એક વાસંતી સવારે…
ટૂંકી વાર્તા -નસીર ઈસમાઈલી ‘ઝુબિન’
શનિવારની આજની આ વાસંતી સવારે મને, એટલે કે આ રાગેશ ગોખલેને આંખ ઉઘાડતાં જ લાગ્યું કે આજની આ સવાર મારી રૂપાળી પત્ની સુહાનીના નામ જેવી જ સુહાની છે. જોકે આજની આ સવાર પણ આમ તો મારી ઘરેડી રોજિંદી સવારો જેવી જ હતી. મુંબઈના જોગેશ્ર્વરી-વેસ્ટમાં આવેલા અમારા ભીડભર્યા ચાલીનુમા માચીસી ‘મોડર્ન’ ફ્લેટ્સ એ જ કાયમી અવાજો, કોલાહલથી ખચાખચ ખદબદતા હતાં, જે હંમેશાં મને એક ઉદાસીપૂર્ણ દોડ ભરેલી હાંફથી ભરી દેતાં. મૉર્નિંગ ઍલાર્મ રણકે ત્યારથી માંડીને જોગેશ્ર્વરીના સ્ટેશનથી નવ-પચ્ચીસની લોકલ ટ્રેન પકડાય ત્યાં સુધીની દૌડભરી હાંફથી.
જોકે આજેય મારા આ દૌડભાગના ક્રમમાં કોઈ ફેર નહોતો પડવાનો, પણ આજે એક એવા સમાચાર ઑફિશિયલી મને મારી ઑફિસમાં મળવાના હતા કે પછી મારી હર સવાર સુહાની બની જવાની હતી અને અન-ઑફિશિયલી તો એ સમાચાર મને મારા બૉસ દ્વારા મળી ચૂક્યા હતા જ. એટલે આજે સવારથી હું મારા આડત્રીસી અસ્તિત્વને આશાઓથી મહેકતું એક ખુશનુમા ગુલશન ‘ફીલ’ કરી રહ્યો હતો.
પાંત્રીસમાં વર્ષે બે બાળકોની મમ્મી બની ગયા પછીય પચ્ચીસી પિન-અપ સુંદરી લાગતી મારી ગૌર રૂપાળી પત્ની સુહાનીને મેં આજે ઑફિસમાં મને ઑફિશિયલી મળનારા એ ‘ગુડ-ન્યૂઝ’ની જાણ કરી દીધેલી. એટલે એય આજે સવારના રોજિંદા કામોના ઝમેલાની વચ્ચેય સુહાના મૂડમાં હતી અને કોઈ લગ્નપ્રસંગે જ જે હું પહેરતો એ રેમન્ડના મોંઘા પેન્ટ-શર્ટની ‘પેર’ સુહાનીએ આજે મારા પહેરવા માટે કાઢી આપેલી ને ખંજન ખનકતા સ્મિત વડે સ્ફટિકી ચહેરાને ભરી દઈ એણે મને ઑફિસ-વિદાય આપેલી.
અને ઘરેથી નીકળીને ચાલતાં- શાયદ દોડતાં જોગેશ્ર્વરીના સ્ટેશને પહોંચવા હું રસ્તા પરની ભીડમાં આવી ગયો. વ્યસ્ત સ્ત્રી-પુરુષોની, વાહનોની, રોજિંદા રઘવાટમાં તરફડતી દોડતી બંબઈયા ભીડ. અલબત્ત એ ભીડની વચ્ચે માર્ગ કાઢીને દોડતી વેળાય હું તો મારા સોનેરી ભવિષ્યના ગુલાબી ખયાલોમાં જ ખોવાયેલો હતો…
…આજે ઑફિસમાં મને સુપરવાઈઝર ગ્રેડ-ટૂના પ્રમોશનનો લેટર ઑફિશિયલી મળવાનો છે, જેમાં મને કંપનીની પુણે બ્રાંચ ઑફિસમાં પોસ્ટિંગ મળેલું છે. પુણે એ સુહાનીના પિયરનું એક શાંત રમણીય શહેર છે એની તો મને ખબર છે જ. પુણેની કંપનીની બ્રાંચ-ઑફિસમાં કામનું ટૅન્શન મુંબઈની સરખામણીમાં નહીંવત્ છે એ પણ હું જાણું છું. કેમ કે પુણે ઑફિસની હાલની ઈન્ચાર્જ ઑફિસર બોલકણી બોમ્બાટ પારસીબાનુ મીસ ગુલશન બદામી દસ વર્ષ પહેલાં મારી મુંબઈ મેઈન-ઑફિસમાંથી જ ગ્રેડ-ટૂથી ગ્રેડ-વન સુપરવાઈઝરના પ્રમોશન પર ગયેલી છે અને આજે એ ત્યાં ઑફિસર ઈન-ચાર્જ છે.
