ઝંઝીરોે સે ભી પક્કે હૈ, પ્રેમ કે કચ્ચે ધાગે…

આમચી મુંબઈ સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણની -સરવાણી -મુકેશ પંડ્યા

પદાર્થ પાઠ ૧૦
આજે શ્રાવણી પૂનમ. બળેવ અને રક્ષાબંધન બેઉ પર્વોની ઉલ્લાસભેર ઉજવણી આજે થશે. બળેવ અને રક્ષાબંધન વચ્ચે એક સામ્યતા છે. બેઉમાં સુતરના તારનું બંધન છે. બ્રાહ્મણો આ દિવસે જનોઇ બદલે છે તો બહેનો ભાઇને રાખડી બાંધે છે. ઘણા વૈષ્ણવો શ્રાવણ સુદ ૧૨ના દિવસે સુતરાઉ પવિત્રા બાંધે છે તેથી તેને પવિત્રા બારશ કહેવાય છે.
સામાન્ય રીતે બંધન શબ્દ નકારાત્મક છે, ગુલામી સૂચક શબ્દ છે, પણ આ બંધનો એવા છે કે જે મુક્તિનો માર્ગ બતાવે છે. આ બંધનોમાં પરમશક્તિ તરફનો અને ભાઇ-બહેનો વચ્ચેનો નિ:સ્વાર્થ પ્રેમ ઉજાગર થાય છે. સુતરાઉના આ કાચા દોરામાં પ્રેમ અને સમર્પણનો પાક્કો ભાવ ભળેલો છે. સાંકળના બંધન એક હથોડીના ઘા થી તૂટી શકે, પણ સ્નેહ-સમર્પણના બંધનને તોડવાવાળુ ઓજાર હજી સુધી નથી શોધાયું.
સતત કામ, ક્રોધ, લાલચ, સ્વાર્થ, મોહ-માયામાં રચી પચી રહેલા, જીવન-મરણના ફેરામાં ફસાયેલ જીવને મુક્તિના માર્ગ તરફ આગળ વધવાની તક ચાર્તુમાસમાં મળે છે. આ ચાર મહિના દરમ્યાન જે તહેવારો-વ્રતો ઉજવવાની પરંપરા છે તે ખરેખર માણસની ઇન્દ્રિયોને સંયમમાં બાંધીને મુક્તિ તરફ લઇ જવાની વ્યવસ્થા જ છે.
ગુરુ શિષ્યને કંઠી બાંધીને મુક્તિનો માર્ગ શોધવાનું શીખવે છે તે અષાઢ મહિનામાં ગુરુપૂર્ણિમારૂપે ઉજવાય છે.
શ્રાવણ મહિનામાં તો વીરપસલી અને રક્ષાબંધન જેવા ભાઇ-બહોનોના તહેવારો મૂકીને વાસનાયુક્ત નહીં પણ વાસનામુક્ત પવિત્ર સંબંધોને મહત્ત્વ અપાયું છે. નાનપણથી સાથે ઉછરેલા ભાઇ-બહેન વિરુદ્ધ જાતિના હોવા છતાં તેમની વચ્ચે શુદ્ધ અને પવિત્ર સંબંધો છે જે આપણને વાસનામાં બંધાવા નહીં, પણ વાસનાથી મુક્ત થવા તરફ પ્રેરે છે. શ્રાવણ મહિનામાં વિવિધ ઇન્દ્રિયો પર સંયમ રાખવા તેમ જ ધર્મનિષ્ઠ કાર્યો કરવા, માટે પતિ-પત્ની જેવો નહીં પણ ભાઇ-બહેન જેવો સંબધ ઉજવાય એ સહાયરૂપ છે.
અંતે જન્મમરણના બંધનમાંથી મુક્તિ મેળવવા પણ શિવના મૃત્યુંજય સ્વરૂપને જ યાદ કરાય છે. જીવ શરીરના બંધનમાંથી છૂટીને શિવના બંધનમાં બંધાય તો મુક્તિનો માર્ગ ખૂલે અને એ માટે મહામૃત્યંજય મંત્રનો અર્થ સમજી તેનો સમયની અનુકૂળતાએ જાપ કરવો જરૂરી છે.
ઓમ ત્ર્યંબકં યજામહે સુગન્ધિં પુષ્ટિ વર્ધનમ્,
ઉર્વારુકમિવ બંધનાન્મૃત્યોર્મુક્ષીય મામૃતાત !
હે ત્રણ આંખોવાળા મહાદેવ જેમ એક પાકેલું ફળ તેના વેલાથી ખરી પડે એ રીતે મારો જીવ શરીરના બંધનમાંથી છૂટો પડે અને અમરત્વ પ્રાપ્ત થાવ.
સાચે જ, બંધાઇને પણ મુક્ત થવાનો કિમિયો ફક્ત સનાતન ધર્મમાં મળી આવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.