Homeવીકએન્ડમુઝ સે અબ મેરી મોહબ્બત કે ફસાને ન કહો, મુઝ કો કહને...

મુઝ સે અબ મેરી મોહબ્બત કે ફસાને ન કહો, મુઝ કો કહને દો કિ મૈંને ઉન્હેં ચાહા હી નહીં

ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી

ફિર ન કીજે મેરી ગુસ્તાખ-નિભાહી કા ગિલા,
દેખિયે આપને ફિર પ્યાર સે દેખા મુઝ કો.
* * *
મુઝ કો કહને દો કિ મૈં આજ ભી જી સક્તા હૂં,
ઈશ્ક નાકામ સહી, ઝિન્દગી નાકામ નહીં.
* * *
યે ગમ બહુત હૈં મેરી ઝિન્દગી મિટાને કો,
ઉદાસ રેહ કે મેરે દિલ કો ઔર રંજ ન હો.
* * *
હઝાર બર્ક ગિરે, લાખ આંધિયાં ઉઠે,
વો ફૂલ ખિલ કે રહેંગે જો ખિલનેવાલે હૈં.
– સાહિર લુધિયાનવી
જિંદગીના કડવા અનુભવોને ખુમારી સાથે શાયરીમાં ઢાળનારા વિદ્રોહી અને મોહબ્બતના શાયર સાહિર લુધિયાનવીનું અસલ નામ અબ્દુલ હઈ હતું. પંજાબના લુધિયાણાના કરીમપુરામાં ૮ માર્ચ ૧૯૨૧ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમના પિતા ચૌધરી મુહમ્મદ ફઝલ સમૃદ્ધ જમીનદાર હતા અને ફિરંગી સરકારની ગુલામી કરવામાં ગર્વ સમજતા હતા. સાહિર બાળવયના હતા ત્યારે જ તેમની માતા સાહિરના પિતાથી અલગ થઈ ગયાં હતાં. આ બનાવની માઠી અસર સાહિર પર પડી હતી. માતાનો ખૂબ જ આદર કરતા સાહિરે તેમની માતા સાથે રહેવાનું પસંદ કર્યંુ હતું. ભણતર પૂરું કર્યા પછી સાહિરને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. છતાં આ શાયરે તેમનું સ્વાભિમાન છેલ્લા શ્ર્વાસ સુધી જાળવી રાખ્યું હતું.
સાહિરનો અર્થ થાય છે જાદુગર. શાયરીમાં સંવેદનાઓની જાદુગરી ફેલાવનાર આ જનપ્રિય શાયરનો પ્રથમ ગઝલસંગ્રહ ‘તલ્ખિયાં’ (કડવાશ) ઈ.સ. ૧૯૪૩માં પ્રગટ થયો હતો. આ પુસ્તકના મુદ્રણ-પ્રકાશન માટે તેમણે લુધિયાણાથી લાહોરની સફર ખેડી હતી. ‘તલ્ખિયાં’ના પ્રાગટ્ય સાથે જ તેમને અઢળક લોકપ્રિયતા મળી હતી. મશહૂર શાઈરા અમૃતા પ્રીતમે ‘કોરે કાગઝ કી દાસ્તાન’ મથાળા હેઠળ તેની પ્રસ્તાવના લખી હતી. તે પછી તેમના ‘પરછાઈયાં’ (૧૯૫૫) તથા ‘આઓ કિ કોઈ ખ્વાબ બૂને’ (૧૯૭૩) નામના કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ થયા હતા. આ શાયરને સોવિયેત નહેરુ એવોર્ડ ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની ઉર્દૂ સાહિત્ય અકાદમીનાં પારિતોષિકો અપાયાં હતાં. ભારત સરકારે ઈ.સ. ૧૯૭૩માં તેમને પદ્મશ્રીનો ખિતાબ આપી સન્માન કર્યંુ હતું. સાહિરની શાયરીના અનુવાદો અરબી, ફારસી, અંગ્રેજી, રુસી, ચેક ઉપરાંત અન્ય કેટલીક ભાષાઓમાં થયા છે.
વિભાજન પછી સાહિરે પાકિસ્તાનની વાટ પકડી હતી. ત્યાં તેમણે ‘સવેરા’ નામના સામયિકનું સંપાદન સંભાળ્યું હતું. ત્યાંનો રાજકીય માહોલ તેમના સ્વભાવને માફક ન આવતા તેઓ મુંબઈ ગયા હતા. વચ્ચે તેમણે ‘અદબે-લતીફ’ અને ‘શાહકાર’ મેગેઝિનના સંપાદનની જવાબદારી સંભાળી હતી. મુંબઈ ગયા પછી અંધેરીમાં આ શાયર શ્રી ગુલઝાર અને કિશન ચંદર જેવા સાહિત્યકારોના પડોશી બન્યા હતા. તેમણે ૩ દાયકા સુધી આજીવિકા માટે હિન્દી ફિલ્મોનાં ગીતો-સંવાદો લખ્યાં હતાં. ‘આઝાદી કી રાહ પર’ અને ‘બાઝી’ ફિલ્મોનાં ગીતો લખીને આ ક્ષેત્રમાં પ્રવેશનાર ‘સાહિર’ના ફિલ્મી ગીતો-ગઝલોના સંચય ‘ગાતા જાયે બંજારા’ની કેટલીયે આવૃત્તિઓ પ્રગટ થઈ છે.