અમારી ઑફિસમાં સૌથી વધુ મને ઉંમરમાં મારાથી દસ-બાર વર્ષ મોટી આ હસમુખી બોલકણી રૂપાળી કુંવારી પારસી પોટટી ગુલશન બદામી સાથે જ ફાવતું અને એને શાયદ મારી સાથે. એટલે લો અગિયાર વર્ષ પહેલાં જ્યારે મેં મારા અને સુહાનીના મેરેજ-રિસેપ્શનની આમંત્રણ-પત્રિકા મીસ બદામીને આપી ત્યારે હસતાં હસતાં આંખ મિચકારીને એણે મને કહેલું,
“આય તારા જેવો સોજ્જો સ્માર્ટી પોટટો અમ ઝટ દઈને પન્ની (પરણી) જાય તે મારા જેવી સિંગલ વુમન માટે તો કેવા શૉકિંગ ન્યૂઝ છે, એ તને માલમ પડે કે રાગુ? પન સું થાય? મારે મારી ‘એનિમી’ (દુશ્મન) તારી આ વાઈફને જોવા ય તારા મેરેજ-રિસેપ્શનમાં આવવું તો પડશે રાગુ ડિયર!
હવે પ્રમોશન પર પુણે ગયા પછી મને આ મહેકતી ચહેકતી સ્લીવલેસ ગુલાબી ગુલશનનું સુગંદભર્યું ઑફિસ-સાનિધ્ય રોજ મળવાનું, જે મેં અલબત્ત સુહાનીને નથી જણાવ્યું. નહીં તો આ રાગેશને ‘ભાગેશ’ બની જવું પડે.
પુણેમાં જ મારા શ્ર્વસુર કશ્યપ સરવણેની બે માળની આલીશાન સરવણે હવેલી આવેલી છે, જેમાં મારા વયસ્ક પણ અડીખમ સાસુ-સસરા સિવાય કોઈ રહેતું નથી. કેમકે મારા બંને સાળાઓ તો વિદેશ સ્થિર થયેલાં છે. એટલે સરવણે હવેલીનું આલીશાન સગવડદાયક નિવાસસ્થાન પણ પુણેમાં મને મફત રહેવા માટે મળવાનું છે. મારા બંને બાળકોને જ્યાં દાખલ કરવાના છે, એ સ્કૂલ સરવણે હવેલીની નજીકમાં જ છે, જ્યાં મારી પત્ની સુહાની લગ્ન પહેલાં ટીચર હતી અને અમારી પુણેની ઑફિસ સરવણે હવેલીથી માત્ર દોઢ-બે કિલોમીટરના વૉકિંગ-ડિસ્ટન્સ પર છે. આઠ અને દશ વર્ષના મારા દીકરા-દીકરીને તો એમનાં નાના-નાની સાથે એટલું ફાવે છે કે, એ રાત્રેય એમનાથી છૂટા નહીં જ પડવાના અને મારા માટે સરવણે હવેલીની દરેક રાત ભર્તુહરિના ‘શૃંગાર-શતક’ જેવી ‘સુહાની’ બની રહેવાની છે. પ્રમોશન સાથે પગાર વધશે અને મુંબઈનો ફ્લેટ ભાડે આપી દેવાથી વધારાની આવક થશે. વાહ! મઝા આવી જશે. આ વિચારોના રંગીન વાદળો મારા મનોકાશને ગલગલિયાં કરી રહ્યાં.
આ તમામ વિચારોથી ગલગલિયાં અનુભવતો હું જોગેશ્ર્વરીના સ્ટેશને પહોંચવા એસ.વી.પી. રોડ ક્રોસ કરી રહ્યો હતો અને એ વિશાળ રાજમાર્ગ પર લોકોનું એક નાનકડું ટોળું જામેલું જોઈ મારા દોડતા પગ થંભી ગયા અને ત્યાં શું થયું છે એ જોવાના કુતૂહલવશ હું એ ટોળામાં ઘૂસ્યો.
