Homeઆપણું ગુજરાતગુજરાતમાં પેપર લીક થતાં યુવાનો અને વાલીઓ પરેશાન: ઠેર ઠેર વેદના સાથે...

ગુજરાતમાં પેપર લીક થતાં યુવાનો અને વાલીઓ પરેશાન: ઠેર ઠેર વેદના સાથે વિરોધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થવાના કારણે રદ કરવામાં આવી હતી. જેના કારણે અમદાવાદ, સુરત, નવસારી સહિતના બસ સ્ટેન્ડમાં જ ઉમેદવારોએ સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. કડકડતી ઠંડીમાં સવારે ચાર વાગ્યે ઊઠીને દૂર-દૂરથી પેપર આપવા પહોંચેલા ઉમેદવારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. કેટલાક ઠેકાણે પરીક્ષાર્થીઓએ ચક્કાજામ કરીને વેદના ઠાલવી હતી. પરીક્ષા રદ્દ થતા ૯ લાખ ૫૩,૦૦૦થી વધુ ઉમેદવારોની મહેનત પાણી ફરી વળ્યું હતું.ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ત્રણ જૂનિયર ક્લાર્કની રવિવારે લેવાનારી પરીક્ષા ફરી પેપર ફૂટવાને કારણે રદ્દ કરવામાં આવી હતી. જેને કારણે પરીક્ષાની તૈયારી કરનારા લાખો પરીક્ષાર્થીઓના સપનાંઓ પર પાણી ફરી વળ્યું હતું. પરીક્ષાર્થીઓની કરેલી મહેનત પર પાણી ફરી વળતા તેમણે નારાજગી અને દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. પાલનપુર બસ સ્ટેન્ડ ઉપર યુવાનોએ હોબાળો મચાવ્યો હતો. બસ સ્ટેન્ડ પર પરીક્ષાર્થીએ જણાવ્યું હતું કે, સરકારને પહેલાં ૯૯ હતી હવે તો ૧૫૬ સીટ આપી તો અમને ભરોસો તો આપો. વિધાર્થીઓનો આક્રોશ વધતા આખરે એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ભાડાના પૈસા પરત આપવાની વાત કરી પૈસા પરત આપવાની શરૂઆત કરતા વિદ્યાર્થીઓનો આક્રોશ શાંત પડ્યો હતો પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થતાં પેપર ફોડનારને કડક સજા થાય તેવી વિદ્યાર્થીઓએ માગ કરી હતી. વડોદરામાં પરીક્ષા આપવા પહોંચેલી એક મહિલા ઉમેદવારે જણાવ્યું હતું કે, ભરોસાની સરકારમાં જ પેપરો ફૂટતા હવે કોઈના પર ભરોસો કરવો મુશ્કેલ થઈ ગયો છે. અમદાવાદમાં રડતા-રડતા યુવાને જણાવ્યું હતું કે, અમે કાલ સાંજના ઘરેથી નીકળી રાત્રે બે વાગ્યે અમે અહીં પહોંચી ગયા હતા. અમે આખી રાતના ઠંડીમાં ઉજાગરા કરીને પેપર આપવા માટે આવ્યા છીએ. અહીં પહોંચ્યા બાદ વહેલી સવારે અમને સમાચાર મળ્યા કે પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે. અમારા વાલીઓ અમને કાળી મજૂરી કરીને ભણાવે છે. પૈસાવાળી પાર્ટી છે એ પેપર ફોડી નાખે છે.
સાહેબ ભરતી નહીં આવે તો ચાલશે પણ પેપર ફૂટવા ન જોઈએ. સુરતમાં ૧૮૭ સેન્ટરો પર૫૭ હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. પરીક્ષા પહેલા જ પેપર લીક થતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સરકાર સામે પણ વિદ્યાર્થીઓએ આક્રરા પ્રહાર કર્યા હતા. નવસારી જિલ્લામાં પણ ૭૨ કેન્દ્રો પર જૂનિયર ક્લાર્કની પરીક્ષા રાખવામાં આવી હતી, પરંતુ પરીક્ષા રદ્દ થતા જિલ્લામાં ૨૭૦૩૦ પરીક્ષાર્થીઓ અટવાયા હતા. પરીક્ષા કેન્દ્રો પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
—————–
સરકારે યુવકોનું ભવિષ્ય ફોડવાનું પાપ કયુર્ં: કૉંગ્રેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર પેપર લીક થતાં હડકંપ મચી ગયો હતો. જુનિયર ક્લાર્કનું પેપરલીક થયા બાદ રાજકીય નેતાઓ અને આગેવાનોએ સરકાર પર પ્રહાર કર્યા હતા. જેમાં કૉંગ્રેસ, આપ અને પાસના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.કૉંગ્રેસના અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગુજરાતના યુવકોનું ભવિષ્ય ફોડવાનું પાપ કર્યું છે. ગુજરાતમાં ૨૦ કરતા વધુ પેપર ફૂટ્યાં છે. હવે રાજ્ય સરકારને ૧૫૬નું અભિમાન આવી ગયું છે. આ સાથે તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, જેની પાસે રૂપિયા છે તેને જ ગુજરાતમાં નોકરી મળે છે.
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં સરકાર ફરી નિષ્ફળ નીવડી છે. આજે ૯ લાખ ૫૩ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. ૨૨ વખત રાજ્યમાં પેપરલીક થયું છે. આ સાથે કહ્યું કે, ગુજરાત સરકારનો અહંકાર યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યો છે. પેપરલીક થવાથી સરકારી નોકરી મેળવવા માગતા પરીક્ષાર્થીઓ હતાશ થયા છે. તેમણે કહ્યું કે, પેપર ફૂટવાની જવાબદારી સરકારની છે. જેથી હવે જવાબદારને કડકમાં કડક સજા આપવાની જરૂર છે. પાસ નેતા દિનેશ બાંભણીયાએ જણાવ્યુ હતુ કે જુનિયર ક્લાર્કનું પેપર ફૂટવાની ઘટના દુ:ખદ છે. રાજ્ય સરકારે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની જરૂર છે. આ સાથે પેપર એજન્સી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી જોઈએ.
આપના નેતા ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી હતી. જેમાં તેમણે કહ્યું હતુ કે, રાજ્ય સરકારની બેદરકારીને કારણે ફરી પેપર ફૂટ્યું છે. ગુજરાતમાં ફટાકડા કરતાં વધુ પેપર ફૂટે છે, આ પેપર નથી ફૂટ્યું લાખો ઉમેદવારના સપનાં તૂટ્યાં છે. પ્રધાન અને મુખ્ય પ્રધાન જ્યાં સુધી પગલાં નહીં લે ત્યાં સુધી પેપર ફૂટશે. સરકાર પેપરલીક કરનારાને સજા આપવાનું નિવેદન આપશે, પરંતુ આરોપીની ધરપકડ નહીં કરે. પેપરલીકની તપાસ નિવૃત ન્યાયધીશની અધ્યક્ષતામાં થવી જોઈએ.
જુનિયર ક્લાર્કનું પેપરલીક થવા મામલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં વારંવાર પેપરલીક થવાની ઘટના બને છે. જુનિયર ક્લાર્કનું પેપરલીક થવાની ઘટના દુ:ખદ છે. પરીક્ષાર્થીઓને વળતર આપવું જોઈએ. પેપરલીકમાં જવાબદાર વ્યક્તિને કડક સજા મળવી જોઈએ.
————–
ગુજરાતમાં છેલ્લાં નવ વર્ષમાં ૧૩ વખત
સરકારી ભરતીની પરીક્ષાના પેપર ફૂટ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લાં નવ વર્ષમાં ૧૩ વખત પેપર ફુટી ચુક્યા છે. વર્ષ ૨૦૧૪માં જીપીએસસીના ચીફ ઓફિસરથી લઈ તલાટી, ટેટ અને હેડ ક્લાર્ક સહિતની પરીક્ષાઓના મળી કુલ ૧૩ પેપર લીક થયા છે. ફરી પેપર ફૂટતા વિદ્યાર્થીઓને માત્ર નિરાશા જ હાથ લાગી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આ પહેલા ૧૨ વખત પેપર લીક થઈ ચુક્યા છે. ૨૯મી જાન્યુઆરીએ રવિવારે આ ૧૩મી વખત પેપર લીક થયું હતુ. સરકાર દર વખતે દાખલો બેસાડે તેવી તપાસના દાવા કરે છે, પણ તેમ છતાં કોઈ અસર થતી નથી અને ફરીથી પેપર લીક થઈ જાય છે. રાજ્યમા આ પહેલા ૨૦૧૪માં જીપીએસસી ચીફ ઓફિસરનું પેપર ફૂટ્યું હતું. આ ઉપરાંત ૨૦૧૫માં તલાટી પેપર, ૨૦૧૬માં જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટીની પરીક્ષાનું પેપર ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું હતુ. ત્યાર બાદ ૨૦૧૮માં ટેટ શિક્ષક પેપર, ૨૦૧૮માં મુખ્ય-સેવિકાનું પેપર, ૨૦૧૮માં નાયબ ચિટનિસ પેપર, ૨૦૧૮માં (એલઆરડી) લોકરક્ષક દળ, ૨૦૧૯માં બિનસચિવાલય કારકુન, ૨૦૨૧માં હેડ ક્લાર્ક, ૨૦૨૧માં ડીજીવીસીએલ વિદ્યુત સહાયક, ૨૦૨૧માં સબ ઓડિટરનું પેપર, ૨૦૨૨માં વનરક્ષકનું પેપર ફૂટયું હતું, જ્યારે રવિવારે ૨૯મી જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું હતું.
————–
ગુજરાત યુનિ.ની ટ્રીપલ સી પરીક્ષા પણ થઈ રદ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પેપર લીક થતાં જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાયા બાદ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં સીસીસીની પરીક્ષા રદ કરવામાં આવી હતી. પરીક્ષા રદ્દ થતા ૫૦૦થી વધુ ઉમેદવારો અટવાયા હતા. જેના કારણે પરીક્ષાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ મામલે ટેક્નિકલ ખામીનું કારણ જણાવવામાં આવ્યું હતુ. પરીક્ષાને છેલ્લી ઘડીએ રદ કરાતા પરીક્ષાર્થીઓમાં નિરાશા જોવા મળી હતી. રવિવારે યોજાનારી સીસીસીની પરીક્ષા ૫મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. મળતી માહિતી મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં આવતી ઇલેક્ટ્રિસિટીની અંદર શોર્ટ સર્કિટ થતા સમગ્ર યુનિવર્સિટીની ઇલેક્ટ્રિસિટી બંધ થઈ ગઈ છે. જેના કારણે કોમ્પ્યુટર ચાલી ન શકતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular