વીક એન્ડ

પુસ્તક વાંચનને દિનચર્યાનો ભાગ બનાવવો જોઈએ

પ્રાસંગિક -સોનલ કાંટાવાલા

ગયા મહિને વિશ્ર્વ પુસ્તક દિવસ ઉજ્વાયો.

આપણે સૌ ૨૩ એપ્રિલનાં દિવસને “વિશ્ર્વ પુસ્તક દિન તરીકે ઉજવીએ છીએ. આ દિવસને “વર્લ્ડ બુક ડે તરીકે પણ ઓળખવામાં આવે છે.

સૌપ્રથમ વાર ૧૯૯૫માં આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. આ દિવસની પસંદગી બે કારણને આધારે કરવામાં આવી હતી. એક, મહાન કવિ અને નાટ્યલેખક વિલિયમ શેક્સપિયરની જન્મતિથિ તથા પુણ્યતિથિ અને બીજા અનેક મહાન નવલકથાકારો અને પત્રકારોની પુણ્યતિથિને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાંજલિરૂપે આ દિવસની સમગ્ર વિશ્ર્વમાં ઉજવણી થાય છે.

વિલિયમ શેક્સપિયરનું એક ઘણું જાણીતું અવતરણ છે, વિચાર વિના શબ્દો કદી ઊંચે જઈ શકતા નથી.

પુસ્તકોને વિચારોની જનની કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય એટલે શબ્દોનો વિસ્તાર વાંચન જ કરી શકે. એક રોમન ફિલોસોફર માર્કસ ટુલીયસના મતે પુસ્તકો વિનાનો ઓરડો એ આત્મા વિનાના શરીર સમો છે. પુસ્તકોનું મહત્ત્વ કેટલા સરળ શબ્દોમાં ! મહાત્મા ગાંધીજીના શબ્દો ટાંકીએ તો એ કહે છે કે ‘જીવી લો જાણે કાલે મૃત્યુ પામવાના હો અને શીખી-ભણી લો જાણે નિરંતર જીવવાના હો.’;

પુસ્તક વાંચવાનું ઓછું થયેલું વલણ
પુસ્તકો લોકો જ્ઞાન મેળવવા અથવા મનોરંજન માટે વાંચતાં હોય છે, પરંતુ આ બંને કારણને વર્તમાન સંદર્ભમાં જોઈએ તો એક દલીલ એવી થાય છે કે જે જ્ઞાન આપણને પુસ્તકો આપે છે એથી વધુ સારી રીતે આપણે ઓડિઓ-વિઝ્યુઅલનાં માધ્યમે શીખી શકીએ છીએ માટે પુસ્તકોનું આજનાં પરિપેક્ષ્યમાં એટલું મહત્ત્વ નથી. જ્ઞાન મેળવવા માટેની ઈચ્છિત દરેક સામગ્રી આપણને ઈન્ટરનેટ દ્વારા મોબાઈલ પરથી પણ મળી જ રહે છે તો શા માટે પુસ્તકનો જ આગ્રહ રાખવો જોઈએ? એ હવે ‘ઓલ્ડ સ્કૂલ ઑફ થિંકિંગ’ છે. ઉપરાંત, જે વિષય વાંચીને સમજીએ, એને જ જો સ્ક્રીનના માધ્યમથી સમજવામાં આવે તો ફરક એ છે કે સ્ક્રીન ઉપર દ્રશ્યો સાથે શ્રાવ્ય તેમ જ અન્ય આધુનિક ટેક્નિકની મદદથી જે વાત કહેવામાં આવે છે એની ત્વરિત છાપ મગજ ઉપર પડે. અને મનોરંજન માટે પણ વિપુલ પ્રમાણમાં ટીવી, ઓટીટી, મોબાઈલના માધ્યમે એટલી બધી સામગ્રી ઉપલબ્ધ છે તો પુસ્તકો અપ્રસ્તુત છે આજનાં ટેકનોલોજીના જમાનામાં. આ બધા કારણોને લીધે લોકોમાં અને ખાસ કરીને યુવા પેઢીમાં પુસ્તક વાંચનનું વલણ ઓછું થયેલું જોવા
મળે છે.

પુસ્તક શા માટે વાંચવા જ જોઈએ?: વિઝ્યુઅલસ દૃશ્યની અસર મગજ ઉપર ઊંડી તેમ જ જડબેસલાક થાય છે એ વિષે બેમત નથી. પરંતુ એની સરખામણી જો આપણે પુસ્તક વાંચવા સાથે કરીએ તો પુસ્તકોમાંથી અન્ય અનેક લાભો મળી શકે છે. પુસ્તકો વધુ વિગતવાર, વધારે ઊંડાણપૂર્વક જે સમજાવી શકે છે એ અન્ય માધ્યમો કદાચ ન કરી શકે. પુસ્તક વાંચવાથી વાચકની કલ્પનાશક્તિને પાંખો મળે છે જે અન્ય મીડિયામાં શક્ય નથી કેમ કે એમાં જોનાર અન્યની કલ્પનાશક્તિને સહારે વ્યક્તિ પોતાની રસપૂર્તિ કરે છે.