‘સાહિરે’ કાવ્યજીવનનો આરંભ સુંદર- ભાવપૂર્ણ પ્રેમકાવ્યોથી કર્યો હતો, પરંતુ જિંદગીના કડવા અનુભવોએ આ શાયરને નિરાશ-હતાશ કરી દીધા હતા તેમણે સામ્રાજ્યવાદ અને વર્ગ- વિભિન્નતાનું વિકૃત રૂપ જોયું. તેથી તેમણે ક્રાન્તિકારી કાવ્યોનું પણ લેખન કર્યંુ. પ્રણયના રસ્તે ફૂલો ઓછા અને કંટકો વધુ પથરાયેલાં હોય છે. તેનું તેમણે અનેક રચનાઓમાં ચિત્રણ કર્યંુ છે. તેમણે શાયરીમાં જે રાવ-ફરિયાદ કરી તે સુંદર ઉપમાઓ અને સૂક્ષ્મ સંકેતો દ્વારા કરી છે.
સાહિરની શાયરીમાં પ્રેમની પીડા અને કટુતા સાહજિક શૈલીમાં વણાયેલા છે. આ વેદના-દર્દ તેમણે ઉધાર-ઉછીના લીધાં નહોતાં. તે તેમની પોતીકી મૂડી-સંપત્તિ હતી. તેમાં તેમની જિંદગીનો પ્રતિધ્વનિ સંભળાય છે.
ઈ.સ. ૧૯૭૮માં સાહિરના માતા સરદાર બેગમના મૃત્યુના આઘાતથી સાહિર પર હૃદયરોગનો હુમલો થયો હતો. ત્યાર પછી તેમણે ફિલ્મી ગીતો લખવાનું બંધ કર્યંુ હતું. સાહિર ત્રણ વર્ષ પથારીવશ રહ્યા હતા. ૨૫ ઑક્ટોબર ૧૯૮૦ના શનિવારે રાત્રિના સમયે તેમના પર ફરીથી હૃદયરોગનો હુમલો થયો હતો. તે ઘાતક નીવડતા તેમની જીવનલીલા સંકેલાઈ ગઈ હતી. મુંબઈના સાન્તાક્રુઝ ખાતેના કબ્રસ્તાનમાં તેમની વ્હાલસોયી માતાની કબરની બાજુમાં આ પુત્રશાયરના પાર્થિવ દેહને દફનાવવામાં આવ્યો હતો.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે ભારતીય જવાનોએ સરહદ પરની એક ચોકીને સાહિરનું નામ આપી આ શાયરને અંજલિ આપી હતી. ભારત સરકારના ટપાલ ખાતાએ ૮ માર્ચ ૨૦૧૮ના રોજ સાહિરની સ્મૃતિમાં પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી હતી.
આ ઉમદા શાયરના કેટલાક શે’રનું રસપાન કરીએ:
* વો કંવલ જિન કો કભી ઉન કે લિયે ખિલના થા,
ઉન કી નઝરોં સે બહોત દૂર ભી ખિલ સકતે હૈં.
જે કમળ માત્ર એમના માટે જ ખીલવાનું હતું તે કમળ એમની નજરથી ઘણે દૂર પણ ખીલી શકે છે.
* મૈં જિસે પ્યાર કા અંદાઝ સમઝ બૈઠા હૂં,
વો તબસ્સુમ, વો તકલ્લુમ તેરી આદત હી ન હો.
હું તો તેને તારા પ્રેમની એક શૈલી સમજી બેઠો છું. તે સ્મિત, તે વાતચીત કદાચ તારી આદત ન પણ હોય.
* કિસ તરહ તુમ કો બના લૂં મૈં શરીકે ઝિન્દગી?
મૈં તો અપની ઝિન્દગી કા બાર ઉઠા સકતા નહીં.
હું તને મારા જીવનમાં કેવી રીતે ભાગીદાર (સાથી) બનાવી શકું? વાસ્તવમાં તો હું મારા પોતાના જીવનનો બોજ પણ ઉપાડી શકું તેમ નથી.
* ગર ઝિન્દગી મેં મિલ ભી ગયે ઈત્તિફાક સે,
પૂછેંગે અપના હાલ તેરી બેબસી સે હમ.
કોઈ વેળા વળી જીવતાજીવ અચાનક મળશું તો અમે તારી લાચારી પાસે પોતાના હાલ વિશે પૃચ્છા કરશું.
