
મુંબઈ: ‘બાર વર્ષે બાવો બોલ્યો’ આ કહેવત કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર)ને અચૂક લાગુ પડે. 2012ની સાલ પછી પહેલી વાર (છેક 12 વર્ષે) કેકેઆરની ટીમ વાનખેડે સ્ટેડિયમમાં જીતવામાં સફળ થઈ છે. શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ)ને 170 રનનો લક્ષ્યાંક આપ્યા પછી એને 18.5 ઓવરમાં 145 રને ઓલઆઉટ કરીને કોલકાતાએ 24 રનથી જીત હાંસલ કરી હતી. કોલકાતા પોઈન્ટ્સ-ટેબલમાં સેકન્ડ અને મુંબઈ સેકન્ડ-લાસ્ટ છે.
લો-સ્કોરિંગવાળો આ મુકાબલો જીતીને પ્લે-ઑફ માટેનો નજીવો દાવો જીવંત રાખવાનો મોકો હાર્દિક પંડયાની ટીમે મોટા ભાગે ગુમાવી દીધો હતો. માત્ર ગણિતની રીતે મુંબઈ હજી જીવંત કહેવાય, પણ હવે પછી બીજી ટીમોના પરિણામો એની તરફેણમાં ન પણ આવે.
કોલકાતાને બૅટિંગ આપ્યા પછી એને સાવ નીચા ટોટલ સુધી સીમિત રાખવાની મુંબઈને તક મળી હતી, કારણકે ચાર તબક્કે કોલકાતાનો સ્કોર એને મુસીબતમાં મૂકનારો હતો: 22/2, 28/3, 43/4 અને 57/5. પહેલા 37 બૉલમાં આ પાંચ વિકેટ પડી હતી. આવું ભાગ્યે જ બનતું હોય છે.


જોકે આ બધી તક મુંબઈના હાથમાંથી જતી રહી હતી. 57 રનના સ્કોરે રિન્કુ સિંહ આઉટ થયા બાદ મૅન ઑફ ધ મૅચ વેન્કટેશ ઐયર (70 રન, બાવન બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) અને મનીષ પાન્ડે (42 રન, 31 બૉલ, બે સિક્સર, બે ફોર)ની જોડીએ છઠ્ઠી વિકેટ માટે 83 રનની યાદગાર ભાગીદારીથી કોલકાતાને મોટી મુસીબતમાંથી ઉગારી લીધું હતું. એ પછી નાની-મોટી ઘટના બાદ કોલકાતાનો દાવ 19.5 ઓવરમાં 169 રને સમેટાયો હતો. વેન્કટેશની આ લડાયક ઇનિંગ્સ આઈપીએલના ઇતિહાસમાં જરૂર મહત્વની ગણાશે.
હવે મુંબઈએ 170 રનનો સાધારણ ટાર્ગેટ મેળવવાનો હતો, પરંતુ હંમેશની જેમ એનું ઓપનિંગ ફરી ખરાબ થયું. કિશન (13), રોહિત (11), નમન ધીર (11), તિલક વર્મા (4) અને નેહલ વઢેરા (6) સાવ સસ્તામાં પૅવિલિયન ભેગા થયા હતા. 70 રનમાં પાંચ વિકેટ પડી હતી એમ છતાં બીજા માત્ર 100 રન દસેક ઓવરમાં બનાવવાના હતા, પરંતુ વિકેટ પડવાની ચાલુ જ હતી.

એકમાત્ર સૂર્યકુમાર યાદવ (56 રન, 35 બૉલ, બે સિક્સર, છ ફોર) લડાયક ઇનિંગ્સ રમ્યો હતો, પણ એ પૂરતું નહોતું. હાર્દિકને તેના એક રને રસેલે આઉટ કર્યા બાદ સૂર્યા પોતાના 56 રને ક્રીઝમાં હતો અને મુંબઈએ આખરી પાંચ ઓવરમાં ફક્ત 51 રન બનાવવાના હતા. જોકે સૂર્યાને આન્દ્રે રસેલે આઉટ કર્યા બાદ 24.75 કરોડની સૌથી મોટી કિંમતે આઈપીએલમાં આવેલા મિચલ સ્ટાર્કે સપાટો બોલાવ્યો અને એક જ ઓવરમાં (ચાર બૉલમાં) બાકીની ત્રણેય વિકેટ લઈને ખેલ ખતમ કરી નાખ્યો હતો. એ ઓવરનો ચોથો બૉલ બુમરાહ ન રમી ગયો હોત અને આઉટ થયો હોત તો 2024ની આઈપીએલની હૅટ-ટ્રિક સ્ટાર્કના નામે લખાઈ હોત.
એ પહેલાં, કોલકાતાએ જે 169 રન બનાવ્યા એમાં વેન્કટેશનું સૌથી મોટું યોગદાન હતું, પણ તેની એ યાદગાર ઇનિંગ્સમાં અનિચ્છનીય ઘટના એ બની હતી કે તેની ભૂલને કારણે આન્દ્રે રસેલે (સાત રન ) રનઆઉટમાં વિકેટ ગુમાવવી પડી હતી. રસેલ ખૂબ ગુસ્સામાં પાછો આવ્યો હતો.

એ અગાઉ, કોલકાતાએ 28 રનમાં ગુમાવેલી ત્રણેય વિકેટ શ્રીલંકન બોલર નુવાન થુશારાએ લીધી હતી. બુમરાહે પણ ત્રણ અને હાર્દિકે બે વિકેટ તથા ચાવલાએ એક વિકેટ લીધી હતી. હાઈએસ્ટ 17 વિકેટ બદલ પર્પલ કૅપ ફરી બુમરાહ પાસે આવી ગઈ છે.