તર્કથી અર્ક સુધી -જિજ્ઞેશ અધ્યારુ
પ્રશ્ર્નોત્તરી એ મહાભારતની એક આગવી પ્રથા છે. બાળપણમાં ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં યુધિષ્ઠિર અને યક્ષ વચ્ચેની પ્રશ્ર્નોત્તરીનો એક સરસ પાઠ આવતો હતો. યુધિષ્ઠિરના ચારેય ભાઈઓ યક્ષની સૂચના અવગણી તળાવનું પાણી પીવે અને નિશ્ર્ચેત થાય છે. યુધિષ્ઠિર એ યક્ષના પ્રશ્ર્નોના સંતોષકારક ઉત્તર આપે પછી એ ચારેય ફરી યથાવત થાય છે. એ પ્રશ્ર્નોત્તરી વાંચવાની મજા પડતી. આવી જ એક ચર્ચા મહાભારતના વનપર્વ અંતર્ગત આવતા અજગર પર્વમાં પણ છે.
વાત એવી છે કે પાંડવોએ વનવાસના દસ વર્ષ પૂર્ણ કર્યા છે અને અગિયારમાં વર્ષમાં તેઓ અજ્ઞાતવાસ વિશેની વિચારણા કરી રહ્યા છે. કુબેરના રાજ્યને પસાર કરી તેઓ વનમાં ભ્રમણ કરી રહ્યા છે, માર્ગમાં દુષ્કર પરિસ્થિતિ આવે, પર્વતો કે ઝરણાં આવે ત્યાં ઘટોત્કચ અને તેના સેવકો બધાંને ઊંચકીને ચાલતા હતાં. હિમાલયમાં વિહરતા તેઓ કૈલાશ પસાર કરી રાજા વૃષપર્વાના રાજ્યને તથા બદરીકાશ્રમને પાર કરી સુબાહુના રાજ્યમાં આવ્યા. અહીં ઘટોત્કચ તથા તેના સેવકો વગેરેને વિદાય કર્યા અને યમુના નદી જ્યાંથી પ્રગટ થાય છે એ પર્વતની આસપાસના વનમાં વિહરવા લાગ્યા.
ભીમસેન મૃગયા માટે એકલા જ નીકળ્યા હતા. જંગલી ડુક્કરોને મારતા એ વિચરણ કરી રહ્યા હતાં કે અચાનક એક પર્વત જેવડો મોટો અને ગુફાને વીંટળાઈને પડેલો મહાકાય અજગર જોયો. તેનું મુખ ગુફા જેટલું મોટું હતું અને એનું શરીર પીળી ઝાંય ધરાવતું હતું, શરીરે ચટ્ટાપટ્ટા હતા અને આંખો ક્રોધથી રાતી થઈ હતી. ભીમસેનને જોઈ એ ખૂબ ક્રોધિત થયો અને ભીમની પાસે જઈ એને અતિશય જોરથી પકડી લીધો. ભીમનું બાહુબળ એકદમ ઓસરી ગયું અને એ લગભગ શક્તિહીન બની ગયો. એણે છટકવા જેટલા પ્રયત્ન કર્યા એટલો જ અજગર એનો ભરડો વધારતો ગયો.
આશ્ર્ચર્યચક્તિ થયેલા ભીમે અજગરને પૂછ્યું, હે સર્પ, તું કોણ છે? શું કરવા ધારે છે? હું પાંડુનો પુત્ર અને ધર્મરાજનો નાનો ભાઈ ભીમસેન છું. મારામાં દસ હજાર હાથીઓનું બળ છે છતાં તેં મને સરળતાથી કઈ રીતે વશ કર્યો? અનેક સિંહો, વાઘો, પાડા અને હાથીઓ જે મારી સામે થયા એમને મેં મારી નાખ્યાં. પણ તારામાં એવું કયું બળ છે કે તને એવું કયું વરદાન છે કે પ્રયત્ન કરવા છતાં હું છૂટી શક્તો નથી? મારું બળ નિષ્ફળ કઈ રીતે થયું?
