વીક એન્ડ

મારું’ય ગરીબાઈનું ગોઠવો ને .!

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

મિલનભાઈ, ‘ગરીબી એક અભિશાપ છે’ આવું વાક્ય બહુ જૂનું થઈ ગયું.

ચુનિયાનું આ વાક્ય મને અંદરથી હલબલાવી ગયુ. હું બોલી ન શક્યો, પણ મારી આંખોના ભાવ વાંચી અને ચુનિયાએ નોનસ્ટોપ આગળ ચલાવ્યું :

‘મિલનભાઈ તમારી અત્યારે જેટલી પ્રસિદ્ધિ છે તેના કરતાં તમે જો ગરીબ હોત ને તો આજે તમે ક્યાંય હોત’
જો કે મને જેટલું નામ-ઠામ મળ્યું છે તેનાથી હું ખુશ છું, છતાં ચુનિયાના પ્રતિભાવ સાંભળવા માટે મેં આશ્ર્ચર્ય સાથે એને પૂછી જ નાખ્યું : ‘તેનું શું કારણ?’

અને એની શેતાની ખોપડીના વિચારો નાયગ્રા ધોધની જેમ વહેતા થયા:

‘તમે અત્યારે નવું નવું શોધી અને પ્રેક્ષકોને પીરસો છો અને હસાવો છો, પરંતુ જો તમે ક્યાં રેલવે સ્ટેશન ઉપરથી, બસ સ્ટેન્ડ ઉપરથી કે ક્યાંક ચોકમાં ઊભા રહી અને તમારી કારકિર્દીની શરૂઆત કરી હોત અને આવા સારા જોક્સ કર્યા હોત, જો મારા જેવા એ તમારો વીડિયો બનાવ્યો હોત અને ફોરવર્ડ કર્યો હોત તો આજે તમને કોઈ સારો બોલીવૂડનો એક્ટર કે એબી કોઈ જાણીતી હસ્તી રાતોરાત આવી અને ઊંચા મુકામ સુધી પહોંચાડી દીધા હોત. હજુ પણ મોડું નથી થયું. મારું માનો તમે દાઢી વધારી નાખો તમારા માટે સ્પેશિયલ કપડાં હું એરેન્જ કરીશ. એકાદ મહિનો ન્હાવાનું છોડી દો અને પછી આ જ જોક્સ તમે કરો પછી જુઓ, તમારી કારકિર્દી કેવી સોળે કળાએ ખીલે છે.’

દુનિયાને કોણ સમજાવે કે ભાઈ ગરીબી પણ નસીબમાં હોવી જોઈએ. તાજેતાજા ગરીબ બનેલા લોકોને કોઈ આવી હસ્તી ન સ્વીકારે.

ચુનિયાએ મણ એકનો નિસાસો નાખ્યો અને કહ્યું : ‘કુદરતે મને ગરીબી આપી પરંતુ કોઈ કલા ન આપી, અમારા ભાઈ-બહેનોમાં તો સમજ્યા પણ, બાને’ય સરખું ગાતા નથી આવડતું .નહીંતર આ ધોમ ધખતા તાપમાં ઘરે ઘરે જઈ અને દુનિયાભરની ‘તારી મારી’ કરતા હોય છે.જો ગાતા આવડતું હોત અને આપણે મેનેજ કર્યું હોત ને તો આજે બા ટાઢા રૂમમાં બેસી અને ‘મેરી તેરી’ કરતા હોત. ભાડાના મકાનમાંથી આખું ખાનદાન ત્રણ બેડના પ્લેટમાં પહોંચી ગયું હોત.

