Homeઉત્સવગાંભુ ગયું ને ગાભા રહ્યા: અર્થપૂર્ણ કહેવતકથા

ગાંભુ ગયું ને ગાભા રહ્યા: અર્થપૂર્ણ કહેવતકથા

ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્ત્રી

જીવનની ફિલસૂફી ભાષા અને ખાસ કરીને કહેવતો અને રૂઢિપ્રયોગ મારફત અત્યંત અસરકારક રીતે વ્યક્ત થતી આવી છે. સંપ ત્યાં જંપ એ ત્રણ શબ્દોમાં એકતા હોય તો શાંતિ જળવાય અને સુખેથી રહેવાય એ વાત કેવી સરસ રીતે રજૂ થઈ છે. ઘણા માણસોએ ભેગા મળીને કરવાનું કે શરૂ કરેલું કામ સંપ વિના નથી પાર પડતું એ અનુભવ સિદ્ધ વાત છે. ગાંભુ ગયું ને ગાભા રહ્યા એ કહેવતમાં આ ભાવાર્થ સુપેરે પ્રગટ થાય છે. એ કહેવત કેમ પડી એની કથા જાણીએ. હાલ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં ગાંભુ નામનું જે ગામ છે એ અસલના વખતમાં ગાંભુ નામે દરજીઓનો તાલુકો હતો. એક વખત ગાંભુ પર પાડોશી રાજાએ ચડાઈ કરી દરજીઓને હાંકી કાઢી તાલુકો કબજે કર્યો. આ વાતની જાણ દેશ – પરદેશના દરજીઓને થઈ અને તાલુકો પાછો મેળવવા હથિયાર લીધા વિના ગાંભુ તરફ પ્રયાણ કર્યું. પ્રથમ ગજના મારથી શત્રુને જમીનદોસ્ત કરી કાતરથી તેમના પેટ ચીરી નાખવા એવું તેમણે નક્કી કર્યું.
સાંજ પડતા ગાંભુ દેખાયું ત્યારે વિસામો કરવાનું નક્કી કર્યું. વાત એમ હતી કે બધા થાક્યા હતા અને ઘણા લોકોને રાત્રે સરખું દેખાતું નહોતું. પરોઢ થતા જ હુમલો કરી ગામ કબજે કરવું એવી સહમતીથી સૌ કતારબંધ સૂઈ ગયા. સંખ્યા એટલી મોટી હતી કે એ ગાઉ લાંબી હાર – પંક્તિ થઈ. થોડી વાર પછી ગામના દરવાજા પાસે સૂતેલા પહેલા દરજીને વિચાર આવ્યો કે સવારે દરવાજો ખૂલતા હું જ પહેલો હાથે ચડીશ અને મારા રામ રમી જશે તો મારા પરિવારનું શું થશે? એમ વિચારી એ છેલ્લો જઈને સૂઈ ગયો.
પહેલો ગયો એની જાણ બીજાને થતા એ પણ ગભરાઈને ગાઉ છેટે પહેલાની બાજુમાં જઈ સૂઈ ગયો. આ રીતે બધા દરજી વારાફરતી છેલ્લે જઈને સૂતા અને સવાર પડતા તો દરવાજાથી ખૂબ છેટે પહોંચી ગયા. સવારે જાગીને જોયું તો દરવાજો દેખાયો નહીં અને તપાસ કરતા ગાંભુ ગામ પાંચેક ગાઉ દૂર હોવાની જાણ થઈ. આવું કેમ થયું એની સમજણ આપતા એક વડીલે કહ્યું કે ‘તમારામાં સંપ નથી. દરેક જણ પંડની વધુ કાળજી રાખે છે. આટલે દૂર આવી જવાનું કારણ પણ એ જ છે.
હવે માણસોની ખાનાખરાબી કર્યા વિના પોતપોતાને ગામ જતા રહેવામાં જ શાણપણ છે. તમારાથી કંઈ નથી થવાનું.’ દરજીઓને આ વાત ગરમાગરમ શીરાની જેમ ગળે ઊતરી ગઈ અને બધા વિખેરાઈ ગયા. આમ દરજીઓએ પોતાનો તાલુકો હંમેશને માટે ખોયો. એના પરથી કહેવત પડી કે ગાંભુ ગયું ને ગાભા રહ્યા. મતલબ કે ગાંભુ તાલુકો ખોયો અને ગાભા એટલે કે લુગડાંના કટકા સાથે નાતો રહ્યો – કામ રહ્યું.