અજગરે ભીમને ચોતરફથી જકડી લીધો અને પોતાની પકડ વધુ મજબૂત કરી પછી ભીમને જવાબ આપતા કહ્યું, તેં તારા પૂર્વજોમાં પ્રતાપી રાજા નહુષનું નામ અવશ્ય સાંભળ્યું હશે. ચંદ્રથી પાંચમો પુરુષ, આયુનો પુત્ર એ રાજા હું પોતે છું, અનેક તપસ્યાઓ, વિદ્યા, કુળ અને પરાક્રમથી મને ત્રણેય લોકનું અતુલ ઐશ્ર્વર્ય મળ્યું. પણ મને અભિમાન થયું. એકહજાર બ્રાહ્મણો મારી પાલખી ઊંચકતા, એમાં અગસ્ત્ય મુનિ પણ હતા, મેં તેમને મારો પગ અડાડ્યો એમ બ્રાહ્મણનું અપમાન કરવાથી તેમના શ્રાપને લીધે હું આવી સ્થિતિમાં છું. પુરુષ જ્ઞાની હોય, શૂરો હોય તો પણ સમૃદ્ધિ એને મોહ પમાડે જ છે. હું પણ ઐશ્ર્વર્યના મોહથી અંધ થયો હતો.
તું મારો વંશજ છે, તને જોઈ મને આનંદ થવો જોઈએ, મારે તારો વધ ન કરવો જોઈએ પણ હું તને ખાઈ જવાની ઈચ્છા કરું છું. મેં ઋષિ અગસ્ત્યને શ્રાપનું નિવારણ પૂછ્યું ત્યારે તેમણે વરદાન આપ્યું કે મને કંઈ વિસ્મરણ થશે નહીં. તેમણે કહ્યું કે આત્મા તથા અનાત્માના વિવેકને જાણનાર પુરુષ તારા પ્રશ્ર્નોના ઉત્તર આપશે એ જ તને આ યોનીમાંથી મુક્ત કરશે. વળી તું જેને પણ પકડીશ એ તારાથી વધારે બળશાળી હશે તો પણ તેમનું બળ એકદમ ઘટી જશે. ઋષિ અંતર્ધ્યાન થયા ત્યારથી આ સર્પ યોનીમાં ભટકતો હું રાહ જોઉં છું મુક્તિની, મારા પ્રશ્નોના ઉત્તરોની.
ભીમસેને અનેક રીતે અજગરને મનાવવાનો પ્રયત્ન કર્યો પણ એ ન માન્યો. બીજી તરફ ભીમસેનને આવતા અતિશય મોડું થયું એટલે ચિંતિત યુધિષ્ઠિર એને શોધવા નીકળ્યા. અજગરના ભરડામાં ફસાયેલા ભીમસેનને તેમણે જોયા. આખી વાતની ખબર પડી એટલે યુધિષ્ઠિરે અજગરને વિનંતિ કરી કે ભીમને છોડી મૂકે. અજગરે કહ્યું કે “એને બહુ દિવસે ખોરાક મળ્યો છે, પણ જો યુધિષ્ઠિર તેના પ્રશ્ર્નોના ઉત્તર આપે તો એ ભીમને છોડી દેશે.
મહાભારતનાં કેટલાંક સંસ્કરણોમાં આ અધ્યાય ૭૧ શ્ર્લોકોનો છે તો કેટલાકમાં ૩૮ શ્ર્લોકો છે. જો કે વધારાના શ્લોક બોધપ્રદ છે અને મુખ્ય વાતને જ આગળ વધારે છે. યુધિષ્ઠિર પ્રશ્ર્નોના ઉત્તર આપવા તૈયાર થયો એટલે અજગરે પ્રથમ પ્રશ્ન પૂછ્યો, બ્રાહ્મણ કોને કહેવો? એના માટે જાણવા જેવું તત્ત્વ શું છે?
યુધિષ્ઠિરે ઉત્તર આપ્યો, “જેનામાં સત્ય, દાન, ક્ષમા, સુશીલતા, અક્રૂરતા, સ્વધર્મનું આચરણ અને દયા જોવામાં આવે તેને બ્રાહ્મણ કહેવાય છે. જાણવા જેવું તત્ત્વ તો પરબ્રહ્મ જ છે. એ સુખ અને દુ:ખને પાર છે, એને જાણી લેવાથી શોકનો નાશ થાય છે.
સર્પે કહ્યું, “વેદ સત્ય છે, બ્રહ્મ તો ચારેય વર્ણો માટે હિતકર છે. ધર્મવ્યવસ્થામાં પ્રમાણરૂપ છે. તમે કહ્યાં એ ગુણો શૂદ્રોમાં પણ જોવામાં આવે છે અને તેથી તે પણ બ્રાહ્મણ જ ગણાય? દુ:ખ અને સુખથી મુક્ત તો કોઈ વસ્તુની સત્તા મને દેખાતી નથી.
