હોનારત: વિક્રોલીની સિદ્ધિવિનાયક સોસાયટીમાં હાઈડ્રોલીક પાર્કિંગ લિફ્ટનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે ૨૩મા માળથી લિફટ પડતા લિફ્ટમાં બેઠેલા લોકો ભોગ બન્યા હતા, જેમાં એકનું કરુણ મોત થયું હતું. (જયપ્રકાશ કેળકર)
(અમારા પ્રતિનિધી તરફથી)
મુંબઈ: મુંબઈના ઉપનગર વિક્રોલી ખાતે પચ્ચીસ માળની બિલ્ડિંગમાં બુધવારે બપોરે લિફ્ટ તૂટી પડવાને કારણે ૨૦ વર્ષના યુવાનનું મોત થયું હતું, એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. વિક્રોલી સ્ટેશન રોડ પર આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીમાં બપોરે દોઢ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. અકસ્માત સમયે લિફ્ટમાં ચાર જણ હતા.
લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પડ્યા બાદ રહેવાસીઓ અંદર ફસાઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને લિફ્ટનો દરવાજો ખોલ્યો હતો.
પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે ચારમાંથી ત્રણ જણ પોતાની રીતે જ બહાર આવી ગયા હતા. ફાયરમેને ચોથી વ્યક્તિને બહાર કાઢવા માટે બચાવ સાધનોનો ઉપયોગ કર્યો હતો. ચોથી વ્યક્તિને બહાર કાઢ્યા બાદ તેને પાલિકાસંચાલિત રાજાવાડી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી, એવું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)