મેં કહ્યું : ‘તારા બાપુજીને ટ્રાય કર’ તો મને કહે : એ ગાતા નથી ગાંગરે છે અને ત્રણથી ચાર વાર એક ટ્રસ્ટવાળા ગાતા સાંભળી ગયા તો હવે એણે કહ્યું છે કે તમે ગાતા નહીં. હું રોજનું ટિફિન તમારા ઘરે પહોંચાડીશ. અને બાપુજીનો આટલો ટેકો અમારા માટે ઘણો છે વધારે કોઈ આશા નથી. વચ્ચે તમને વાત કરી દઉં કે તહેવારોમાં જે પૈસાદાર લોકો છે એમને મીઠાઈ વહેંચવાનો એટલો બધો ઉમળકો હોય છે કે ગરીબ વસતિમાં જઈ અને ઢગલાબંધ અમીર લોકો ઢગલાબંધ મીઠાઈ વહેચે છે. છેલ્લે છેલ્લે મને પણ મન થયું તો હું પણ મીઠાઈ વેચવા ગયો મારી કેપેસિટી પ્રમાણે મેં ગુલાબ જાંબુ પસંદ કરેલા , પરંતુ જેવો વેચવા ગયો એટલે એ લોકો સામે કાજુકતરીનું બોક્સ ધરવા લાગ્યા કે ‘સાહેબ, આ વધારે છે તમે લેતા જાવ.’ મધ્યમ વર્ગને ઘેર એક મીઠાઈ માંડ બને ત્યારે આ ગરીબોને ત્યાં પુણ્યની ગંગા વહાવવા માટે નીત નવી નોખી નોખી મીઠાઇઓ પડી હોય છે. બિસ્કીટના પેકેટ તો આ ભિખારીઓ અડતા પણ નથી. ચુનિયાએ બળાપો આગળ ચલાવ્યો:

મારી પાસે બધું જ છે મારો કાળો કલર છે, લમણે હાથ દઈ ને બેસતા પણ આવડે છે, હાવ ભાવ વગરનો ચહેરો પણ બનાવી લઉં છું, બસ એક ગાતા નથી આવડતું.!

મને થયું કે જો ચુનીયો અત્યારે ખાલી એટલી જાહેરાત કરે કે ‘મને મદદ કરો નહીં તો હું ગાવાનું શરૂ કરીશ’ તો પણ ન ગાવાના રૂપિયા માળવા માંડે.

‘સુપર- ૩૦’ ફિલ્મમાં એક અમીર બાપનો દીકરો એવો ડાયલોગ બોલે છે કે, ‘મેં પૈસે વાલા હું તો ક્યાં ઉસમેં મેરી ગલતી હૈ ?’ જેનામાં કોઈ ટેલેન્ટ છે અને એમને ચાન્સ નથી મળતો હોતો તેવા ઘણા લોકોએ આવા ઉદગાર કાઢ્યા હશે.

અત્યારે જેટલા સિંગિંગ માટેના રિયાલિટી શો આવે છે તેમાં ૫૦ ટકા ઉપરના તો એવા જ લોકો છે કે જેમની સ્ટોરી આપણે સાંભળીએ તો ખરેખર દુ:ખ થાય. જો લગભગ તે મેનેજ કરેલી સ્ક્રિપ્ટ જ હોય છે. મોટાભાગના હીરોની ‘સ્ટ્રગલ સ્ટોરી’ તમે સાંભળો તો એવું હોય છે કે ‘હું મુંબઈ કલાકાર બનવા માટે આવ્યો ત્યારે સર્વપ્રથમ બાંકડા ઉપર રેલવે સ્ટેશન ઉપર સૂતો છું. બે દિવસ થાય ત્યારે એક વડાપાંઉ ખાવા મળે. ધક્કા ખાઈ ખાઈ અને ગાળો ખાઈ અને મને ધીમે ધીમે સફળતા મળી.’ આવા બધા કિસ્સા સાંભળી મને એમ થાય કે ખરેખર સફળ થવા માટે પહેલા ગરીબ હોવું જરૂરી હશે કે કેમ?
મને તો એમ થાય છે કે એક ઇવેન્ટ કંપની ચાલુ કરું, જેમાં પૈસાવાળા હોય ને તેનામાં ટેલેન્ટ હોય તો એની ગરીબી માટે સરસ મજાનો સ્વાંગ બનાવી, એક સારું લોકેશન શોધી અને બે-ચાર સારાં ગીતો તૈયાર કરાવી અને રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ કે કોઈ ભરચક ચોકમાં રમતો મૂકી દેવો. ત્યાર પછી એનો વીડિયો ઉતારી અને તેને સરસ રીતે કોની પાસે લોન્ચ કરવો આવું બધું મેનેજ કરી દઈએ તો પૈસાવાળા સ્વાભાવિક રીતે ખર્ચ કરી અને સફળતા મેળવી શકે.