યુધિષ્ઠિરે કહ્યું, “શૂદ્રમાં જો એ લક્ષણ દેખાય અને બ્રાહ્મણમાં એ લક્ષણ ન દેખાય તો એવો શૂદ્ર એ શૂદ્ર નથી, એવો બ્રાહ્મણ એ બ્રાહ્મણ નથી. જેનામાં મેં કહ્યું એવું આચરણ દેખાય તેને બ્રાહ્મણ કહ્યો છે. એ ન હોય તો શૂદ્ર જ સમજવો. અને સુખ તથા દુ:ખ રહિત વસ્તુની વાત છે ત્યાં સુધી મને એમ સમજાય છે કે જેમ બરફમાં ઉષ્ણતા અને અગ્નિમાં શીતળતા નથી હોતી તેમ બ્રહ્મ હોય ત્યાં સુખ દુ:ખ ન હોઈ શકે. આ મારા વિચાર છે.
અજગરે આગળ પૂછ્યું, “હે રાજા, જો વર્તન પરથી જ બ્રાહ્મણ ઓળખવો એવો તમારો મત હોય તો જ્યાં સુધી જાતિ કર્મો કરવામાં ન આવે ત્યાં સુધી જાતિ વ્યર્થ થઈ રહે.
યુધિષ્ઠિરે કહ્યું, “હે બુદ્ધિમાન મહાસર્પ, સર્વ વર્ણના પુરુષો સર્વ વર્ણની સ્ત્રીઓમાં પ્રજા ઉત્પન્ન કરે છે. વળી વાણી, મૈથુન, જન્મ અને મૃત્યુ એ સર્વે વર્ણોમાં સમાન જ છે એટલે એના પરથી જાતિનો નિર્ણય કરવો અશક્ય છે. તત્ત્વદ્રષ્ટીવાળા પુરુષો શીલને જ જાતિનિશ્ર્ચયમાં મુખ્ય અને ઈષ્ટ સાધન માને છે. પુરુષને નાળછેદન પહેલા જાતકર્મ સંસ્કાર કરવામાં આવે છે. જનોઈ વખતે ગાયત્રી જ તેની માતા ગણાય છે અને આચાર્ય પિતા ગણાય છે. જ્યાં સુધી જનોઈના સંસ્કાર દ્વારા વેદનો સંબંધ થતો નથી ત્યાં સુધી એ શૂદ્ર જેવો છે એવું જાતિના સંશયસંબંધમાં સ્વયંભૂ મનુએ કહ્યું છે. જો ત્રણ વર્ણોના વૈદિક સંસ્કાર ન કરવામાં આવે તો તેમને શૂદ્ર જ જાણવા. હે ભુજગેંદ્ર, જેનામાં સંસ્કારસિદ્ધ આચાર હોય તે જ બ્રાહ્મણ છે એવું મેં કહ્યું. જો વૈદિક સંસ્કાર કરીને, વેદાધ્યયન પછી પણ બ્રાહ્મણાદિ વર્ણોમાં અપેક્ષિત શીલ અને સદાચાર ન જોવા મળે તો તેમાં વર્ણસંકરતા છે એમ વિચારપૂર્વક કહેવાયું છે. અર્થાત હે ભુજંગ, જેનામાં સંસ્કારની સાથે સાથે સદાચારની પણ ઉપલબ્ધિ હોય એ જ બ્રાહ્મણ છે એમ હું કહી ચૂક્યો છું. અજગરે કહ્યું, “હે યુધિષ્ઠિર, તમે યથાર્થ તત્ત્વવેતા છો, જાણવા યોગ્ય બધું જાણો છો એટલે હું તમારા ભાઈ ભીમસેનનું ભક્ષણ નહીં કરું!
યુધિષ્ઠિરે પૂછ્યું, “તમે આવા દેહમાં છો તો પણ વેદ અને વેદાંગના પારને પામ્યા છો એટલે મને કહો કે કયા કર્મ
કરવાથી ઉત્તમ ગતિ મળે?
સર્પે કહ્યું, “હે ભરતવંશી, સત્પાત્રને દાન આપવાથી, સત્ય તથા પ્રિય બોલવાથી, અહિંસાધર્મમાં તત્પર રહેવાથી મનુષ્ય સ્વર્ગમાં જાય છે.