ટોળાની વચ્ચોવચ રોડ પર મારો હમઉમ્ર લાગતો એક જવાન આદમી લોહી નીંગળતી હાલતમાં ચત્તોપાટ પડ્યો હતો, જેને મારા ટ્રેઈનના કમ્પાર્ટમેન્ટના રોજિંદા હમસફર તરીકે જોયેથી હું ઓળખતો હતો. એ શાયદ રસ્તો ક્રોસ કરતાં કોઈ વાહન-અકસ્માતનો ભોગ બન્યો હતો. એની આંખો ફાટી ગઈ હતી અને હાથમાંથી ટિફિનના બધાં જ ડબ્બા એમાંની સામગ્રી સહિત વેરણછેરણ થઈને ચોપાસ ફેલાઈને પડ્યા હતાં.
બીજી બાજુ એની કાળી ઑફિસ-બેગ અને મોબાઈલ ફોન પડ્યા હતા. એનું આજનું વસ્ત્ર-પરિધાન પણ મારા જેવું જ હતું. ડાર્ક કિંમતી પેન્ટ અને ક્રીમ કલરનું શર્ટ. એ શાયદ મરી ચૂક્યો હતો, ને પુલિસ હજી આવી નહોતી.
બિચ્ચારો! કોણ હશે આ માણસ? ક્યાં રહેતો હશે? ઘેરથી જોબ પર જવા નીકળ્યો હશે, ત્યારે તો એને સપનેય ખ્યાલ નહીં હોય કે પોતાનાં બધાં સપનાં અધૂરાં મૂકી એણે એકાએક આમ ઍક્સિડન્ટનો ભોગ બની જઈ જિંદગીને અલવિદા કરી દેવી પડશે! એને જોઈને મારા દિમાગમાં વૈરાગી વિચારોના વાદળ ઊમટી આવ્યાં. કેવી છે માણસની જિંદગી! બધું જ અનિશ્ર્ચિત, અણધાર્યું. મૃત્યુ ગમે ત્યારે હાથ પકડી લઈ શકે ને માણસે એની સાથે જ ચાલી જ નીકળવું પડે. જો મૃત્યુ જ જિંદગીનું એકમાત્ર અનિવાર્ય અંતિમ સત્ય હોય તો શું અર્થ છે આ જિંદગીનો? અને સપનાંઓ પાછળ હાંફતા હાંફતા દોડતા રહેવાનો? આ વિચારતાં મારું દિમાગ ભર્તુહરિનું ‘વૈરાગ્ય-શતક’ બની ગયું, પણ એકાએક…
…એકાએક એ અકસ્માતમાં મરી ગયેલા માણસના ડાબા હાથે બંધાયેલી રીસ્ટ-વૉચ ઉપર મારી નજર પડી કે એ ‘જીવિત (ચાલુ) હતી ને એમાંના કાંટા દર્શાવતા હતા કે મારી લોકલ ટ્રેનનો સમય થવા આવ્યો છે. આજે તો ઑફિસે સમયસર પહોંચવું મારા માટે જરૂરી હતું જ. કેમકે આજે જ મને પ્રમોશન સાથે પુણે ટ્રાન્સફરનો ઓર્ડર મળવાનો છે, અને ઓફિસમાંથી ‘બિફોર નૂન’ (બપોર પહેલાં) રિલીવ થવાની બધી વિધિ મારે પતાવવાની છે.
અને ક્ષણવારમાં મારા જેહનની આંખો સમક્ષનું ચિત્ર બદલાઈ ગયું.
પ્રમોશન… આવક વધારો… શાંત રમણીય પુણે… સ્લીવલેસ ગુલાબી મિસ ગુલશન બદામીનું મારકણું સ્મિત મઢયું ગલગલિયું સાનિધ્ય… સરવણે હવેલીનું સુહાનીની સુગંધે રોજ મહેકનારું આલીશાન એકાંત… અને…
… અને આ અકસ્માત જોઈ થોડીવાર માટે વૃક્ષ પરથી ખરેલા પાંદડા જેવું સહરાઈ ‘વૈરાગ્ય-શતક’ બની ગયેલું મારું મન આ વિચારોથી પુન: વાસંતી ‘શૃંગાર-શતક’ બની ગયું, ને ટોળામાંથી બહાર આવી, હું દોડ્યો જોગેશ્ર્વરીના સ્ટેશનની દિશામાં, આજની આ વાસંતી સવારે…