બિહારના પ્રોફેસર હીરોમાંથી ઝીરો

પુરુષ

વિશેષ-હેન્રી શાસ્ત્રી

આત્માનો અવાજ સાંભળી ૨૩ લાખનો પગાર પરત કરવા માગતા પ્રાધ્યાપકે બે દિવસ પછી માફી માગી લીધી
——————
બિહાર નામ પડતાં જ ગૌતમ બુદ્ધ, ચાણક્ય અને આર્યભટ્ટનું સ્મરણ થાય તો સાથે આજની તારીખમાં ભારતીય રાજ્યોમાં બિહારમાં સાક્ષરતા દર – Literacy Rate – સૌથી ઓછો હોવાની બાબતે પણ આંગળી ચીંધવામાં આવે. ખેદની બાબત એ છે કે ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર ૬૩.૮૭%ના સાક્ષરતા દર સાથે બિહાર તળિયે હતું અને ૨૦૨૨ની વસતી ગણતરી મુજબ પણ બિહાર ૬૧.૮૦%ના સાક્ષરતા દર સાથે છેલ્લે જ જોવા મળે છે. જોકે આ જ બિહારનાં બાળકો દેશની ટોચની વિવિધ પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી આગળ વધતાં નજરે પડે છે. બિહારના ગયા જિલ્લામાં આવેલું પટવા ટોલી નામનું ગામ એનું પ્રભાવી ઉદાહરણ છે. આ ગામમાંથી અનેક વિદ્યાર્થીઓએ આઈઆઈટીમાં પ્રવેશ મેળવી નામના પ્રાપ્ત કરી છે. આજની તારીખમાં તો આ કેન્દ્ર અનેક વિદ્યાર્થીઓ માટે ઉજ્જ્વળ ભવિષ્યનું કેન્દ્ર ગણાય છે. શિક્ષણમાં પછાત ગણાતા રાજ્યનું આ આભૂષણ છે. જોકે જરદાલુ કેરી, કતરની ચોખા, શાહી લીચી અને મઘઈ પાન માટે વિખ્યાત બિહારના મુઝફ્ફરપુર શહેરના પ્રોફેસર લલન કુમારે એવી ‘હરકત’ કરી છે કે ૪૮ કલાકમાં તેઓ હીરોમાંથી ઝીરો સાબિત થયા છે. સમગ્ર ઘટના બિહાર શિક્ષણમાં પછાત કેમ રહ્યું છે એની તરફ ઈશારો જરૂર કરે છે.
વાત મુઝફ્ફરપુર શહેરની નીતિશ્ર્વર કોલેજમાં હિન્દી ભણાવતા ડો. લલન કુમાર નામના પ્રોફેસર વિશે છે. તેમણે દિલ્હીની જવાહરલાલ યુનિવર્સિટીમાંથી હિન્દી વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી અને ત્યાર બાદ એમ. ફિલ. અને પીએચ. ડી.ની ડિગ્રી મેળવી હતી. અગાઉ પ્રગટ થયેલા મીડિયા અહેવાલ પ્રમાણે ‘બે વર્ષ અને નવ મહિના વિદ્યાર્થીઓને ભણાવ્યા વિના જ મળેલી ૨૩ લાખ રૂપિયાના પગારની રકમ તેમણે પરત કરી દીધી હતી.’ લલન કુમારની પ્રાધ્યાપક તરીકે આ પહેલી નોકરી છે. આ કોલેજમાં કાયમ શૈક્ષણિક માહોલનો અભાવ જ લાગ્યો હોવાનો ખેદ વ્યક્ત કરી પ્રોફેસર જણાવે છે કે ‘મેં મારા અંતરાત્માના અવાજને સાંભળ્યો અને બે વર્ષ અને નવ મહિનાનો પગાર યુનિવર્સિટીને પરત કરવાનું નક્કી કર્યું. ભણાવ્યા વિના પગાર લેવાનું મને યોગ્ય ન લાગ્યું. મહામારી વખતે ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા હતા ત્યારે પણ હિન્દીના વર્ગમાં મામૂલી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરી રહી હતી.’