યુધિષ્ઠિરે ફરી પૂછ્યું, “હે સર્પ, દાન અને સત્ય એ બેમાંથી મોટું કોણ? અહિંસા અને પ્રિય એ બેમાંથી મોટું કોણ?
સર્પે કહ્યું, દાન, સત્ય, અહિંસા અને પ્રિય એ કાર્યના ગૌરવને લીધે જોવા જોઈએ. કોઈવાર દાન કરતાં સત્ય શ્રેષ્ઠ ગણાય અને કોઈવાર સત્ય કરતાં દાન શ્રેષ્ઠ ગણાય. એવું જ પ્રિય વાક્ય અને અહિંસાનું પણ સમજવું. વસ્તુનું ગૌરવ કાર્યને લીધે સિદ્ધ થાય છે.
યુધિષ્ઠિર સર્પને ઉત્તમ ગતિ માટે, સ્વર્ગ પ્રાપ્તિ માટે, કર્મેન્દ્રિયો વિશે, મન અને બુદ્ધિના લક્ષણો વિશે એમ અનેક પ્રશ્ર્નો પૂછે છે અને અજગર રૂપે નહુષ રાજા એના ઉત્તર આપે છે. યુધિષ્ઠિરને એ કહે છે કે મેં અનેક યજ્ઞો કર્યા, મન અને ઈન્દ્રિયોને સંયમમાં રાખી યોગાભ્યાસ કર્યો, આ સત્કર્મો અને પરાક્રમને બળે મારી પાસે ત્રણેય લોકનું નિષ્કંટક સામ્રાજ્ય અને સઘળું ઐશ્ર્વર્ય હતું, પૂર્વે હું દિવ્ય વિમાનમાં બેસી ફરવા નીકળતો. પણ પછી ઐશ્ર્વર્યના મદથી હું નિરંકુશ થયો. અભિમાનથી છકી જઈ કોઈને ન ગણકારતો. બ્રહ્મર્ષિ, દેવો, ગંધર્વો, યક્ષો, રાક્ષસો, સર્પો અને ત્રણેય લોકમાં વસનારા સર્વે મને કર આપતાં. મારી દ્રષ્ટિમાં એવું તેજ હતું કે હું જેને જોતો તેની શક્તિ હરી લેતો. પછી મારાથી અગસ્ત્યજીનું અપમાન થયું, એમના શ્રાપે પળભરમાં હું પદભ્રષ્ટ થઈ આ સ્વરૂપે પૃથ્વી પર પડ્યો. મુનિએ તો પણ દયાવશ મને શ્રાપમાંથી મુક્તિનો ઉપાય કહ્યો. પાપના ફળ ક્ષીણ થયાં એટલે અત્યારે હું મુક્તિના પથ પર અગ્રસર થઈ રહ્યો છું. હું તેમના તપનું બળ જોઈને જ આશ્ર્ચર્ય પામી ગયો હતો, એથીજ મેં તમને બ્રાહ્મણપણા વિશે અને બ્રહ્મ વિશે પ્રશ્ર્ન કર્યા. હે રાજા, સત્ય, દમ. તપ, દાન, અહિંસા અને ધર્મપરાયણતા ઈષ્ટ ફળ આપે છે; નહીં કે જાતિ અથવા કુળ! એમ કહી અજગરે ભીમને મુક્ત કર્યો. અજગરનો દેહ ત્યજી તેમણે સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું.
ભીમમાં હજારો હાથીઓના જેવું – અદ્વિતીય શારીરિક બળ હતું, પરંતુ એ અજગરના ભરડામાંથી છટકી શક્યો નહીં, આપણામાં કહેવાયું છે કે કળનું કામ બળથી થઈ શક્તું નથી. એટલે જ મહાભારતકારે આ અધ્યાયના અંતે લખ્યું કે શારીરિક બળ કરતાં વિદ્યાબળ – જ્ઞાનનું બળ ઘણું મોટું છે. યથાર્થ જ્ઞાન એ શારીરિક બળથી પણ વધુ ઉપયોગી નિવડે છે. યક્ષ પ્રશ્ર્નોની વિસ્તૃત ચર્ચા થાય છે પણ આ અજગર પર્વની કોઈ વાત થતી નથી, કદાચ એટલે કે બની બેઠેલા ઇતિહાસકારોએ ઊભી કરેલી સનાતન ધર્મની જાતિ વ્યવસ્થા વિશેની ભ્રમણાઓ અહીં ધ્વસ્ત થઈ જાય છે.