તંદુરસ્તી જાળવવા અપનાવવા જેવી છે ઝુકિની

ઇન્ટરવલ

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક

તહેવારોના દિવસો હવે આવી રહ્યા છે. પ્રત્યેક વ્યક્તિને તહેવારના દિવસોમાં સુંદર દેખાવાની ઈચ્છા હોય છે. આજકાલ મોટાપાની સમસ્યા નાના-મોટા-વરિષ્ઠ નાગરિકોને સતત સતાવતી હોય છે. આવા સંજોગોમાં આહારમાં સંતુલન જાળવવું આવશ્યક ગણાય છે. દેખાવમાં કાકડી કે દૂધી જેવી દેખાતી ઝુકિનીમાં સ્વાસ્થ્ય સંબંધિત અનેક ગુણો સમાયેલા છે. ઝુકિની ૧૦થી પણ વિવિધ પ્રકારની જોવા મળે છે. તેમાં સૌથી વધુ વપરાતી ઝુકિનીના મુખ્યત્વે બે પ્રકાર છે – ઘેરો લીલો તથા ઘેરો પીળો જેને ગોલ્ડન ઝુકિની તરીકે ઓળખવામાં આવે છે. ઝુકિનીનું નિયમિત સેવન કરવાથી નર્વ સિસ્ટમની સક્રિયતા વધવા લાગે છે. વિટામિન સીની માત્રા પણ ઝુકિનીમાં સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે, જે ત્વચાને ચમકદાર બનાવવા માટે ગુણકારી ગણાય છે. આરોગ્યની જાળવણી માટે તાજાં લીલાં શાકભાજી ખાવાની સલાહ નિષ્ણાત ડાયેટિશિયન વારંવાર આપતા હોય છે. તેનું મુખ્ય કારણ છે તાજાં શાકભાજીમાં પોષક ગુણોની સાથે વિટામિન તથા ફાઈબરની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે, જે સ્વાસ્થ્યવર્ધક ગણાય છે.
——–
ઝુકિની શું છે?
અનેક વ્યક્તિને મનમાં પ્રશ્ર્ન ઊભો થતો હશે કે ઝુકિની એટલે કયું શાક? અનેક લોકો કાકડીને પણ ઝુકિની સમજી લેતા હોય છે. વાસ્તવમાં ઝુકિની તથા કાકડી બંને અલગ શાક છે. ઝુકિનીનું વૈજ્ઞાનિક નામ છે ક્યુકરબિટા પેપો. ઝુકિનીને અન્ય કાર્ટગેટ નામથી પણ ઓળખવામાં આવે છે. ૨૦મી સદીમાં અમેરિકામાં ભાગ્યે જ કોઈ ઝુકિનીનો સમાવેશ ભોજનમાં કરતું હતું. હાલમાં તો સંજોગો એવા જોવા મળે છે કે પાશ્ર્ચાત્ય દેશોમાં ઝુકિનીનો ઉપયોગ કરીને વિવિધ વાનગી તથા મીઠાઈ પણ બનાવવામાં આવે છે. ‘ગ્રીન ઈટાલિયન સ્ક્વેશ’ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ગરમીના દિવસોમાં તેનો આહારમાં છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, ફાઈબર, પોટેશિયમની માત્રા તેમાં સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. ઝડપથી ઊગી જતા શાકમાં તેની ગણના થાય છે. ફાઈબરયુક્ત ભોજન કરવાથી પેટ લાંબો સમય ભરાયેલું હોય તેવું લાગે છે, જેથી વારંવાર ખાવાની ઈચ્છા ઓછી થાય છે. કેલરીની માત્રા નહીંવત્ હોવાથી આહારમાં તેનો ઉપયોગ કરવાથી શરીરમાં ચરબીના થર થતા નથી. વજન નિયંત્રણમાં રહેવાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે. ઝુકિનીની ભારતમાં ખેતી હાલમાં ઘણી લોકપ્રિય બની છે. ઝારખંડ તથા હરિયાણાના ખેડૂતો ઝુકિનીની ખેતી દ્વારા સારું આરોગ્ય તથા સારો નફો મેળવી રહ્યા છે. ઓછા પાણીના ઉપયોગ દ્વારા ફક્ત ૫૫ દિવસમાં તેનો પાક મેળવી શકાય છે. ઝુકિની કડક હોય તેવી ખરીદવી. દેખાવમાં ઘેરા રંગની ખરીદવી.
———-
ઝુકિનીના સ્વાસ્થ્યવર્ધક ગુણો
બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી
ઝુકિનીમાં પોટેશિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે પોટેશિયમનો આહારમાં સમાવેશ કરવો આવશ્યક ગણાય છે. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માગતા દર્દીઓ ઝુકિનીનો આહારમાં સમાવેશ કરી શકે છે.
અસ્થમાના દર્દી માટે લાભદાયક
ઝુકિનીમાં વિટામિન સીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે, જે એક શક્તિશાળી ઍન્ટિઑક્સિડન્ટ ગણાય છે. વળી ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી પ્રભાવ ધરાવે છે, જેથી અસ્થમાના ઍટેકથી થોડી હદ સુધી રાહત મેળવી શકાય છે.
ઍન્ટિ-ઑક્સિડન્ટથી ભરપૂર હોય છે
ઝુકિનીમાં ઍન્ટિ-ઑક્સિડન્ટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. વળી વિટામિન સી, વિટામિન એ, લ્યુટિન, બીટા કેરોટિન જેવાં વિવિધ ઍન્ટિ-ઑક્સિડન્ટ એમાં સમાયેલાં છે, જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતી હાનિથી બચવામાં મદદ કરે છે. ફ્રી રેડિકલ્સને કારણે શરીરમાં વિવિધ પ્રકારની સમસ્યા ઊભી થતી જોવા મળે છે, જેમ કે સાંધાનો દુખાવો, આંખ નબળી પડવી, વય વધવાની સાથે યાદશક્તિ નબળી પડવી વગેરે ગણાવી શકાય. ઉપરોક્ત સમસ્યાથી બચવા માટે ઝુકિનીનો આહારમાં સમાવેશ કરવો જોઈએ, જે ઍન્ટિ-ઑક્સિડન્ટની ભરપૂર માત્રા ધરાવે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી
રોગપ્રતિકારક શક્તિ વ્યક્તિની જો મજબૂત હોય તો શરીરને વિવિધ રોગથી બચાવવામાં મદદ મળે છે. એક સંશોધન પ્રમાણે ઝુકિનીમાં બી-કેરોટિન તથા લાઈકોપિનની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. ઉપરોક્ત બંને કેમિકલ કમ્પાઉન્ડ રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. વળી ઈમ્યુન સેલના કાર્યને વધારવામાં મદદ કરે છે.
હાડકાં મજબૂત બનાવવામાં ફાયદાકારક
ઝુકિનીનો આહારમાં ઉપયોગ કરવાથી હાડકાંની મજબૂતાઈ જળવાઈ રહે છે. ઝુકિનીમાં મેગ્નેશિયમ તથા ફોસ્ફરસની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. વળી કૅલ્શિમયની માત્રા પણ ભરપૂર હોવાને કારણે ઝુકિનીના ઉપયોગ દ્વારા હાડકાં તેમ જ દાંતોની તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે.
આંખોની તંદુરસ્તી માટે ઉપયોગી
આંખોની તંદુરસ્તી પર વધતી વયની અસર પણ જોવા મળે છે. એસીબીઆઈ (નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફર્મેશન)ની વેબસાઈટ પર પ્રકાશિત થયેલી એક શોધમાં પણ જણાવવામાં આવ્યું છે કે ઝુકિનીમાં લ્યુટિન તથા જેક્સેથિનની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. વધતી વયની સાથે આંખો નબળી પડવી, ઝાંખપ આવવી વગેરે સમસ્યાથી બચી શકાય છે.
———–
ઝુકિની, પનીર, કૉર્ન-કેપ્સિકમ સ્ટર ફ્રાય
સામગ્રી: ૧ નંગ ઝુકિની, ૧ નંગ કેપ્સિકમ, ૧૦૦ ગ્રામ પનીરના ક્યુબ, ૧ વાટકી અમેરિકન મકાઈના દાણા, ૧ નંગ લીલો કાંદો, ૧ મોટી ચમચી માખણ, સ્વાદાનુસાર મીઠું, સજાવટ માટે કોથમીર
બનાવવાની રીત: સૌપ્રથમ ઝુકિનીના એકસરખા ટુકડા કરી લેવા. નાનાં બીજ કાઢીને કરવા. કેપ્સિકમના ટુકડા પણ કરી લેવા. મકાઈના દાણા બાફી લેવા. એક કડાઈમાં માખણ ધીમા તાપે ગરમ કરવા મૂકવું. તેમાં ઝુકિની તથા કેપ્સિકમ ધીમા તાપે સાંતળવાં. પનીરના ટુકડા નાખવા. મકાઈના દાણા પણ નાખવા. બે મિનિટ સાંતળવા દેવું. સ્વાદાનુસાર મીઠું ભેળવીને ઝીણી સમારેલી ડુંગળી તથા કોથમીરથી સજાવીને સ્વાદિષ્ટ સ્ટર ફ્રાય પરાઠા સાથે પીરસવું.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.