ટીમ ઇન્ડિયાએ ત્રણમાંથી એક ફૉર્મેટમાં નંબર-વન રૅન્ક ગુમાવી
દુબઈ: સવા મહિનાથી આઇપીએલ રમાય છે એટલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ હમણાં ભુલાઈ ગઈ છે, પરંતુ ક્રિકેટનું સંચાલન કરતી આઇસીસીએ રૅન્કિંગને લગતી ગણતરીઓ નજીકના ભૂતકાળની ઇન્ટરનૅશનલ મૅચોને આધારે કરવાનું ચાલુ જ રાખ્યું છે.
શુક્રવાર સુધી ટીમ ઇન્ડિયા ટેસ્ટ, વન-ડે અને ટી-20 ત્રણેય ફૉર્મેટમાં નંબર-વન હતી, પણ ત્રણમાંથી એક સર્વોચ્ચ રૅન્ક ભારતે ગુમાવી દીધી છે.
આઇસીસીના નવા ક્રમાંકો મુજબ ભારતે વ્હાઇટ-બૉલ ફૉર્મેટ તરીકે જાણીતી વન-ડે અને ટી-20માં નંબર-વન રૅન્ક જાળવી રાખી છે, પરંતુ પાંચ-દિવસીય ટેસ્ટ ફૉર્મેટની સર્વોચ્ચ રૅન્ક ગુમાવી દીધી છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા હવે ટેસ્ટમાં નંબર-વન છે અને ભારત નંબર-ટૂ થઈ ગયું છે.
ભારતના હવે 120 અને ઑસ્ટ્રેલિયાના માત્ર ચાર વધુ એટલે 124 પૉઇન્ટ છે. ઇંગ્લૅન્ડ (105) ત્રીજા નંબરે અને સાઉથ આફ્રિકા (103) ચોથા સ્થાને છે. ન્યૂ ઝીલૅન્ડ (96) પાંચમા ક્રમે છે.
વન-ડેમાં ભારત (122) નંબર-વન, ઑસ્ટ્રેલિયા (116) બીજા નંબરે અને સાઉથ આફ્રિકા (112) ત્રીજા નંબરે છે.
ટી-20માં ભારત નંબર-વન (264), ઑસ્ટ્રેલિયા (257) નંબર-ટૂ અને ઇંગ્લૅન્ડ (252) નંબર-થ્રી છે.