* તંગ આ ચુકે હૈં કશ્મકશે-ઝિન્દગી સે હમ,
ઠુકરા ન દેં જહાં કો કહીં બેદિલી સે હમ.
જીવનના સંઘર્ષથી અમે ત્રાસી ગયા છીએ. પરિણામે આ સંજોગોમાં કદાચ અમે દુનિયાને ઠુકરાવી ન દઈએ!
(આ ભય અમને સતાવી રહ્યો છે)
* ન મુંહ છુપા કે જિયે હમ, ન સર ઝુકા કે જિયે,
સિતમગરોં કી નઝર સે નઝર મિલા કે જિયે.
ન તો અમે ચ્હેરો છુપાવીને જીવ્યા કે ન તો અમે માથું ઝુકાવીને જીવ્યા. (અમારી હિંમત તો જુઓ!) અમે તો અત્યાચાર કરનારાઓની નજર સાથે બરાબર નજર મેળવીને જીવ્યા. (અમે એમ કોઈથી ડરતા નથી.)
* મેરી મેહબૂબ! યે હંગામયે- તજદીદે-વફા,
મેરી અફસુર્દા જવાની કે લિયે રાસ નહીં.
એ મારી પ્રિયતમા! તું નવેસરથી વફાદારીનો હોબાળો કરી રહી છે તે બરાબર નથી. મારી ચીમળાઈ ગયેલી જવાનીને આ બાબત સ્હેજે ય અનુકૂળ આવે તેમ નથી.
* ઉભરેંગે એક બાર અભી દિલ કે વલવલે,
ગો દબ ગએ હૈં બારે- ગમે- ઝિન્દગી સે હમ.
જીવતરનાં દુ:ખોના બોજથી અમે (ભલે) દબાઈ ગયા છીએ. પણ હજુ કોઈ એક વેળા હૃદયનો આવેગ બહાર નીકળશે જ. (અમને તેની પૂરી ખાતરી છે.)
* માયુસી-એ-મઆલે-મોહબ્બત ન પૂછિયે,
અપનોં સે પેશ આયે હૈં બેગાનગી સે હમ.
પ્રેમના પરિણામમાં અમને જે નિરાશા મળી તે વિશે અમને કશું જ પૂછશો નહીં. જે પોતાના હતા તેની સાથે અમે એવી રીતે વર્ત્યા કે જાણે તેઓ પરાયા ન હોય!
* મૈં તેરે શહર મેં અનજાન હૂં, પરદેસી હૂં,
તેરે અલ્તાફ કા મફહૂમ સમજ લૂં તો કહું.
હું તારા નગરનો અજાણ્યો માણસ છું. વળી પરદેશી પણ છું. તારી કૃપાનો અર્થ મને સમજાય તો હું તને આગળ કશીક વાત કરું.
* ઉમ્રભર રેંગતે રહને સે કહીં બેહતર હૈ,
એક લમ્હા જો તેરી રૂહ મેં વુસઅત ભર દે.
જીવન (કીડા-મકોડાની જેમ) ધીમી ગતિએ ચાલે તેના કરતા તો એ સારું છે કે એક ક્ષણ જો તારા હૃદયને વિશાળ બનાવી દે.
* ઝમીંને ખૂન ઉગલા, આસમાં ને આગ બરસાઈ,
જબ ઈન્સાનોં કે દિન બદલે, તો ઈન્સાનોં પે ક્યા ગુઝરી?
ધરતીએ રક્ત ઓક્યું અને આકાશે આગ વરસાવી. ઈન્સાન લોકોનો વખત બદલાય છે ત્યારે તેઓ પર શું શું વીતે છે તે જોયું?
* ફિઝાયેં સોચ રહી હૈં કે ઈબ્ને-આદમને,
ખિરદ ગવાં કે, જુનું આઝમા કે ક્યા પાયા?
વિશ્ર્વનો માહોલ એવું વિચારી રહ્યો છે કે આ આદમનાં સંતાનોએ ડહાપણ ત્યાગી દીધું અને પાગલપણું અપનાવ્યું તો છેવટે શું મળ્યું?
* યે જશ્ન, જશ્ને-મસર્રત નહીં, તમાશા હૈ,
નયે લિબાસ મેં નિકલા હૈ રહઝની કા જુલૂસ.
આ આનંદ માટેનો ઉત્સવ નથી. આ તો એક તમાશો છે. લૂંટ અને ઠગાઈનું એક સરઘસ વેશ બદલીને નીકળ્યું હોય એમ લાગી રહ્યું છે.
* લબ પે પાબન્દી તો હૈ, એહસાસ પર પેહરા તો હૈ,
ફિર ભી અહલે-દિલ કો એહવાલે-બશર કહના તો હૈ.
બોલવા પર પ્રતિબંધ છે અને અનુભવો પર પણ ચોકીપહેરો લગાવી દીધો છે. છતાં (અમારે) દિલવાળાઓને માનવકુળનો અહેવાલ સંભળાવવો છે. ઉ

RELATED ARTICLES

Most Popular