સંગઠન SFIએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે રોહિત વેમુલાની સંસ્થાકીય હત્યા પર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ ક્લોઝર રિપોર્ટ એક વિડંબના છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ સરકાર અને પોલીસ પાસે કોઈ પુરાવા ન હોવા છતાં રોહિતને દલિત ન હોવાનું ટેગ કરીને ભાજપના નેરેટિવને સમર્થન આપી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button