એકસ્ટ્રા અફેર

આપણા ડૉક્ટરોએ કોરાનાની રસીનો બચાવ કેમ કર્યો?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કોરોના કાળમાં કરોડો લોકોને અપાયેલ કોવિશિલ્ડ રસી બનાવનારી કંપની એસ્ટ્રાઝેનેકાએ બ્રિટનની કોર્ટમાં કોવિશિલ્ડ રસીના કારણે થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમ (ટીટીએસ) બિમારી થઈ શકે છે એવી કબૂલાત કરી તેના કારણે કરોડો ભારતીયો ફફડેલા છે. આ ફફડાટ વચ્ચે વેણુગોપાલ ગોવિંદનના પરિવારે કોવિશિલ્ડની રસી બનાવનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (સીઆઈઆઈ) સામે કેસ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં ભારતમાં પણ કોરોનાની રસીનો કકળાટ શરૂ થયો છે.

કોવિશિલ્ડ રસી બ્રિટનની જેનર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ વિકસાવેલી છે. ભારતમાં કોવિશિલ્ડના ડોઝ બનાવવાનું કામ સીરમ ઇન્સ્ટિટ્યૂટે કર્યું હતું તેથી વેણુગોપાલ ગોવિંદનના પરિવારે સીરમ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ગોવિંદનના પરિવારે રીટ અરજી કરીને કરુણ્યાના મોતની તપાસ માટે સ્વતંત્ર મેડિકલ બોર્ડની નિમણૂકની માંગ કરી છે. સાથે સાથે વળતર પણ માગ્યું છે.

વેણુગોપાલ ગોવિંદનની પુત્રી કરુણ્યાનું જુલાઈ ૨૦૨૧માં કોવિશિલ્ડ વેક્સિન લીધા પછી થોડા જ દિવસોમાં મોત થયું હતું. ગોવિંદન પરિવારે કરુણ્યાનું મોત રસીના કારણે થયું હોવાની કેન્દ્ર સરકારને ફરિયાદ કરી હતી. ગોવિંદનના પરિવારની ફરિયાદને આધારે કેન્દ્રીય સરકારે તપાસ સમિતિની રચના કરી હતી. આ સમિતિએ તારણ કાઢ્યું હતું કે કરુણ્યાના મોતનું કારણ વેક્સિન હોવાના પૂરતા પુરાવા મળ્યા નથી. મતલબ કે, કરુણ્યાનું મોત કોરોનાની રસીની આડઅસરથી થઈ હોવાની વાતમાં દમ નથી.

કરુણ્યાનું મોત થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (ટીટીએસ)ના કારણે થયું હોવાનું મેડિકલ રિપોર્ટમાં દર્શાવાયું હતું પણ સરકારી સમિતિને ટીટીએસ કોરોનાની રસીના કારણે થયું હોવાનું નહોતું લાગ્યું. હવે એસ્ટ્રાઝેનેકાએ પોતે યુકેની કોર્ટમાં સ્વીકાર્યું છે કે, કેટલાક કિસ્સામાં કોવિશિલ્ડ રસીની આડઅસરના કારણે થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ થઈ શકે છે.

આ રોગને કારણે શરીરમાં લોહી ગંઠાઇ જાય છે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે. કરુણ્યાનું મોત પણ આ રીતે જ થયેલું તેથી તેના પરિવારે ફરિયાદ કરેલી પણ કોઈએ તેની ફરિયાદ ના સાંભળી તેથી એ ચૂપ થઈને બેસી ગયેલા પણ યુકેની કોર્ટમાં એસ્ટ્રાઝેનેકાની કબૂલાતના કારણે તેમને પણ દીકરીના મોતના કેસમાં ન્યાય મળવાની આશા જાગી છે તેથી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે.

યુકેની કોર્ટમાં એસ્ટ્રાઝેનેકાની કબૂલાતના કારણે કોરોનાની વેક્સીન કોવિશિલ્ડની આડઅસરોની તપાસ કરવા માટે નિષ્ણાતોની પેનલ બનાવવા માટે આદેશ આપવા માટે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. એક એડવોકેટે કરેલી અરજીમાં વેક્સિનેશન પછી કોઈને નુકસાન થયું હોય તો તેની વળતર આપવા માટે એક સિસ્ટમ બનાવવાની માગણી પણ કરાઈ છે.

કોરોનાની રસીના કારણે કરુણ્યા એકલી જ મોતને નહોતી ભેટી. બીજાં ઘણાં લોકો પણ મોતને ભેટેલાં. તેમના પરિવારો પણ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યાં છે. આવો જ એક કમનસીબ પરિવાર રિતિકાનો છે. ૧૮ વર્ષની રિતિકાના મૃત્યુનું કારણ પણ ટીટીએસ હતું ને કોરોનાની રસી લીધા પછી તેને આ સિન્ડ્રોમની અસર થઈ હતી. રિતિકાએ ૨૦૨૧ના મે મહિનામાં કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધો હતો.

