વીક એન્ડ

આવા ઉમેદવારો પણ જીતી જાય હેં, ખરેખર?!

ચૂંટણીના ઇતિહાસમાં કેટલાંક પશુ-પ્રાણી પણ જીતી ચૂક્યાં છે!

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

રાજકારણની ગરમી હાલમાં ચરમસીમાએ છે. ચૂંટણીમાં આમ તો લોકોએ યોગ્ય લાગે એ ઉમેદવારને ચૂંટી કાઢવાનો હોય છે, પણ ઘણીવાર એવું બને કે લોકો સ્થાનિક ઉમેદવાર કોણ છે એ જોવા કરતાં પક્ષનું નિશાન જોઈને મત્તું મારતા હોય છે. દરેક પક્ષને પોતાના કમિટેડ-વફાદાર વોટર્સ હોવાના એટલે આ રીતનું મતદાન પણ થવાનું, પણ એમાં ઘણી વાર ખોટા (ભ્રષ્ટાચારી અથવા બિનકાર્યક્ષમ) માણસો ચૂંટાઈ જવાનો ભય રહે છે. લોકશાહીમાં આવું ય થતું રહે છે. ખાસ કરીને જે-તે પક્ષના વર્ચસ્વવાળા વિસ્તારોમાં આવું વધુ જોવા મળે છે. આવે સમયે અમુક-તમુક સીટ પર ફલાણા પક્ષને નામે થાંભલો ય ચૂંટાઈ જાય’ જેવી લોકવાયકાઓ વહેતી થાય છે. હવે જો માણસની અવેજીમાં થાંભલા જેવી નિર્જીવ વસ્તુ ચૂંટણી લડીને ચૂંટાઈ શકતી હોયતો પછી બીજા સજીવ એટલે કે ચોપગા પશુઓનો શું વાંક? એ પણ ચૂંટણી લડી શકે અને પબ્લિક રાજી થાય તો જીતી ય જાય!

તમને જાણીને નવાઈ લાગશે કે એવા અનેક કિસ્સા છે, જેમાં કોઈ પશુ ચૂંટણી લડ્યું હોય, એટલું જ નહીં, જીત્યું ય હોય! પરીકથાના પ્લોટ જેવા લાગતા કેટલાક કિસ્સા વિશ્ર્વના રાજકારણમાં નોંધાયા છે. કોઈ પશુ ચૂંટણીમાં ઊભું રહે એ મોટે ભાગે પબ્લિસિટી સ્ટંટ માટે હોય છે. અમુક કિસ્સામાં જનજાગૃતિ માટે તો અમુક કિસ્સામાં સિસ્ટમ ઉપર કટાક્ષ કરવા માટે પશુને ચૂંટણી લડાવવામાં આવે છે. કેટલાક કિસ્સામાં વળી કોઈક સારા હેતુને પાર પાડવા માટે પણ આવું ગતકડું કરાતું હોય છે.

અમેરિકાના કોલોરાડોમાં ડીવાઈડ નામનું એક નાનકડું સ્થળ છે. એની પોતાની પોસ્ટ ઓફિસ તો છે, પણ સ્વતંત્ર પોલીસ સ્ટેશન કે પછી બીજી સરકારી સંસ્થાઓ નથી એટલે એક રીતે જોવા જઈએ તો ડીવાઈડ એક સ્વતંત્ર શહેર હોવા છતાં બંધારણીય રીતે આસપાસના બીજા શહેરો પર આધાર રાખે છે. સ્વાભાવિકપણે આવા શહેરના મેયરનું અસ્તિત્વ શોભાના ગાંઠીયા જેવું જ હોવાનું. આથી આ ટાઉનના ઇતિહાસમાં એકથી વધુ વાર જાનવર મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે! ડીવાઈડના પ્રજાજનોએ ચૂંટણીમાં ખોટા ટેન્શન ઊભા કરવા અને વિચારધારાને નામે લમણા લેવા કરતાં ચૂંટણીના બહાને કંઈક સારું કામ કરવાનું નક્કી કર્યું હશે. આથી છેલ્લાં થોડાં વર્ષોથી ત્યાં એનિમલ શેલ્ટર હોમ’ દ્વારા ચૂંટણી યોજવામાં આવે છે, જેમાં પ્રત્યેક વોટ દીઠ એક ડૉલરનું દાન મળે એવી વ્યવસ્થા છે. દાખલા તરીકે : કોઈ ચૂંટણીમાં કુલ ૧૦,૦૦૦ મત પડે તો દરેક મત દીઠ મતદારોએ દાનમાં આપેલા એક ડૉલરને હિસાબે ‘એનિમલ શેલ્ટર હોમ’ ને રોકડા દસ હજાર ડૉલર્સનું દાન મળી જાય!

