ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ છેલ્લાં બે ટી-20 વર્લ્ડકપમાં એકપણ મેચ રમી શક્યો નહોતો. વર્ષ 2021માં તેને સિલેક્ટ કરવામાં નહોતો આવ્યો, જ્યારે આ વર્ષે તેનું સિલેક્શન થયું હતું, પરંતુ એકપણ મેચ રમવાની તક ન મળતા તેનું દર્દ છલકાયું હતું. યુઝવેન્દ્રએ આ અંગે જણાવ્યું હતું કે, ટીમ કોમ્બિનેશન હોય છે. આ ટીમ ગેમ હોય છે. રવિચંદ્રન અશ્વિન અને અક્ષરભાઈ હતાં, બધા સારું પ્રદર્શન કરી રહ્યા હતાં. બાકી બધી વસ્તુ મારા હાથમા નથી હોતી. કોચ અને રોહિત ભાઈએ મને તૈયાર રહેવા કહ્યું હતું અને હું તૈયાર હતો કે ક્યારે પણ કોઈ પણ મેચમાં મને મોકો મળી શકે છે. બે ટી-20 વર્લ્ડકપ ન રમી શક્યો તો શું થયું, 2019માં વનડે વર્લ્ડકપમાં મને સ્થાન મળ્યું હતું. ટીમ ઈન્ડિયા માટે રમવું એ ગર્વની વાત હોય છે. હું બાકી કોઈ વાતો પર ધ્યાન આપતો નથી. આવતા વર્ષે વર્લ્ડકપ થશે તેની તૈયારીઓ મેં શરૂ કરી દીધી છે.