ભારતની સર્વોચ્ચ ફૂટબૉલ સ્પર્ધાનો શનિવારે ફાઇનલ-જંગ
કોલકાતા: વાનખેડેમાં શુક્રવારે એક તરફ મુંબઈ અને કોલકાતા વચ્ચેની આઇપીએલની મહત્ત્વની લીગ મૅચમાં મુકાબલો હતો ત્યાં બીજી તરફ કોલકાતા શહેરમાં બંગાળ અને મુંબઈ વચ્ચે ફૂટબૉલમાં જંગ થવાની પૂર્વતૈયારીઓ થઈ ગઈ હતી. આ તખ્તો ભારતીય ફૂટબૉલની સૌથી મોટી ટૂર્નામેન્ટ ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ(ની ફાઇનલ માટેનો હતો.
શનિવાર, ચોથી મેએ સાંજે 6.30 વાગ્યે શરૂ થનારા આ જંગના બે હરીફોમાંથી એક ટીમ ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને બીજી ટીમ 2021ની વિજેતા છે. મોહન બગાન સુપર જાયન્ટની ટીમ 2023માં અને મુંબઈ સિટી ફૂટબૉલ ક્લબની ટીમ 2021માં ટ્રોફી જીતી હતી. 2022માં હૈદરાબાદના કબજામાં ટ્રોફી આવી હતી.
મોહન બગાન અને મુંબઈ સિટી વચ્ચેની ફાઇનલ કોલકાતાના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં 62,000 પ્રેક્ષકોની હાજરીમાં રમાશે.
હજી બે અઠવાડિયા પહેલાં આ જ સ્ટેડિયમમાં મોહન બગાને મુંબઈ સિટીને ફાઇનલમાં 2-1થી હરાવીને લીગ વિનર્સ શીલ્ડ સ્પર્ધા પહેલી વાર જીતી લીધી હતી.
2021માં આઇએસએલની ફાઇનલમાં મુંબઈ સિટી સામે મોહન બગાને 1-0થી સરસાઈ લીધા પછી છેવટે 1-2થી પરાજય જોવો પડ્યો હતો.
સુભાશિષ બોઝ મોહન બગાનનો કૅપ્ટન અને વિશાલ કૈથ ગોલકીપર છે. રાહુલ ભેકે મુંબઈ સિટીનો સુકાની અને ફુરબા લાચેન્પા ગોલકીપર છે.