૫૦ વર્ષ પહેલાં ૧૯૭૩માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મોની વાર્તા અને અભિનેતાઓની વરાયટી હેરત પમાડનારી છે
હેન્રી શાસ્ત્રી
હિન્દી ફિલ્મના અભ્યાસુઓ ૧૯૫૦ -૬૦ના સમયને ગોલ્ડન પિરિયડ માને છે. અભિનય, કથા, દિગ્દર્શક તેમ જ ગીત – સંગીત ક્ષેત્રમાં અસાધારણ પ્રતિભા અને અદભુત વૈવિધ્ય આ વર્ષો દરમિયાન જોવા મળ્યું એ કારણસર એ સમય સુવર્ણયુગ તરીકે ઓળખાય છે. જોકે, આજથી પચાસ વર્ષ પહેલા આવેલી ફિલ્મો અને એના વિષય વૈવિધ્ય પર નજર નાખતા ૧૯૭૩નું વર્ષ હિન્દી ફિલ્મો માટે અસાધારણ વર્ષ હતું એમ ચોક્કસ કહી શકાય. આ એ જ વર્ષ હતું જેમાં ‘ઝંઝીર’ રિલીઝ થઈ અને એંગ્રી યંગ મેન તરીકે અફાટ લોકપ્રિયતા અમિતાભ બચ્ચને મેળવી. રાજેશ ખન્ના, દેવ આનંદ અને સંજીવ કુમારે પણ ઠસ્સો ઉમટાવ્યો, પણ મેદાન મારી ગયા ધરમજી. રાજેશ ખન્નાનો સિતારો બુલંદ થયો એ સાથે રાજેન્દ્ર કુમાર, મનોજ કુમાર, રાજ કુમાર જેવા ૧૯૬૦ના લોકપ્રિય તારલા ઝાંખા પડવા લાગ્યા, પણ ૧૯૬૦ના દાયકામાં જ શરૂઆત કરનાર ધર્મેન્દ્ર માટે ૧૯૭૩નું વર્ષ અત્યંત સફળ સાબિત થયું.
૧૯૭૩નું વર્ષ ‘ઝંઝીર’ના રિલીઝ વર્ષ તરીકે પ્રખ્યાત છે એ હકીકત છે. એંગ્રી યંગ મેનને એવો અદભુત આવકાર મળ્યો કે એના વિજયોલ્લાસના પડઘામાં અમિતજીની ‘નમક હરામ’ અને ‘અભિમાન’ જેવી દમદાર ફિલ્મ પણ ગાજવી જોઈએ એટલી ન ગાજી. ‘નમક હરામ’માં રાજેશ ખન્ના અનુકંપા મેળવી ગયા, પણ સોફિસ્ટિકેટેડ એન્ગ્રી મેન તરીકે અમિતાભ બચ્ચન પણ લોકોની સ્મૃતિમાં રહ્યા. ૧૯૭૩માં અમિતજીની પાંચ ફિલ્મ રિલીઝ થઈ પણ ગીત તો ‘ઝંઝીર’ના જ ગવાયા. કોઈ પણ ઈમેજમાં કેદ થયા વિના લાજવાબ અભિનયથી લોકચાહના મેળવનાર હરિભાઈ જરીવાલા – સંજીવ કુમારની છ ફિલ્મ ૧૯૭૩માં રિલીઝ થઈ હતી અને એ પણ કેવી વરાયટી સાથે. ‘અનામિકા’માં સ્ત્રીને ધીક્કારતા લેખકનું પાત્ર, ’અનહોની’માં પાગલનો વેશ ધારણ કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર, કોમેડી ફિલ્મ ‘મનચલી’માં માથાફરેલ નાયિકાની સાન ઠેકાણે લાવતો ભાડુતી નકલી પતિ – સંજીવ કુમારની પ્રતિભા સોળે કળાએ ખીલી ઊઠી હતી. અન્ય બે ફિલ્મ ‘અગ્નિ રેખા’ અને ‘દૂર નહીં મંઝિલ’ ખાસ ધ્યાનમાં ન આવી પણ હરિભાઈની અદાકારી અવ્વલ હતી. ૧૯૬૯થી ૧૯૭૨ દરમિયાન સફળતાનાં ઘોડાપુર પર સવાર થયેલા રાજેશ ખન્નાની માત્ર ત્રણ ફિલ્મ રિલીઝ થઈ, ‘નમક હરામ’, ‘રાજા રાની’ અને ‘દાગ’. ‘રાજા રાની’ ફ્લોપ હતી, પણ ‘દાગ’ સુપરહિટ સાબિત થઈ. દેવ આનંદની પાંચ ફિલ્મ (બનારસી બાબુ, છુપા રુસ્તમ, હીરા પન્ના, જોશીલા અને શરીફ બદમાશ) રિલીઝ થઈ અને ૫૦ વર્ષના દેવસાબનું માર્કેટ અકબંધ સાબિત થયું.
