સુરતમાં માનવામાં ન આવે તેવી ઘટના બની છે. આ ઘટના જે કોઈપણ મોબાઈલમાં ઉંધે માથે માંડ્યા હોય છે તે તમામ માટે લાલબતી સમાન છે. વળી, આ ઘટનાનો ભોગ બાળક નહીં, પરંતુ 22 વર્ષીય યુવાન બન્યો છે.
આજના સમયમાં યુવાનો મોબાઈલમાં રીલ્સ જોવામાં તેમજ ગેમ રમવામાં એટલા મશગુલ થઇ જાય છે કે ક્યારેક તેનું ગંભીર પરિણામ પણ સામે આવે છે અને આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરત જિલ્લાના ઓલપાડના કીમ ગામે મોબાઈલમાં ગેમ રમતી વેળાએ 22 વર્ષીય યુવક ચોથા માળેથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું.
બીજી તરફ એકના એક દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામ ખાતે આર.કે.પાર્કમાં રહેતા વિજયભાઈ પંચાલનો 22 વર્ષીય પુત્ર જય ઘરની બારી પાસે બેસી મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો અને તે ગેમ રમવામાં એટલો મશગુલ થઇ ગયો હતો કે તેનું ધ્યાન રહ્યું નહી અને તે એકાએક ચોથા માળેથી નીચે પટકાયો હતો.
પુત્ર નીચે પટકાતા જ પરિવારજનો દોડ્યા હતા જેમાં યુવકને ગંભીર ઈજાઓ થતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
વધુમાં મૃતક 22 વર્ષીય યુવક કોલેજમાં બી.બી.એ.નો અભ્યાસ કરતો હતો અને તે પરિવારનો એક નો એક દીકરો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.