આવો અહેવાલ પ્રગટ થતાં લોકો પ્રોફેસર પર ઓવારી ગયા હતા અને આપણી તસ્મૈ શ્રી ગુરુવે નમ: પરંપરાનું સ્મરણ થયું. જોકે બે દિવસ પછી સાવ અલગ અને ચોંકાવનારી હકીકત બહાર આવી. કોલેજના પ્રિન્સિપાલે લલન કુમારના આ નિર્ણય સામે સવાલ કરી નિવેદન આપ્યું કે ‘માત્ર વિદ્યાર્થીઓની ગેરહાજરીની વાત નથી. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર મેળવવા પ્રોફેસર આ બધું કરી રહ્યા છે.’ વિદ્યાર્થીઓએ પણ પ્રોફેસર તેમને ભણાવતા હોવાની રજૂઆત મીડિયા સમક્ષ કરી હતી.
જોકે સમગ્ર મામલે પ્રોફેસરે રીતસરની ગુલાંટ મારી છે એવું નવા અહેવાલ પરથી વર્તાય છે. અલબત્ત, ગુલાંટ મારી કે મારવી પડી એ જાણવું મુશ્કેલ છે. હકીકત એ છે કે ‘આત્માના અવાજને’ અનુસરી ૨૩ લાખથી વધુ રકમ પરત કરનારા પ્રોફેસરે સ્વેચ્છાએ મૌખિક અને લેખિત નિવેદન પાછાં ખેંચી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સમક્ષ માફી માગી લીધી છે. ભરોસાપાત્ર અહેવાલ માટે ખ્યાતિ ધરાવતા એક અખબારના અહેવાલ મુજબ લલન કુમારે જણાવ્યું છે કે ‘છ વખત કરેલી બદલી માટેની મારી અરજી પર ધ્યાન નહોતું આપ્યું એથી મને ઠેસ પહોંચી હતી. હું મારી લાગણીઓ પર કાબૂ ન રાખી શક્યો અને મારા પગારની રકમનો ચેક પાછો આપવા ગયો હતો. જોકે પછી કેટલાક વરિષ્ઠ પ્રોફેસર સાથે વાતચીત કર્યા બાદ મારે એ પ્રમાણે નહોતું કરવું જોઈતું એનો ખ્યાલ આવ્યો. યુનિવર્સિટી અને કોલેજના નીતિનિયમોને અનુસરીને ચાલવું જોઈએ.’
અખબારની અન્ય વિગતો મુજબ પગાર પરત કરવાના સમાચાર મીડિયામાં ઝળક્યા પછી એમનો સંપર્ક નહોતો થઈ શકતો. ચોંકાવનારી વાત તો એ છે કે પ્રોફેસરે જે ખાતાનો ચેક યુનિવર્સિટીને આપ્યો હતો એ ખાતામાં તો ફક્ત ૯૬૮ રૂપિયા હતા. નામ ન આપવાની શરતે કોલેજના એક શિક્ષકે જણાવ્યું હતું કે ‘જો પ્રોફેસર લલન કુમારનો ચેક ડિપોઝિટ કરવામાં આવ્યો હોત તો એ બાઉન્સ થયો હોત અને કુમારે તકલીફનો સામનો કરવો પડ્યો હોત. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર મેળવવા પ્રાધ્યાપકે આ નાટક કર્યું હતું. કોલેજના સત્તાવાળાઓએ ‘આવો ચેક સ્વીકારવાની કોઈ જોગવાઈ નથી’ એવું કારણ આપી ચેક પ્રાધ્યાપકને પાછો આપી દીધો છે. વાત એ હદે આગળ વધી ગઈ છે કે કોલેજ અને યુનિવર્સિટીની આબરૂને બટ્ટો લગાડવા બદલ પ્રોફેસર લલન કુમાર પર કેસ કરવામાં આવે એવી શક્યતા ઊભી થઈ છે. અલબત્ત, સમગ્ર પ્રકરણમાં મીડિયાનો રોલ અને પ્રોફેસરની ભૂમિકા અનેક સવાલ જરૂર ખડા કરે છે, પણ હીરોમાંથી ઝીરોનો આ ક્લાસિક કિસ્સો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.