અલબત્ત ૧૯૭૩ના વર્ષને ધર્મેન્દ્ર વર્ષ તરીકે ઓળખવું જોઈએ. ટોચના અભિનેતાઓમાં સૌથી વધુ ફિલ્મ તેમની રિલીઝ થઈ: બ્લેકમેલ, ઝીલ કે ઉસ પાર, જુગનુ, જ્વાર ભાટા, કહાની કિસ્મત કી, કીમત, લોફર, ફાગુન અને યાદોં કી બારાત. ‘જ્વાર ભાટા’ને બાદ કરતાં બાકીની બધી ફિલ્મો દર્શકોએ વધાવી લીધી હતી. જાણવા જેવી વાત એ પણ છે કે કોઈ એક હિરોઈન સાથે વધુ ફિલ્મ કરી જોડી જમાવી એવું એમના કેસમાં નહોતું. વહિદા રહેમાન, મુમતાઝ, રેખા, સાયરા બાનો, ઝીનત અમાન, હેમા માલિની હિરોઈન તરીકે હાજર હતી. ફિલ્મની સફળતા સાથે સાથે ગીત – સંગીત પણ ખાસ્સા લોકપ્રિય થયાં હતાં. ‘પલ પલ દિલ કે પાસ તુમ રહતી હો (બ્લેકમેલ),’ ‘આજ મૌસમ બડા બેઈમાન હૈ’ (લોફર), ‘રફ્તા રફ્તા દેખો આંખ મેરી લડી હૈ’ (કહાની કિસ્મત કી) આજે પણ રસિકોના સ્મરણમાં હશે. ૧૯૭૩માં વ્યાવસાયિક સફળતા મેળવનાર ટોપ ટેન ફિલ્મોમાં ધરમજીની ચાર ફિલ્મ હતી એ બહુ મોટી સિદ્ધિ કહેવાય.
જોકે, ૧૯૭૩માં ‘મેરા નામ જોકર’ની બોક્સ ઓફિસ નિષ્ફળતા પછી રાજ કપૂરની ‘બોબી’ રિલીઝ થઈ હતી એ ખાસ નોંધવું જોઈએ. નવા નક્કોર હીરો – હિરોઈન (રિશી કપૂર, ડિમ્પલ કાપડિયા)ને ચમકાવતી રાજ કપૂરની આ લવ સ્ટોરી સાથે દર્શકો પ્રેમમાં પડ્યા. ફિલ્મ રિલીઝ થયા પછી રિશી કપૂર સ્ટાર બની ગયો અને ડિમ્પલ કાપડિયા રાજેશ ખન્નાને પરણી ગઈ.
———————
ગર્મ હવા: ભાગલાની હૃદયદ્રાવક કથા
तकसीम हुआ मुल्क तो दिल हो गए टुकडे, हर सीने में तूफान यहां भी था वहां भीः દેશનું વિભાજન થયું તો દિલના થયા કટકા, અહીંના ત્યાંના દરેક કાળજામાં વેદના હતી. ઊંચા ગજાના સર્જક શ્રી કૈફી આઝમીના આ શેર સાથે દેશના વિભાજન અને એની સાથે જોડાયેલી હૃદયદ્રાવક કહાણીનો પ્રારંભ થાય છે. પચાસ વર્ષ પહેલા રજૂ થયેલી ફિલ્મ ‘ગર્મ હવા’ (૧૯૭૩) કેવળ ભારત – પાકિસ્તાન ભાગલાની કથા નથી, બલકે સંયુક્ત કુટુંબના વિભાજનથી થતી વેદનાનું આલેખન છે. વિભાજન વખતે ભારત છોડી પાકિસ્તાન ભાગી નહીં ગયેલા મુસ્લિમોનો ચિતાર છે. રંગભૂમિ અને સિને વર્તુળમાં આદરણીય સ્થાન ધરાવતા એમ. એસ. સથ્યુની આ ફિલ્મ ભાગલાની કથાનું અવિસ્મરણીય આલેખન છે. જૂતાનો વેપાર કરતા સલીમ મિર્ઝાનું જીવન અને એની આસપાસની ઘટનાઓ પર આધારિત છે આ ફિલ્મ. હિન્દી ફિલ્મ ઇતિહાસમાં
સુવર્ણ અક્ષરે અંકિત થયેલી ‘ગર્મ હવા’ની કેટલીક વિશિષ્ટ જાણકારી પ્રસ્તુત છે.
+ ૧૯૭૦ના દાયકામાં હિન્દી ફિલ્મો જે બજેટમાં બનતી હતી એની સરખામણીમાં પણ ‘ગર્મ હવા’ તાણીતૂસીને તૈયાર કરવામાં આવી હતી. માત્ર ૧૦ લાખના ખર્ચે તૈયાર થયેલી આ ફિલ્મ માટે ફિલ્મ ફાઈનાન્સ કોર્પોરેશને અઢી લાખની લોન આપી હતી અને બાકીના સાડા સાત લાખ રૂપિયા સથ્યુએ મિત્રો પાસેથી ઉધાર લીધા હતા.
+ એક સમય હતો જ્યારે ઈપ્ટા – ઇન્ડિયન પીપલ્સ થિયેટર અને પ્રોગ્રેસીવ રાઈટર્સ એસોસિયેશનના ઘણા સભ્યો ફિલ્મમેકિંગમાં સક્રિય રહેતા. આ બંને સંસ્થાના સભ્યો સંકળાયા હોય એવી ‘ગર્મ હવા’ છેલ્લી ફિલ્મ હતી. ઈપ્ટા સાથે સંકળાયેલા દિલ્હી, મુંબઈ અને આગ્રાના યુવાન અને પીઢ કલાકારોએ આ ફિલ્મમાં અભિનય કર્યો હતો. ફિલ્મના મુખ્ય પાત્ર સલીમ મિર્ઝાના નાના પુત્રનો રોલ ઇપ્ટા માટે કામ કરતા ફારૂક શેખે કર્યો હતો.૧૯૭૦ – ૮૦ના દાયકા દરમિયાન સમાંતર સિનેમામાં ગજું કાઢનાર લોકપ્રિય અભિનેતા ફારૂક શેખની આ પહેલી હિન્દી ફિલ્મ હતી. કામ કરવા માટે ફારુકને ૭૫૦ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવ્યું હતું અને સૌથી વધુ પૈસા બલરાજ સાહની (૫૦૦૦ રૂપિયા)ને મળ્યા હતા. આ સિવાય ઇપ્ટા સાથે નાતો ધરાવનાર એ. કે. હંગલ અને શૌકત આઝમીએ પણ ફિલ્મમાં કામ કર્યું હતું.
+ ફિલ્મનું લેખનકાર્ય ડાબેરી વિચારસરણી ધરાવતા લોકોએ કર્યું હતું. વાર્તા ઉર્દૂ નવલકથાકાર ઈસ્મત ચુગતાઈની હતી, પટકથા શમા ઝૈદી (એમ. એસ. સથ્યુનાં પત્ની)એ લખી હતી અને સંવાદ કૈફી આઝમીના હતા. કૈફીસાબે એક સમયે કાનપુરમાં જૂતા બનાવનાર કંપનીમાં કામ કર્યું હતું અને એ અનુભવ સંવાદને ધારદાર બનાવવામાં કામ લાગ્યો હતો. ફિલ્મના અનેક સંવાદ લોકપ્રિય થયા હતા.
+ બલરાજ સાહની કેવા અફલાતૂન અદાકાર હતા એ ફિલ્મ રસિકો જાણે છે. સીનના પરફેક્શન માટે બહુ બધા રિટેક કરાવવા માટે જાણીતા બલરાજ સાહનીએ ’ગર્મ હવા’માં સલીમ મિર્ઝાનું પાત્ર સાકાર કર્યું હતું. ફિલ્મ વિવેચકોના મતે તેમની કારકિર્દીનો એ સર્વોત્તમ પરફોર્મન્સ હતો. જોકે, અફસોસની વાત એ છે કે એ સર્વોત્તમ અદાકારી પડદા પર જોવા બલરાજ સાહની હાજર નહોતા. ફિલ્મનું ડબિંગ પૂરું કર્યું એના બીજા જ દિવસે તેમનું અવસાન થયું હતું.