બુદ્ધિશાળી લોકો વિચારે અને લઠ્ઠબુદ્ધિના તરત અમલમાં મૂકે, હું વિચારતો રહ્યો અને ચુનિયાએ આ વાત અમલમાં મુકી. એના દૂરના એક અમેરિકા રહેતા કઝીનનો એને ફોન આવ્યો કે ‘હું બીજું તો કંઈ નહીં પરંતુ અંગ્રેજીમાં ગીતો
ગાઈ શકું છું’, મેં ચુનિયાને પૂછ્યું કે, ‘તારા ખાનદાનનો હોવા છતાં તેને ગાતા આવડે છે?’ તો મને કહે ‘મારો દૂરનો કઝીન છે એટલે થોડો
ફાયદો તો રહેવાનો.’ સ્વાભાવિક રીતે જ ત્યાં જન્મે અને મોટા થયેલા હોય એટલે અંગ્રેજી તો આવડતું હોય.

ચુનિયાએ દસ લાખ રૂપિયામાં તેનો કોન્ટ્રાક્ટ લીધો. ચુનિયાના ઘરે જ એની ટ્રેનિંગ ચાલુ થઈ. કબાડી બજારમાંથી એક ગિટાર લીધું. એકાદ મહિના સુધી નાહવા જ ના દીધો, વાળ ઓળવા ના દીધા, કપડાં એકના એક પહેરાવી રાખ્યા, દાઢી વધી ગઈ કાનમાં બે કડી પહેરાવી દીધી. પૂરી મહેનતથી એને ગરીબ બનાવ્યો, અને ખરેખર દસ લાખ રૂપિયા એડવાન્સમાં લીધા હતા એટલે આમ પણ પેલો ગરીબ તો બની જ ગયો હતો, વળી દસ વાર માગે ત્યારે ચુનિયો એકાદ ખાખરો ખાવા આવતો એટલે છેલ્લેે મહિના પછી તો ખરેખર તે ભિખારી હોય તેમ ચુનિયા પાસે ખાવાનું માગતો. પછી માર્કેટમાં લોન્ચ કરવા માટે એક રેલવે સ્ટેશન પાસેનો સારો ચોક ગોતી અને તેને સ્થાપિત કર્યો. બે દિવસથી ભૂખ્યા હોવાને કારણે ગળામાંથી અવાજ નીકળતો નહોતો એટલે ચુનિયાએ એક લીંબુ શરબત પાયું અને ગિટાર હાથમાં પકડાવી અને થોડા છેટે તે મોબાઇલ લઇ અને રેકોર્ડિંગ માટે ઊભો રહ્યો. પેલાએ અંગ્રેજીમાં ગાવાનું શરૂ કર્યું અને ખરેખર ભૂખના માર્યા એટલાં દર્દીલાં ગીતો એણે અંગ્રેજીમાં ગાયા કે આંખમાંથી આંસુની ધાર વહેતી હતી. લોકો પણ દ્રવિત થયા. થોડા સમયમાં તો આજુબાજુમાં બધાને ખબર પડી ગઈ કે કોઈ અંગ્રેજી ગાતો ભિખારી આવ્યો છે. મંડ્યા વિડિયો બનાવવા. લોકોને ગીત સમજાતા ન હતા, પરંતુ ‘અંગ્રેજીમાં ગાતો ભિખારી’ એવા ટાઇટલ સાથે વીડિયો થયા વાયરલ. કોઈ સંગીતકારની ઝપટે તો આ વીડિયો ન ચડ્યો, પરંતુ છેલ્લા દોઢ મહિનાથી અમેરિકાથી કીધા વિના નીકળી ગયેલો એટલે એના બાપાના હાથમાં આ વીડિયો આવ્યો અને એણે મારતી ફ્લાઇટ એ ઇન્ડિયા એંટ્રી મારી અને નવરાવી-ધોવડાવી, ખવડાવી, ચોખ્ખો ચણાક કરી અને અમેરિકા ઊંચકી ગયા. ચુનિયાને ધમકાવી દસ લાખ પણ પાછા લઈ લીધા, હા એટલો સારો માણસ કે એમણે ચુનિયાને ખર્ચ પેટે ૨૨,૦૦૦ રૂપિયા આપ્યા,જે ચુનિયાએ સાજા, સારા, ખાતા, પીતા કુટુંબના એકના એક રતનને ભીખુ બનાવવા પાછળ ખર્ચ કરેલા.

વિચાર વાયુ :

પૈસાના ગરીબ ચાલે, પણ વિચારોના ગરીબ નકામા..

આશરે ૧૦૯૧ શબ્દ્

એકાદ ભિખારી રસ્તા પર ગાતો હોય એવું રેખાંકન મૂકી શકાય

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button