યુવાની: સ્ટાર્ટ અપ થકી સર્જનાત્મકતા ખીલવવાની ઉંમર

29

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

“વીસમાં વર્ષે વળી નવું શું કરવાનું હોય?? મિતવાના પપ્પાએ લગભગ મિતવાએ મૂકેલી દરખાસ્ત ખારીજ કરવા જેટલા મક્કમ અને કરડાકીભર્યા અવાજે પૂછ્યું. ” નવું એટલે પપ્પા મારું પોતાનું સ્ટાર્ટ અપ. “એ વળી કઈ બલા છે હવે?! વર્ષોથી પેઢી દર પેઢી ચાલી આવતા ધંધાના ભાગરૂપે ગામની જૂની અને જાણીતી કાપડની દુકાનનો થડો સંભાળતા મહાદેવભાઈનું મગજ પણ થડ જેવું જ થઈ ગયેલું. ખપ પૂરતું ભણેલા. આમ ગણેલા બહુ પણ મિતવા બિઝનેસ કરી અને પોતાની આવક ઊભી કરવા માગે છે એ પણ આટલી નાની ઉંમરે એ તેઓના મનમાં ઝટ્ ઊતરે એવું નહોતું. પણ મિતવામાં લોહી તો તેઓનું જ ને એટલા માટે તેના મનમાં પણ કોઈ જગ્યાએ નોકરી કરવાને બદલે બિઝનેસ કરવો એ વાતમાં મન પોરવાય ગયેલું. ” રહેવા દે, નાની મોટી થોડા વર્ષો નોકરી કરવી હોય તો કર, બિઝનેસ કરવો એ કંઈ બાપાના ખેલ નથી. આટલું બોલી મહાદેવભાઈએ ચાલતી પકડી એને મન મિતવા હજુપણ નાની અમસ્તી, બાલીશ, દુનિયાદારીથી પર, નાસમજ છોકરી જ હતી કદાચ. જોકે, અમુક અંશે તેઓ સાચા પણ હતા. વીસમાં વર્ષે શાન આવી જાય ખરા, પરંતુ એ શાન ઠેકાણે આવતા બીજો એક દસકો નીકળી જતો હોય છે અને મિતવા આ સમય દરમિયાન કોઈ એવી ગફલત ના કરે કે જેનાં પરિણામો જિંદગી આખી ભોગવવા પડે તેની નૈતિક ફરજ પિતા તરીકે પોતાના શીરે છે એવું તેઓ સ્પષ્ટપણે માનતા. “પણ, પપ્પા એકવાર સાંભળો તો ખરા! “શું સાંભળુ? નકામા વેડફવા માટેના પૈસા મારી પાસે છે નહીં, અને હોય તો પણ આવી રમતો કરવા નહી આપું બાકી તારે જે કરવું હોય એ કર. આર્થિક મદદ માટે ચોખ્ખી ના પડતાં મિતવાએ હવે બીજા રસ્તાઓ શોધવાના શરૂ કર્યા. આ ક્યાં મોટી થઈ હું? મસ્ત ટીનએઈજ લાઈફ જીવતી હતી. એયને જોરદાર જલ્સા!. પણ એ સમય તો ગયો હવે એવો અફસોસ કરતી મિતવા અંતે ગૂગલના સહારે ભવિષ્ય ખોજવા બેસી.
શું તરુણાવસ્થા વટાવી ગયાનો અફસોસ હોય ખરો? શું યુવાની એક નવી દિશા તરફ ધ્યાન આપવા પ્રેરતી ઉંમર નથી? નવી રાહ પર ચાલવા માટેનું સ્ટાર્ટ અપ કરવાની શ્રેષ્ઠ ઉમર એટલે જ યુવાની!! પણ સ્ટાર્ટ અપ એટલે શું? સ્ટાર્ટ અપ એટલે કોઈ એક વ્યક્તિ દ્વારા અત્યાર સુધીમાં શરૂ થયેલ વ્યવસાયથી તદન અલગ અને નવાંજ પ્રકારના કોઈ વિચારને અમલમાં મૂકવાની અને તેને વ્યવસાયિક સ્વરૂપે રજૂ કરવામાં આવતી પ્રક્રિયા કે જેમાંથી આગળ જતાં તે વ્યક્તિ સફળતા પૂર્વક પોતાની આગવી ઓળખ ઊભી કરવાની સાથોસાથ કમાણી પણ કરી શકે. હાલમાં થયેલ એક સર્વેમાં જાણવા મળ્યું છે કે આ ક્ષેત્રમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને વધુ સફળતા મળી હોવાનાં ઉદાહરણ છે. તેનું મુખ્ય કારણ એ છે કે બહેનોમાં રહેલી ઘરગથ્થુ સૂઝ, આવડત અને અનુભવ તેને કોઇ પણ ક્ષેત્રમાં પ્રગતિ કરાવવામાં મદદરૂપ બનતા હોય છે.