IDIOMS IN STORY
કહેવતો અને રૂઢિપ્રયોગનો કથાવાર્તામાં ઉપયોગ એને વધુ વાચનક્ષમ અને રોચક બનાવે છે. અહીં આપેલા ઉદાહરણ પરથી આ વાત સ્પષ્ટ થઈ જશે. At The Drop Of A Hat કહેવતનો શબ્દાર્થ તમને કદાચ ગોટે ચડાવી દેશે, અર્થ સમજાશે પણ નહીં. આ કહેવતનો ભાવાર્થ છે ત્વરિત કે તાબડતોબ. When the tour of Switzerland was announced, everyone showed willingness to join at the drop of a hat. સ્વિટ્ઝરલેન્ડની ટુરની જાહેરાત થતાની સાથે દરેક જણે પ્રવાસમાં જોડાવા તાબડતોબ હા પાડી દીધી. હવે એક રૂઢિપ્રયોગ જાણીએ.By Leaps And Bounds. અહીં પણ શબ્દાર્થથી વાત નહીં સમજાય, કારણ કે લિપ એટલે કૂદકો અને બાઉન્ડ એટલે વાડ અથવા મર્યાદા. By Leaps And Bounds એટલે બહુ જ ઝડપથી, વીજળીવેગે. The construction of the new building is going by leaps and bounds. It should be ready by next Diwali it seems નવા બિલ્ડિંગનું બાંધકામ તો વીજળીવેગે થઈ રહ્યું છે એ જોતા આવતી દિવાળી સુધીમાં તો મકાન તૈયાર થઈ જશે એવું લાગે છે. હવે જે રૂઢિપ્રયોગની વાત કરવાની છીએ એનો શબ્દાર્થ સમજવાની કોશિશ પણ ન કરવી જોઈએ. Dog eat Dog પ્રયોગમાં નથી કોઈ શ્ર્વાનની વાત કે નથી કંઈ ખાવાની વાત. અહીં સ્પર્ધાનો ભાવાર્થ છે. કોઈ બે કંપની – સંસ્થા કે પછી કોઈ બે વ્યક્તિ વચ્ચે તીવ્ર સ્પર્ધા હોય એ દર્શાવવા આ પ્રયોગ વપરાય છે. Earlier it was Newspaper’s world and now TV business has dog eat dog atmosphere. અગાઉ અખબારી આલમમાં તીવ્ર હરીફાઈ જોવા મળતી જ્યારે આજની તારીખમાં એ રસાકસી ટીવી બિઝનેસમાં જોવા મળે છે. Fit The Bill પ્રયોગને ફિટનેસ કે બિલ સાથે નાહવા કે નિચોવવાનું નથી. અહીં તો જરૂરિયાત કે લાયકાતનો અર્થ સમાયેલો છે. કોઈ પદ કે નોકરી માટે સંબંધિત વ્યક્તિ એકદમ યોગ્ય હોય ત્યારે આ પ્રયોગ વપરાય છે. Out of the 15 candidates which were interviewed for the job, only one fits the bill. નોકરીની અરજી લઈને આવેલા ૧૫ ઉમેદવારોના ઈન્ટરવ્યૂ કર્યા પછી માત્ર એક જ ઉમેદવાર યોગ્ય લાગ્યો. Have One’s Ears To The Grounds પ્રયોગમાં સાંભળવાની વાત આડકતરી રીતે વ્યક્ત થાય છે. ફેલાતી અફવાઓ અને રજૂ થતા સમાચાર પર ખાસ ધ્યાન આપવું એ એનો ભાવાર્થ છે. During calamity or unrest, one must keep ears to the grounds. કુદરતી હોનારત કે પછી તોફાન દરમિયાન આંખ કાન સજાગ રાખી અફવાઓથી દોરાયા વિના હકીકત જાણવાનો પ્રયાસ કરવો જોઈએ.