કોરોનાની રસી લીધાના સાત દિવસમાં રિતિકાને તાવ અને ઉલ્ટીની ફરિયાદ થઈ. એમઆરઆઈમાં ખબર પડી કે રિતિકાના મગજમાં લોહી ગંઠાઈ ગયું હતું અને તેને બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું. માત્ર બે અઠવાડિયા પછી રિતિકાનું મોત થઈ ગયું હતું. રિતિકાના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તેના પરિવારે રાઈટ ટુ ઈન્ફર્મેશન (આરટીઆઈ) એક્ટ હેઠળ અરજી કરી હતી. ડિસેમ્બર ૨૦૨૧માં હૉસ્પિટલે જવાબ આપી કે, રિતિકાને થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ સાથે થ્રોમ્બોસિસ છે અને વેક્સિનની આડઅસરના કારણે તેનું મૃત્યુ થયું હતું.

રિતિકા જેવો જ બીજો એક કેસ ૧૮ વર્ષની શ્રી ઓમત્રીનો છે. શ્રી ઓમેત્રી પણ મે ૨૦૨૧માં કોરોનાની રસી લીધા પછી મૃત્યુ પામી હતી. તેનો પરિવાર પણ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.

આ અરજીઓનું શું કરવું તેનો નિર્ણય સુપ્રીમ કોર્ટ લેશે પણ કોવિશિલ્ડ રસી મુદ્દે નવો ઘટનાક્રમ આપણી સરકાર, આપણા કહેવાતા સંશોધકો અને ડૉક્ટરો બધાંની વિશ્ર્વસનિયતાના ધજાગરા ઉડાડનારો છે તેમાં શંકા નથી. આ બધાંએ ભેગા મળીને લોકો સાથે દ્રોહ કર્યો છે અને લોકોને બેવકૂફ બનાવ્યા છે એ સ્પષ્ટ છે કેમ કે આ બધાં ભેગાં મળીને કોરોનાની રસીની કોઈ આડઅસર નથી એવી રેકર્ડ અત્યાર સુધી વગાડતાં રહ્યાં છે.

ભારતમાં છેલ્લા કેટલાક સમયથી અચાનક કાર્ડિયાક એરેસ્ટ આવે ને મોત થઈ જાય એવી ઘટનાઓ વધી રહી છે. શાળા કે કોલેજમાં ભણતા ટીનેજર છોકરા-છોકરીઓ કે ૨૦-૩૦ વર્ષના યુવાનો અચાનક ઢળી પડે ને મોતને ભેટે એવી ઘટનાઓ કોરોનાના રસીકરણ પછી મોટા પ્રમાણમાં વધી છે. કોરોનાની રસીના કારણે આવું બને છે એવો દાવો સોશિયલ મીડિયા પર થતો રહ્યો છે અને સામાન્ય લોકો પણ આ વાત કરતા રહ્યા છે.

આ દાવો સાચો છે એવું કંપનીએ પોતે સ્વીકાર્યું છે પણ આપણ ડોક્ટરો આ વાત સ્વીકારતા નથી. આપણા કહેવાતા મેડિકલ એક્સ્પર્ટ્સ અને આપણા ડોક્ટરો આ વાત ખોટી છે એવું ગાઈવગાડીને કહેતા રહ્યા છે. કોરોનાની રસીના કારણે કોઈ આડઅસર થતી નથી કે બીજું કશું થતું નથી એવું છાતી ઠોકીને કહેતા. બલ્કે હજુ પણ એવું જ કહે છે. યુવાનોને આવતા કાર્ડિયાક એરેસ્ટ માટે જુદાં જુદાં કારણો ગણાવતા પણ અત્યાર સુધી ભારતમાં કોઈ ડૉક્ટર કે મેડિકલ રીસર્ચરે કોરોનાની રસીની આડઅસરના કારણે કાર્ડિયાક એરેસ્ટ આવતા હોવાનું સ્વીકાર્યું નથી.

કોરોનાની રસીનો એ લોકો જે રીતે આંધળો બચાવ કરતા તેના પર વિશ્ર્વાસ મૂકીને લોકોએ કોરોનાની રસી લીધી હતી. ડૉક્ટરો અને કહેવાતા મેડિકલ એક્સ્પર્ટ્સે આ ઓપિનિયન આપ્યા તેનું કારણે કેન્દ્ર સરકારની અંધભક્તિ હતી. કેન્દ્ર સરકારે રસીકરણ કરાવીને બહુ મોટી સેવા કરી હોવાનો દાવો કરેલો ને ડોક્ટરોએ આ પ્રચારમાં સૂર પુરાવેલો. સરકારની ચાપલૂસી કરવા ડોક્ટરો અને સંશોધકોએ રસી સલામત હોવાનું વાજું વગાડ્યું હતું.

હવે એસ્ટ્રાઝેનેકાની કબૂલાતના કારણે કોવિશિલ્ડની રસી ખતરનાક હોવાનું સાબિત થઈ ગયું છે ત્યારે કહેવાતા મેડિકલ એક્સ્પર્ટ્સ અને ડૉક્ટરોએ આ ઘોર પાપ માટે દેશની માફી માગવી જોઈએ. નેતાઓની ચાપલૂસી કરવા તેમણે પોતાનો ડૉક્ટર ધર્મ કોરાણે મૂકી દીધો એ અપરાધ તો અક્ષમ્ય છે પણ કમ સે કમ માફીના કારણે થોડો અપરાધબોજ ઓછો થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button