આપણી આસપાસ મિતવા જેવી ઘણી યુવતીઓ હોય છે કે જેઓને કઇંક નવું કરવાની ધગશ હોય છે, પરંતુ આવડી અમસ્તી ઉંમરે નવું કરવું શું? એનો શું ફાયદો? આવું વિચારી નાસીપાસ થઈ જાય છે. તેના બદલે આજથી જ કોઈ નવા કામનો પ્રારંભ કરવામાં આવે તો તેને ધીમે ધીમે વિકસાવી અને અંતે સફળતા મેળવવી અઘરી નથી, પરંતુ સમજ્યાં વિચાર્યા વગર શરૂ કરી દેવામાં આવતું કોઈ પણ કાર્ય હંમેશાં નુકસાનકારક સાબિત થતું હોય છે. આથીજ
સ્ટાર્ટ અપ કરતી વખતે ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે શક્ય હોય તેટલું ઓછું પૈસાનું રોકાણ કરવું. આ ઉપરાંત તમારા રોજિંદા અભ્યાસ તેમજ ફરજ નિભાવવાની સાથોસાથ દિવસના અન્ય સમયમાં કોઈ વ્યવસાય શરૂ કરવો વધુ હિતાવહ છે. બીજું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારા જીવનમાં એક નવો વળાંક આપવા માટેની આ શરૂઆત છે તેમાં કોઈપણ પ્રકારના તણાવને સ્થાન હોય શકે નહીં. આથીજ તમારી જેમાં ફાવટ હોય તેવા શોખ કે એવી આવડતને વ્યવસાયિક સ્વરૂપમાં ઢાળવું યોગ્ય રહે છે જેના કારણે તમને ખબર હોય કે નફો નુકસાન થવાની શક્યતા કેટલાં પ્રમાણમાં રહેલી છે અને કેટલું વધુ રોકાણ તેમજ મહેનત કરવાની જરૂર છે. ક્યારેક કોઈ સમસ્યા કે અડચણ ઊભી થાય તો ધીરજ રાખતા શીખવી બહુ જરૂરી છે. મોટાભાગે યુવતીઓને નવી જગ્યા, નવી વ્યક્તિ, નવાં માહોલ કે નવાં કાર્યક્ષેત્રમાં એક અજાણ્યો ભય સતાવતો હોય છે. યુવાનીએ પોતાના ભયથી ભાગવાને બદલે ભયને દૂર ભગાડી જીવન જીતવાની ઉંમર છે એ વાત મિતવા જેવી યુવાપેઢીએ ક્યારેય ભૂલવી જોઈએ નહીં.
સામાન્ય રીતે સ્ટાર્ટ અપ અવનવાં ક્ષેત્રોમાં કરવામાં આવતું હોય છે. આજકાલ સરકાર દ્વારા પણ ઘણી સ્ટાર્ટ અપ યોજના હેઠળ મદદ આપવામાં આવતી હોય છે એટલું જ નહીં ઘણી અર્ધ સરકારી સંસ્થાઓ કે પ્રાઈવેટ કંપની દ્વારા પણ
યુવતીઓ સ્વનિર્ભર બને એ માટે આર્થિક તેમજ અન્ય સહાય પૂરી પાડવામાં આવતી હોય છે. કોઈને સારું લખતાં આવડતું હોય તો આજકાલ ઇન્ટરનેટ પર પોતાનાં બ્લોગ લખી શકે છે સમય જતાં તેમાંથી પણ આવક ઊભી થાય છે તો ક્યારેક ઘરે રહીને પણ જાતે બનાવેલ વસ્તુઓને એમઝોન જેવી સાઇટમાં ઇન્ટરનેટ પર વેચાણ કરી કમાણી કરી શકે છે. આ ઉપરાંત કોઈ ને સંગીત, નૃત્ય, પેઇન્ટિંગ, પાકકળા કે અન્ય આવી કોઈપણ પ્રકારના ક્ષેત્રમાં નિપુણતા હોય તો તે શીખવવાના વર્ગો પણ શરૂ કરી શકાય છે.વધારે રોકાણ કે મોટાપાયા પર શરૂ કરવાની અનુકૂળતા હોય તો ક્યારેક એવું પણ બને કે બે કે તેથી વધુ પાર્ટનર સાથે મળીને પણ નવું સ્ટાર્ટ અપ વિકસાવી શકે. ધીમે ધીમે આ એક બે ને પછી અનેક બીજા લોકોને પણ તમારા વ્યવસાયમાં સમાવિષ્ટ કરી શકવાની સમર્થતા રહેલી હોય છે. આવા તો કઈ કેટલાંય વિષયો છે જેમાંથી ઓછી મહેનતે વધુ પરિણામ મેળવી શકાય.
યુવાનીમાં જો એક ડગલું અજાણી દિશામાં ભરવાની હિંમત કરવામાં આવે તો આગળ જતાં અંગત તેમજ સામાજિક ક્ષેત્રે ઉચ્ચ શિખરો સર કરી શકવા સમર્થ અને સક્ષમ તમે જરૂરથી બની શકો છો. આ સ્ટાર્ટ અપ માત્ર વ્યવસાયનું જ નથી થતું.. પરંતુ સ્ટાર્ટ અપ તમારા અસ્તિત્વનું, તમારાં નવા ઊગી રહેલા સપનાંઓનું, તમારા સુખ, શાંતિ અને સંતોષનું પણ થાય છે. આપણે ખુદ આપણા નૂતન જીવનના સર્જક બનીએ તે સૌથી વધુ અગત્યની બાબત છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!