दाताच्या म्हणी
દાંત મજબૂત તો શરીર મજબૂત એમ કહેવાય છે. મોટાભાગના રોગોનો પગપેસારો દાંત અને પેટની તકલીફ ને પગલે થતો હોય છે. ભાષામાં પણ દાંત વણાઈ ગયો છે. અન્ન અને દાંતને વેર એટલે ખાવાપીવાના સાંસાં અથવા અત્યંત દીન અવસ્થા. આજે મરાઠી ભાષાની દાંતની કહેવતો વિશે જાણીએ. પહેલી કહેવત છે दाती तृण શરણાગતિ સ્વીકારી એ એનો ભાવાર્થ છે. आपल्या जवानांच्या पराक्रमापुढे दुश्मनाला दाती तृण धरुन माघार ध्यावी लागली. આપણા જવાનોના પરાક્રમને કારણે દુશ્મને શરણાગતિ સ્વીકારવી પડી. दात कोरुन पोट भरणे એટલે અતિશય કરકસર કરવી, કંજૂસાઈનું પ્રદર્શન કરવું. काही लोकांना कुठल्याही परिस्थितित दात कोरून पोट भरण्याची सवय असते. કેટલાક લોકો એવા છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તેમને કરકસર કરીને રહેવાની ટેવ હોય છે. આવા લોકો જીવનમાં ક્યારેય જલસા નથી કરી શકતા. दातास दात लावून बसणे એટલે અનાજનો દાણો પણ મોંમાં નાખ્યા વિના ઉપવાસી રહેવું. મહામારીના વખતમાં આ કહેવતનો પ્રેક્ટિકલ પરચો ઘણા લોકોએ જોયો હશે. महामारीच्या काळात अनेक परिवारांना दातावर दात लावून बसण्याची पाळी आली. મહામારીના સમયમાં અનેક લોકો સામે ભૂખ્યા પેટે રહેવાનો વારો આવ્યો હતો. तोंड गोरेमोरे होण એટલે શરમાઈ જવું કે ઝંખવાઈ જવું. हाक मारल्या नंतर समोरचा माणूस आपला मित्र नसल्याच्या समझता माझा चहेरा गोरामोरा झाला । બૂમો પાડ્યા પછી સામેની વ્યક્તિ મિત્ર નથી એનો ખ્યાલ આવતા જ હું ઝંખવાઈ ગયો.

मजेदार कहावतें
આડંબર વિનાના શબ્દો અને સરળ વાક્યો ઘણું કહી જાય છે. આજે આપણે હિન્દી ભાષાની એવી અમુક કહેવતો જોઈએ જે પ્રથમ નજરે મજેદાર લાગે એવી છે, પણ એના અર્થમાં અનેરું ઊંડાણ જોવા મળે છે. कपडा कहे तू मुझे कर तह, मैं तुझे करुं शह. અહીં તહ એટલે ગડી વાળીને મતલબ કે સાચવીને રાખવા અને શહ એ શાહનું જ રૂપ છે. મતલબ કે કપડાની ગડી વાળી, ઈસ્ત્રી કરીને સાચવીએ તો એ પહેર્યા પછી પહેરનારનો ઠાઠ શાહ – બાદશાહ જેવા વધી જાય એ એનો ભાવાર્થ છે. हल्दी की गांठ हात लगी तो चूहा पंसारी बन बैठा. અત્યંત મજેદાર કહેવતમાં બોધ છુપાયેલો છે. ઉંદરને હળદરનો ગાંગડો મળ્યો એટલે પોતાને વેપારી સમજી બેઠો. થોડું ધન કે વિદ્યા પ્રાપ્ત થવાથી ક્યારેક લોકો પોતાને મહાન સમજી બેસતા હોય છે એની સામે ઈશારો છે. दरजी की सुई, कभी ताश में, कभी टाट में. તાશ એટલે કસબી કપડું અને ટાટ એટલે ગુણપાટ. દરજીની સોઈ ક્યારેક મુલાયમ રેશમની સિલાઈ કરતી હોય તો ક્યારેક જાડી ગુણ સીવવાનો વારો પણ આવે. મતલબ કે પરિસ્થિતિ એકસરખી ક્યારેય નથી રહેતી. भेड जहाँ जाएगी वहीं मुंडेगी ભેડ એટલે ઘેટું અને મુંડેગી એટલે મૂંડાવું એટલે આમ તો બોડાઈ જવું. ઘેટાનું બોડાઈ જવું એટલે એનું ઊન ઉતારી લેવું. ઘેટું જ્યાં પણ જ્યાં ત્યાં એનું ઊન ઉતારી લેવા પર જ લોકોની નજર હોય છે. ઘેટું ભોળું પ્રાણી ગણાય છે. એટલે સીધી સાદી અને સરળ વ્યક્તિ જ્યાં પણ જાય હંમેશા છેતરાઈ જતી હોય છે એવો એનો ભાવાર્થ છે. આજની અંતિમ કહેવત છે होय भिन्सार बडी बिल खोदब. આ કહેવતનું મૂળ અવધ – અયોધ્યા સાથે સંકળાયેલું છે. અવધી શબ્દ ભિન્સાર એટલે સવાર, બિલ એટલે ખાડો કે ભોંયરું અને ખોદબ એટલે ખોદકામ કરવું. મતલબ કે સવાર પડશે એટલે મોટો ખાડો ખોદી આપીશ અને સવાર પડે એટલે વાત ભૂલી જવાની કારણ કે એની જરૂર તો રાતે પડવાની હોય છે. એકદમ આળસુ અને દરેક કામ આવતી કાલ પર ધકેલનાર વ્યક્તિ માટે આ કહેવત વપરાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular