Homeલાડકીયુવાની અને એકલતાની આહ્લાદકતા

યુવાની અને એકલતાની આહ્લાદકતા

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

Loneliness is not lack of company, loneliness is lack of purpose. -Guillermo Maldonado
કમ્પ્યુટર સ્ક્રીન પર મરોડદાર ફોન્ટમાં પોતેજ સ્ક્રીનસેવર તરીકે મુકેલા આ ક્વોટ પર આસ્થાની નજર સ્થિર થઈ ગઈ. આખું એક દસક થયું જોબ શરૂ કર્યાને, સ્કૂલ સમયથી જ નોકરી કરી કમાવવાની તાલાવેલીને અંતે તાળું વાગ્યાના ત્રીસ જ દિવસે આસ્થાને એક હકીકત સુપેરે સમજાવી દીધેલી કે, નોકરી કરવી એ પોતે ધારતી હતી એટલું સહેલુ કામ નથી. આજે કેટલાય દિવસો પછી એને ઑફિસ જવામાંથી છૂટ્ટી મળી હતી, પરંતુ ઑફિસના કામમાંથી છૂટ્ટી મળી નહોતી! પણ એટલું વળી સારું હતું કે કામ કરવાની સાથોસાથ આજે પોતે પોતાનું વેકેશન પ્લાન કરવા માટે ઈન્ટરનેટ ફેંદી શકતી હતી. મનોમન એણે અર્જુનની એકાગ્રતા અનુસરવાનું નક્કી કરેલું.
આજના દિવસમાં કોઈપણ હિસાબે આખો ટૂર પ્લાન બનાવ્યા બાદજ બીજું કઈપણ કામ હાથ પર લેવું એવું એણે સવારથી જ વિચારી લીધેલું, પરંતુ સતત કમ્પ્યુટર સામે જોઈ જોઇને કામ કરી થાકેલી આંખ અને એકધારું બેસી રહેવાથી દુ:ખવા આવેલી કમરને આરામ આપવા એ વર્કિંગ ડેસ્ક પરથી ઊભી થઇને રસોડા તરફ આવી, બેઝિન પાસે નળ ચાલુ કરી ઠંડા પાણીની છાલક પડતાવેંત જ આંખને ઠંડકનો અહેસાસ થયો. સામે દેખાતા પોતાના સ્ટડી ટેબલ આસપાસ વિખરાયેલા જાત જાતના રમકડાના ઢગલાં! અને એની વચ્ચે બેસેલા બે હસતા રૂના ઢીંગલાં જેવા ચહેરાઓને જોઈ એના મૂરઝાતા જતાં ચહેરા પર પણ થોડી તાજગી ઊભરી આવી. મલકતાં હોઠે પાસે પડતી બારી માંથી બહાર નજર કરતાંજ એને પોતાના એપાર્ટમેન્ટના દરવાજા પાસે પડોશીમાંથી હવે બહુ સારી મિત્ર જેવી બની ગયેલી શ્રદ્ધા દેખાઈ, આમ તો એ અને શ્રદ્ધા બંન્ને એકસરખી ઉંમરના જ, ત્રીસ-એકત્રીસ માંડ, પરંતુ બંન્નેએ જવાબદારીઓ વહેલી સ્વીકારી હતી ખાલી એ જવાબદારીઓનું સ્વરૂપ અલગ અલગ હતું. પોતે નોકરીમાં ફીટ થઈ તો શ્રદ્ધા લગ્ન કરી ઠરીઠામ થઈ આવું વિચારતી આસ્થા શ્રદ્ધા ડોરબેલ વગાડે એ પહેલાંજ થોડા ઉતાવળા પગલે દરવાજા સુધી પહોંચી ગઈ અને હસીને એ થાકેલી બપોરે બે વાગ્યાની કાળઝાળ ગરમીમાં પરસેવાથી તરબતર જાતને સંભાળતી મીઠી મિત્રને મીઠો આવકાર આપ્યો.. ઘરની જવાબદારીઓ નિભાવતા નિભાવતા મારી તો જિંદગી જ ખતમ થઇ જશે એવું લાગે છે. હાશ! સારું થયું આ બંનેને તારી સાથે ફાવે છે. શ્રદ્ધાએ પોતાના ટ્વિન બાળકો તરફ જોતાં કહ્યું, “તારા ઘેર રમવાની આદત રાખે તો મારે આમ ઉતાવળમાં ક્યાંય જવાનું થાય ત્યારે એટલી ચિંતા ઓછી. એવું બોલતા એ સામે પડેલ ખુરશી ખેંચીને ધબ દેતા બેસી ગઈ. આસ્થાએ ધરેલા પાણીના આખા ગ્લાસને એકસાથે ગટગટાવી ,ઊંડો શ્ર્વાસ લઇ ફરી બોલીતારે સારું યાર, આવી કોઈ ઝંઝટ તો નહીં?? લગ્ન જ ના કર્યા હોય એટલે કેટલીયે પ્રકારની પળોજણમાંથી હંમેશ માટે મુક્તિ મળી જાય. એમ બોલી બાળકોને લઇ બહાર નીકળતી શ્રદ્ધા માફક આસપાસના તેમજ કુટુંબના ઘણાખરા લોકો આવી રીતે એકલા રહીને પણ પોતાને સ્વસ્થ અને સંતોષ સભર જિંદગી માણતા જોઈ આશ્ર્ચર્ય, ઈર્ષ્યા કે ક્યારેક પછી અહોભાવથી આસ્થાને મૂલવતા રહેતા. પોતાનો જવાબ સાંભળવાની દરકાર ના રાખનાર શ્રદ્ધાને એવું કહેવાનું પણ એને યોગ્ય ના લાગ્યું કે એની પાસે અત્યારે ભલે જવાબ સાંભળવાનો પણ સમય નથી પરંતુ પોતે બે કલાક સુધી એના બાળકોને સાચવીને સાચો મિત્રધર્મ નિભાવેલ હતો અને હજુ પણ જયારે જરૂર પડે ત્યારે એ મદદરૂપ બનશે જ. કારણકે એ જાણતી હતી કે એકલા રહીને જીવન શી રીતે જીવવું. અફસોસને આનંદમાં કઈ રીતે પરિવર્તિત કરવા? એ આવડત જ એના સુખમય જીવનની પૂંજી હતી.
પોતાની મરજીથી એકલા રહેવું અને જીવન જીવવું એ પરિસ્થિતિ પરાણે એકલા રહેવું પડતું હોય અને જીવન પસાર કરવું પડતું હોય એ પરિસ્થિતિ કરતા તદન અલગ છે. કોઈપણ વ્યક્તિને જિંદગીના પૂર્વાર્ધમાં એકલતા બહુ કનડતી હોતી નથી. પરંતુ ત્રીસ પછી સમય જતાં ઉદ્ભવતા ફેરફારોને કારણે એકલું જીવન પસાર કરવું એ સામાજિક તેમજ અંગત દ્રષ્ટિએ મોટાભાગના લોકોને ગોઠતું હોતું નથી, પરંતુ જો એકલા રહેવું જ પડે એમ હોય એ પરિસ્થિતિમાં યુવતીઓ પોતાના જીવનને સતત તણાવમાં કે એક યા બીજા પ્રકારના દુ:ખમાં પસાર કરવાને બદલે એ અવસ્થાને આહ્લાદક બનાવવાની શરૂઆત કરવી જોઈએ.
એકલી રહેતી યુવતીને સ્વાભાવિકપણે ઓછી જવાબદારીઓ નિભાવવાની આવે છે. એટલુંજ નહિ કોઈપણ પ્રકારના ફાઈનાન્શિયલ બર્ડન એટલેકે પૈસાની લેવડદેવડને લગતા ભારણ ઓછા ઉપાડવા પડે છે. આ ઉપરાંત આ યુવતી પોતાની જાત પર વધુ ધ્યાન આપી શકે છે, પોતાના માટે વધુ સમય ફાળવી શકે છે. પોતાના સ્વાસ્થ્યની દરકાર કરી શકે છે અને પોતાની ખુશીઓને વધુ મહત્ત્વ આપી
શકે છે.
જીવન પ્રત્યે અપેક્ષાઓનો બોજ ઓછો હોવાને કારણે કામ ઓછું કરે તો પણ ચાલે અને જેટલું કામ કરે તેટલી મજા પણ કરી શકવા એ સક્ષમ હોય છે. અને એમાં પણ જયારે ક્યાંક જલ્દી સેટલ થઈ જવાનું દબાણ જાત પર હોય નહિ ત્યારેતો એ ચોક્કસપણે પોતાની મરજીથી જીવી શકે છે. આટલું જ નહીં પણ જો તેણી સારું કમાતી હોય તો એ આર્થિક, સામાજિક તેમજ બીજી અનેક રીતે કુટુંબને મદદરૂપ પણ થઇ શકે છે. અને જાતેજ બધું કાર્ય કરવાની આદત પડવાને કારણે આવી યુવતીઓના આત્મવિશ્ર્વાસમાં ખૂબ વધારો થાય છે. પરિણીત સ્ત્રીઓની સરખામણીમાં એકલી રહેતી કે અપરિણીત સ્ત્રીઓએ ઘણા ઓછા પ્રમાણમાં જતું કરવાનો વખત આવે છે. સ્ત્રી ધારે એ રીતે પોતાની જિંદગી જીવી શકવા માટે સ્વતંત્ર હોય છે અને એ વિચાર માત્ર જ એને અન્યોથી અલગ અસ્તિત્વ આપવા પૂરતો હોય છે.
એકલતા એ દરેક વખતે અણગમાથી ભરપૂર હોતી નથી ક્યારેક એ અમુક લોકોનો જિંદગી જીવવાનો અલગ અંદાઝ પણ હોય છે. થોડી જિંદગી ગઈ અને ઘણી હજુ બાકી છે એ બોલવાના સમય પર એકલતાને ગળે વળગાડી વહાલ કરતી યુવતીઓ નિષ્ફળ નથી હોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular