યુવા કોંગ્રેસ ભંગાણ: NSUIના 5000થી વધુ યુવાનો એકસાથે BJPમાં જોડાશે, કોંગ્રેસમાં સેટિંગ ચાલતું હોવાના આક્ષેપ

આપણું ગુજરાત

એક તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસની સ્થિતિ કફોડી બનતી જાય છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખમાં પણ ભંગાણ થવાની તૈયારીઓ છે. NSUIના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થયા બાદ ઉભા થયેલા વિવિદ બાદ મોટી સંખ્યામાં NSUI હોદ્દેદારો ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. નવા NSUIના પ્રદેશ પ્રમુખની શપથવિધિના દિવસે જ ૩૦૦ હોદ્દેદારોએ કોંગ્રેસમાં સેટિંગ કરી પદ વેચતા હોવાના આક્ષેપ સાથે રાજીનામાં આપી દીધાં હતાં. NSUIના પૂર્વ નેતા પાર્થ દેસાઈએ દાવો કર્યો હતો કે ગુજરાત કોંગ્રેસના 3 નેતા NSUIને ખતમ કરી દેશે.
NSUIના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ જૂથના નરેન્દ્ર સોલંકીની નિમણૂક કરાતાં નારાજ પાર્થ દેસાઈએ શપથ વિધિના દિવસે જ રાજીનામું આપી દીધું હતું. તેમની સાથેના 300 જેટલા કાર્યકરોએ એકસાથે NSUIમાંથી રાજીનામાં આપ્યા હતા. ત્યાર બાદ પાર્થ દેસાઈએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલને મળ્યા હતા. આ મુલાકાતમાં પાર્થ દેસાઈએ કોંગ્રેસ અને NSUIના 600 હોદેદાર સહિત 5000 લોકોને ભાજપમાં જોડાવવા પ્રદેશ પ્રમુખ પાટીલને વાયદો કર્યો હોવાનું કહેવાય છે. જોકે આ માટે તેમણે સમય માંગ્યો છે.
પાર્થ દેસાઈએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘હું 7 વર્ષથી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIમાં છું. કોલેજ પ્રમુખ, શહેર મહામંત્રી, સેનેટ મેમ્બર અને પ્રદેશ મહામંત્રી સુધી મેં ફરજ બજાવી છે. કોંગ્રેસ અને NSUI માટે અનેક આંદોલન કર્યા છે અને કેસ પણ માથે લીધા છે. પક્ષ તરફથી કોઈ વકીલ આપવામાં આવતા નથી. કોર્ટના ધક્કા અમારે ખાવા પડે છે. છતાં નવા પ્રમુખ તરીકે નરેન્દ્ર સોલંકીની નિમણૂક કરવામાં આવી છે. કોઈ હોદ્દો કે કોઈ કામગીરી કરી ન હોવા છતાં ઇન્દ્રવિજયસિંહ જૂથના હોવાથી અને તેમની ભલામણથી સીધા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.