ઝિંદગી કી તલાશ મેં હમ મૌત કે કિતને પાસ આ ગયે…

મેટિની

રંગીન ઝમાને -હકીમ રંગવાલા

‘અર્થ’ અને ‘સારાંશ’ જેવી અર્થસભર ફિલ્મો બનાવીને મહેશ ભટ્ટ જાણીતા થઈ ગયા હતા. રાજેન્દ્ર કુમારની ઈચ્છા હતી પોતાના દીકરા કુમાર ગૌરવને હિન્દી ફિલ્મોમાં સ્ટાર હીરો તરીકે સ્થાપિત કરવાની. કુમાર ગૌરવની પ્રથમ ફિલ્મ ‘લવ સ્ટોરી’ ખુદ રાજેન્દ્ર કુમારે જ પ્રોડ્યુસ કરેલી અને એ ફિલ્મ સુપરહિટ થયેલી. રાજેન્દ્ર કુમારે સલીમ-જાવેદની જોડી છૂટી પડી પછી એકલા સલીમ ખાન પાસે સ્ટોરી લખાવી અને મહેશ ભટ્ટને ડિરેક્શન સોંપ્યું.
૧૯૭૧માં પોતાના પિતા સુનીલ દત્તની ફિલ્મ ‘રેશ્મા ઔર શેરા’માં સંજય દત્તે બાળ કલાકાર તરીકે કામ કરેલું અને એનાં દસ વરસ પછી સુનીલ દત્તે સંજય દત્તને ફિલ્મસ્ટાર બનાવવા માટે ‘રોકી’ ફિલ્મ બનાવી ૧૯૮૧માં. એ ફિલ્મ ઠીક ઠીક ચાલી ગઈ, પણ સંજય દત્તની ફિલ્મી કારકિર્દી સંકેલાઈ ગઈ છે એવું લાગતું હતું ત્યારે આ નિષ્ફળ કલાકાર સંજય દત્તને રાજેન્દ્ર કુમારની ‘નામ’ ફિલ્મમાં તક મળી. સુનીલ દત્ત અને રાજેન્દ્ર કુમાર વેવાઈ બનેલા એટલે સંજય ઘરનો જ છોકરો કહેવાય એ ઉપરાંત રાજેન્દ્ર કુમારની ગણતરી એવી પણ હોય કે પોતાના દીકરાને સ્ટાર બનાવવા ફિલ્મ બનાવવી છે તો એની સાથે નબળો કલાકાર જ લેવો, કોઈ સશક્ત કલાકાર લઈએ અને કુમાર ગૌરવ દબાઈ જાય તો ફિલ્મ બનાવવાનો હેતુ ન સરે.
આગલા વરસે રજૂ થયેલી ફિલ્મ ‘અર્જુન’ના નાનકડા રોલમાં પોતાનો પ્રભાવ છોડી ગયેલા પરેશ રાવલને મુખ્ય વિલનની ભૂમિકા આપી અને અમૃતા સિંહ, પૂનમ ધિલ્લોન સાથે માની ભૂમિકા નૂતનને આપી. ગીતો આનંદ બક્ષી પાસે લખાવ્યાં અને સંગીત આપ્યું લક્ષ્મીકાંત-પ્યારેલાલે.
આ ફિલ્મ મહેશ ભટ્ટની ફિલ્મ જ બની ગઈ અને સંજય દત્ત આ ફિલ્મથી હિન્દી ફિલ્મમાં સ્થાપિત થઈ ગયો. પરેશ રાવલે પોતાને મળેલી તકનો ભરપૂર ઉપયોગ કર્યો અને ફિલ્મ બ્લોક બસ્ટર બની ગઈ. ફિલ્મ રજૂ થયા પહેલાં જ ફિલ્મનાં ગીતો ખૂબ જ ઊપડી ગયાં અને એની કેસેટો વેચાઈ એમાં જ ફિલ્મ ધૂમ કમાણી કરી ગઈ. ગઝલ ગાયક પંકજ ઉધાસ પાસે આનંદ બક્ષીએ લખેલું ગીત જે પરદા પર ખુદ પંકજ ઉધાસ પર જ ફિલ્માવેલું ‘ચિઠ્ઠી આઈ હૈ, આઈ હૈ, ચિઠ્ઠી આઈ હૈ’ એટલું લોકપ્રિય થઈ ગયેલું કે ફિલ્મના પોસ્ટરમાં પંકજ ઉધાસનો મોટો ફોટો પણ મુકાયો અને બી.બી.સી.એ સદીનાં સો ગીતો વર્લ્ડ વાઈલ્ડ પસંદ કર્યાં એમાં પણ ‘ચિઠ્ઠી આઈ હૈ…’ મુકાયું.
સાધારણ વર્ગનો પરિવાર અને પિતા નથી હોતા, બે દીકરા વિકી કપૂર અને રવિ કપૂર પોતાની માનો સંઘર્ષ બચપણથી જોતાં જોતાં જુવાન થઈ ગયા છે અને ક્યાંય કારકિર્દી સેટ થવાની આશા ન દેખાતાં એક દીકરો ગમે એ રીતે પરદેશ પહોંચી જાય અને કુટુંબ થાળે પડે એવી સીધી સાદી નાનકડી આશા લઈને નીકળી પડતો વિકી કપૂર એટલે કે સંજય દત્ત. પરદેશમાં એકલો અટૂલો વિકી અને મુસીબતોની ભરમાર. આખી ફિલ્મ અંત સુધી દર્શકને જકડી રાખે છે અને સુપરહિટ ગીતો અને મહેશ ભટ્ટ અને સંજય દત્ત, પરેશ રાવલનો કસબ દર્શકોને ફરી ફરી થિયેટર ભણી ખેંચી લઈ જતો હતો. ફિલ્મોમાં દેખાતું નથી એવું એક અદૃશ્ય કારણ ફિલ્મોને સુપરહિટ કે બ્લોક બસ્ટર બનાવે છે અને એ કારણ છે ફિલ્મનું ‘એડિટિંગ’. આ ફિલ્મનું એડિટિંગ ખૂબ જ ચુસ્ત છે અને ફિલ્મના એડિટર હતા ડેવિડ ધવન, એટલે ‘નામ’ ફિલ્મની સફળતામાં ડેવિડ ધવનનો પણ મોટો હિસ્સો છે.
***
‘ક્રાઈમ નેવર પેઝ’ જેમ્સ હેડલી ચેઝની દરેક બુકમાં મથાળા પર આ સૂત્ર લખાયેલું આવતું અને એ દરેક વાર્તાઓ અપરાધી અને અપરાધ જગત સાથે સંકળાયેલી રહેતી, જેમાં દરેક માણસ ફક્ત વાર્તાનાં પાત્ર હોય, ન કોઈ હીરો અને ન કોઈ વિલન.
મહેશ ભટ્ટ ડિરેક્ટર તરીકે એટલા ઉત્તમ હતા કે હિન્દી ફિલ્મોમાં આ માણસ ચાલે નહીં, એનામાં કલાકારનાં કોઈ લક્ષણ નથી એવું વિવેચકો કહેતા એવા સંજય દત્ત (નામ), અજય દેવગણ (જખમ) અને આદિત્ય પંચોલીને ‘સાથી’ ફિલ્મમાં એવી ઍક્ટિંગ કરાવી કે એ જ વિવેચકો મહેશ ભટ્ટની ફિલ્મમાં આ કલાકારો દ્વારા ભજવેલાં પાત્રોને વખાણતા થઈ ગયા.