વાચક જ્યારે મનોરંજન માટે વાંચે છે ત્યારે વાંચન દ્વારા પ્રસ્તુત વિષય સાથે એ વધુ સક્રિય રીતે જોડાઈ શકે છે કેમ કે જે વિષય એ વાંચે છે એની સાથે જોડાવા માટે એણે કથાનકના પાત્રોને, દ્રશ્યોને કલ્પવા પડે છે જેનાથી એની કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા ખીલે છે, જે વિઝ્યુઅલ માધ્યમમાં એને તૈયાર પીરસવામાં આવે છે એટલે પોતાની કલ્પનાશક્તિ ખીલવવાનો અવસર એને ફક્ત વાંચનમાંથી મળે છે. ઉપરાંત, વાંચનથી એનો શબ્દભંડોળ સમૃદ્ધ બને છે, ભાષા વિષેની સમજ વિસ્તૃત થાય છે, વાક્યરચના, શબ્દોનું ચયન, લખાણ બધું જ સુધરે છે, જે સંદેશવ્યવહારનું કૌશલ્ય વિકસવામાં એને મદદરૂપ થાય છે.

વાંચનથી સ્મરણશક્તિ, એકાગ્રતામાં સુધારો થાય છે. એનાથી વિપરીત, એ જોવા મળ્યું છે કે વધુ પડતા સ્ક્રીન ટાઈમથી, પછી એ ટીવી હોય કે મોબાઈલ, વ્યક્તિની એકાગ્રતામાં ઓટ આવે છે, આંખ ખરાબ થાય છે, ઊંઘ ડિસ્ટર્બ થાય છે, જે સ્વાસ્થ્ય માટે ઘણું હાનિકારક છે. આને કારણે ધ્યાન કેન્દ્રિત કરી શકવાની સમયાવધિ ઘટી જાય છે. એટલે લાંબા સમય માટે મન એકાગ્ર થઈ શકતું નથી.

તમે જોશો કે આજની પેઢીમાં ધીરજ નથી, તેમને દરેક ક્ષેત્રમાં ત્વરિત પરિણામ અથવા ઈન્સ્ટન્ટ ગ્રેટીફિકેશન જોઈએ છે કેમ કે એને બધું જ તૈયાર જોઈએ છે, પુસ્તક વાંચનની આદત આમાં સુધારો લાવી શકે છે. સિનેમા અને ટેલિવિઝનનો સહારો લેવો પલાયનવાદ હોઈ શકે, સમસ્યાને થોડીવાર માટે ભૂલી જવાનો કે તેનાથી નાસી છૂટવાની ચેષ્ટા હોઈ શકે, પણ સત્ત્વશીલ પુસ્તકો ક્યારેય પલાયનવાદને પોષતાં નથી. એ તો આપણને સમસ્યાની આંખોમાં આંખ પરોવીને જોતાં, એનો સામનો કરતાં શીખવે છે, આપણને જરૂરી આત્મબળ પૂરું પાડે છે. વાંચી-લખી-વિચારી શકતા માણસ માટે પુસ્તકો કરતાં શ્રેષ્ઠ ચીજ બીજી કોઈ નથી. પુસ્તકો કાલ્પનિક કથાઓ, સત્ય ઘટનાઓ, આત્મકથાઓ, કાવ્યો, પૌરાણિક ગ્રંથો, સાહિત્યો વગેરે જેવી વિશાળ વૈવિધ્યતા ધરાવે છે. વાચક પોતાના રસ પ્રમાણે એમાંથી ચયન કરીને પોતાની જ્ઞાનપીપાસા છીપાવી શકે છે. દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમની સરખામણીએ પુસ્તકો વાચકને વધુ ઊંડાણ આપી શકે છે. અન્ય માધ્યમો વ્યક્તિની જ્ઞાનેન્દ્રિયને ક્ષણિક સુખ તો આપી શકે છે પરંતુ મનને ઉમદા ખોરાક તો સત્ત્વશીલ વાંચન જ પૂરું પાડી શકે છે.

સંતુલન જરૂરી : આજનાં ટેકનોલોજીના યુગમાં આપણે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમને સાવ અવગણી ન શકીએ, અવગણવું જોઈએ પણ નહીં, પરંતુ એના ઉપરનું સંપૂર્ણ અવલંબન ત્યાગીને પુસ્તકોને આપણા જીવનમાં એમનું યોગ્ય સ્થાન પાછું આપીએ. કારણ, પુસ્તકો આપણને વધુ સત્ત્વશીલ, વધુ સાત્ત્વિક આનંદ આપવાની તેમ જ આપણા તન-મનને વધુ ઊર્જાવાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. તો ચાલો, આજનાં વિશ્ર્વ પુસ્તક દિને ખાસ યુવા પેઢીને કહેવાનું કે, જેટલા ઉત્સાહથી તમે રોમાન્સનો દિવસ ‘વેલેન્ટાઈન ડે’ ઉજવે છે, એટલો જ ઉત્સાહ જો યુવા વર્ગ પુસ્તકો સાથે રોમાન્સ કરવામાં રાખશે તો તેમના જીવનને નવી ઊંચાઈએ પહોંચાડતા તેમને કોઈ નહીં રોકી શકે..!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button