આમ તો આ આખી પ્રક્રિયા ફારસ જેવી જ ગણાય, પણ નાનકડા ટાઉનના લોકો એ બહાને મોજની સાથે સત્કર્મ કરી લે છે. ૨૦૧૦માં અહીં ત્રણ પગવાળો ડોગી અને ૨૦૧૨માં ત્રણ પગ વાળી બિલ્લીબાઈ ચૂંટાઈ આવેલાં. એ પછી ૨૦૧૪ની ચૂંટણીમાં ભારે રસાકસી થઇ. એ વખતે અહીં એક સાથે અગિયાર ઉમેદવારો’ પોતપોતાની ‘વિચારધારા’ લઈને ચૂંટણીના મેદાનમાં ઊતરેલા. એમાં બિલાડી, ગધેડો, ઘોડો, વરુ, હેજહોગ (શાહૂડી જેવા કાંટા ધરાવતું ઉંદર જેવડું સસ્તન પ્રાણી – શેળો) ઉપરાંત છ ડોગીઝનો સમાવેશ થતો હતો.

આ રસાકસીભરી ચૂંટણીમાં પા’ કેટલ નામક ડોગીએ ૨,૩૮૭ વોટ્સ મેળવીને યશસ્વી વિજય નોંધાવ્યો. જ્યારે એના કટ્ટર હરીફ એવા વરુને ૫૫ મત ઓછા મળતા રનર-અપ ઘોષિત થયું . વરુની ખોરી દાનત વિષે કદાચ ત્યાંની પ્રજાને શંકા હશે. ઇલેક્શન બાદ પા’ કેટલને મેયર અને વરુભાઈને વાઈસ મેયરપદે બેસાડવામાં આવ્યા. આ ચૂંટણી થકી પ્રાણીઓના લાભાર્થે દસ હજાર ડૉલર્સનું દાન પ્રાપ્ત થયું.

બીજો કિસ્સો જુઓ. સાઓ પાઉલો બ્રાઝિલનું આર્થિક પાટનગર છે. ઑક્ટોબર ૧૯૫૯માં સાઓ પાઉલોમાં ચોતરફ અરાજકતા હતી. પ્રજાનો મુખ્ય ખોરાક એવા માંસ અને કઠોળની અછત હોવાથી ભાવ આસમાને ગયા. વિકસિત ગણાતા ઉપનગરીય વિસ્તારોમાં પણ ગટરોની સમસ્યા સર્જાઈ હતી. એવામાં વળી સિટી કાઉન્સિલની ચૂંટણી આવી પડી. જ્યારે દેશ કે શહેર અરાજકતામાંથી પસાર થઇ રહ્યા હોય અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય, ત્યારે સિસ્ટમને સમજનારા અનેક લોકોને એમાં ‘તક’ દેખાય છે. એ સમયે સાઓ પાઉલોમાં પણ ઘણા લોકોને લાગ્યું કે રાજકારણમાં ઝંપલાવીને સત્તા કબજે કરવાનો આ જ સાચો સમય છે! પરિણામે થયું એવું કે કાઉન્સિલની ૪૫ બેઠકો માટે કુલ ૫૪૦ લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી! જો કે આમાંના કોઈ પ્રત્યે પ્રજાને ખાસ લાગણી નહોતી.