આદિત્ય પંચોલીની ફિલ્મી કારકિર્દીના લીડ રોલમાં એકમાત્ર સુપરહિટ ફિલ્મ ‘સાથી’ યાદગીરી બનીને રહી ગઈ છે. રોબિન ભટ્ટની સ્ટોરી અને નદીમ-શ્રવણનું સંગીત અને મહેશ ભટ્ટનું દિગ્દર્શન. નવાબ આરઝૂનું લખેલું અનુરાધા પૌડવાલે ગાયેલું ગીત ‘હુઈ આંખ નમ ઔર યે દિલ મુસ્કુરાયા, તો સાથી કોઈ ભૂલા યાદ આયા’ ગલી ગલીમાં ગુંજતું થઈ ગયેલું અને પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન મોહસીન ખાનને ફિલ્મમાં મોટી ભૂમિકા ભજવવાની તક મળેલી અને ઠીક ઠીક કામ કરી ગયો. વર્ષા ઉસગાંવકર, સોની રાઝદાન, પરેશ રાવલ અને અનુપમ ખેર જેવાં સશક્ત એક્ટરો અને અપરાધની પૃષ્ઠભૂમિ.
હિન્દી ફિલ્મોમાં જ્યારે જ્યારે અપરાધી લીડ રોલ ભજવે છે ત્યારે ત્યારે એ પાત્ર લોકોના મનમાં આદર્શ બની છવાઈ જાય એવું જ પાત્રાલેખન કરવામાં આવે છે અને મુગ્ધ અવસ્થાના યુવાઓને આવા અપરાધીઓ, ડોનમાં એક આકર્ષણ જન્માવે એવી જ ફિલ્મો મોટા ભાગની બને છે. જ્યારે આ ફિલ્મમાં લીડ રોલ ભજવતા અપરાધી પાત્રનો અંત એટલી હદે કરપીણ બતાવ્યો છે કે દર્શકો ફિલ્મ જોઈને નીકળે એટલે અપરાધ જગત અને એના ગ્લેમરને દૂરથી રામ રામ કરતા થઈ જાય. વળી આ કરપીણ અંતના કલાઈમેક્સમાં સમીરે લખેલા અને કુમાર સાનુએ ગાયેલા બેહદ કરુણ ગીતના શબ્દો ગુંજતા રહે છે, ‘ઝિંદગી કી તલાશ મેં હમ મૌત કે કિતને પાસ આ ગયે / જબ યે સોચા તો ઘબરા ગયે, આ ગયે હમ કહાં આ ગયે / ખુદ કે બારે મેં સોચેં જો હમ, અપને આપ સે શરમા ગયે…’
‘સાથી’ ફિલ્મ અપરાધ જગતના આકર્ષણને બદલે અપરાધ જગતની વ્યર્થતા તાદૃશ્ય રીતે દર્શકોની સામે મૂકી આપે છે અને અપરાધ જગતમાં ગ્લેમર અને ન્યુસન્સ વેલ્યુને પાવર સમજી બેસતા યુવાનોને અન્ડરવર્લ્ડનું વાસ્તવ બતાવે છે. નેગેટિવ રસ્તાઓ અપનાવી ઝટપટ આગળ આવી જવાની લાયમાં કેવી રીતે જિંદગી ફેંકાઈ જાય છે ખુદ પોતાના હાથથી એ મહેશ ભટ્ટે ખૂબ કાબેલિયતથી સિનેમાના પરદા પર ઉતાર્યું છે.
***
૧૯૮૬ની ફિલ્મ ‘નામ’ અને ૧૯૯૧ની ફિલ્મ ‘સાથી’. ‘નામ’ ફિલ્મની સ્ટોરી સલીમ-જાવેદમાંથી અલગ થયેલા સલીમસાહેબે લખી અને ‘સાથી’ ફિલ્મની સ્ટોરી મહેશ ભટ્ટના ભાઈ રોબિન ભટ્ટે લખી, પણ ફિલ્મશોખીનો ધ્યાનથી જુએ તો બન્ને ફિલ્મની એક જ સ્ટોરી છે અને બન્ને ફિલ્મ સુપરહિટ! બન્ને ફિલ્મમાં કોમન એક નામ છે દિગ્દર્શક મહેશ ભટ્ટ.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.