હવે જે થયું એ બહુ મજેદાર હતું. આ ઘટના ચૂંટણીઓના ઇતિહાસમાં હંમેશ માટે નોંધાઈ ગઈ છે. એ વખતે પાટનગર રિઓ ડી’ જાનેરોના ઝૂમાં કાકારેકો (Cacareco) નામક માદા ગેંડી મોજથી રહેતી હતી, પણ સાઉ પાઉલોમાં નવું પ્રાણી સંગ્રહાલય ખૂલ્યું એટલે કાકારેકોને પણ સાઉ પાઉલો ટ્રાન્સફર કરવામાં આવી. ચાર વર્ષની આ માદા ગેંડી જન્મી ત્યારે શરીરનો ઘાટ સરખો નહોતો, પરિણામે એને ‘કચરો’ – સ્થાનિક ભાષામાં કાકારેકો’ ગણી લેવામાં આવી. કાકારેકો મોટી થઇ એમ શરીરે તો અલમસ્ત થઇ ગઈ, પણ સ્વભાવે ભારે આળસુ અને મંદબુદ્ધિ હોય એવું એના વર્તન પરથી લાગતું. સાઓ પાઉલોમાં જ્યારે ચૂંટણીઓ જાહેર થઇ ત્યારે સિસ્ટમથી કંટાળેલા કોઈકને જબરદસ્ત વિચાર આવ્યો, કે સાવ ગધેડા જેવા રાજકારણીઓ કરતાં આ અલમસ્ત આળસુ ગેંડી શું ખોટી?પત્યું.

કાકારેકોના નામે ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું અને પ્રજા પણ આ ગેંડી પાછળ ઘેલી થઇ. પાંત્રીસ લાખની વસતિ ધરાવતા શહેરમાં એક લાખ મતદારોએ પોતાનો કિંમતી અને પવિત્ર મત ગેંડીને આપ્યો! આમાં સૌથી આઘાતજનક વાત તો એ હતી કે પેલા ૫૪૦ ઉમેદવારો પૈકી એકને બાદ કરતાં બીજા કોઈને પાંચ આંકડામાં મત મળ્યા નહોતા! કાકારેકોના સૌથી નજીકના હરીફને દસેક હજાર મતથી જ સંતોષ માનવો પડ્યો. આ પરિણામો પછી કાકારેકો વિજેતા જાહેર થઇ!

એક મંદબુદ્ધિની ગણાતી આળસુ ગેન્ડીએ પાંચસોથી વધુ મનુષ્ય ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં પછાડી દીધા હતા! આ ઘટના પછી એક ઉમેદવારને તો એટલી શરમ આવી ને માઠું લાગ્યું, કે એણે આત્મહત્યા કરી લીધી!

બીજી તરફ, સ્વાભાવિક રીતે જ એક ગેંડીને સત્તાસ્થાને બેસાડવું શક્ય નહોતું. સરકારી તંત્ર કદાચ માનતું હશે કે ગેંડીને ચૂંટણીમાં ઊભી રાખવી, એ ગતકડું માત્ર છે. લોકોના મનોરંજન માટે ઠીક છે, બાકી એને કોણ મત આપે?! પણ ગેંડીબહેન તો ભારે માજિનથી ચૂંટાઈ આવ્યાં એટલે નાછૂટકે સરકારી તંત્રે બિચારી કાકારેકોની ચૂંટણી રદ જાહેર કરી. આવું જો કોઈ માનવ વિજેતા સાથે થયું હોત તો એણે અચૂક બાંયો ચઢાવી હોત જો કે
કાકારેકોને તો ક્યાં કશો ફરક પડતો હતો? એ બહેન તો મોજથી પાછા રિયો ડી’ જાનેરોના ઝૂ ભેગા થઇ ગયા. કેવી મજાની સ્થિતપ્રજ્ઞતા!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button