ઝેર તો પીધાં છે જાણી જાણી

આમચી મુંબઈ સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણની સરવાણી -મુકેશ પંડ્યા

દેવોના ગુરુ બૃહસ્પતિ અને તેમના ગુરુ શિવ. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય અને તેમના ગુરુ પણ શિવ. જેમ કોઇ એક ઉત્પાદક કોઇ વસ્તુનું ઉત્પાદન કરે તો તેનો સારો-નરસો બન્ને પ્રકારનો ઉપયોગ કરવાવાળા હોય એમ શિવ પાસે દેવો પણ જ્ઞાન-વરદાન લે અને દૈત્યો પણ જ્ઞાન-વરદાન લે. શિવજી બન્ને પ્રકારના લોકોને જેવાં કર્મો કરવા હોય તેવા કર્મ કરવાની છૂટ આપે છે પણ અંતે સત્યનો વિજય થાય એની તકેદારી પણ રાખે. આવા શિવજીના અનેક સ્વરૂપથી આપણે ઘણું શીખી શકીએ એમ છીએ. ચાલો, ૧ ઑગસ્ટને શ્રાવણિયા સોમવારથી શરૂ થયેલી આ શ્રેણીને આગળ ધપાવીએ.
પદાર્થ પાઠ -૨
ઝેર તો પીધાં છે જાણી જાણી
ઝેર એટલે કે વિષ માત્ર એક જ જાતનું નથી હોતું. આ સ્વાર્થી દુનિયામાં માણસે ઘણી જાતના વિષ પીવા પડતા હોય છે. માત્ર ઝેરના જ નહીં, અવગુણોના, અન્યાયના, અપમાનના કે ઉપેક્ષારૂપી અનેક વિષના ઘૂંટડા આપણે પીવા પડતા હોય છે.
જોકે, ભગવાન મહાદેવનું નીલકંઠ સ્વરૂપ જોઇને તમે આ ઝેરીલી દુનિયા સામે કેવી રીતે ટકવું તેનો પદાર્થ પાઠ શીખી શકો છો. તમે જોયું હશે કે ભગવાન શંકરે કાતિલ વિષ બહાર ન ફેલાય તે માટે કંઠમાં ગ્રહણ કરી લીધું, પરંતુ વિષ તો વિષ જ હોય ને. આ વિષ પોતાને નુકસાન ન કરી બેસે એ માટે તેમણે તેને શરીરની અંદર ન ઊતારતાં ગળામાં જ અટકાવી દીધું.
બસ, આ જ કામ આપણે કરવાના છે અવગુણો રૂપી વિષને સમાજમાં પણ નથી ફેલાવવાનું અને આપણે પણ એનો ભોગ ન બની જઇએ તેની તકેદારી રાખવાની છે. કોઇ પણ પ્રકારનું
વિષ સમાજમાં ફેલાય તો આપણને જ નુકસાન થઇ શકે છે અને આપણામાં ફેલાય તો આપણી સાથે સમાજને પણ નુકસાન થઇ શકે છે. આ સંજોગોમાં તો એક જ રસ્તો છે. અવગુણોને ન બહાર ફેલાવવા ન શરીરમાં. બસ અટકાવી દેવાં. ગઇ કાલના લેખમાં આપણે જોયું કે શંકર ભગવાન કૈલાસના પણ છે અને સ્મશાનના પણ છે. દેવોના પણ છે અને દૈત્યોના પણ છે. અમીરોના પણ છે અને ગરીબોના પણ છે. તેઓ તેમના શિવ ઊર્ફે કલ્યાણકારી નામને સાર્થક કરે છે. તેઓ દરેક પ્રકારના માણસો તેમ જ સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ ઇચ્છે છે. સમુદ્રમંથન સમયે નીકળેલા અમૃત સહિત અનેક રત્નોને તેમણે બીજાના પક્ષમાં જવા દીધાં હતાં, પરંતુ ઝેર નીકળ્યું તો ફક્ત દેવો જ નહીં , દાનવો પણ તેની કુઅસરથી બચી જાય એ માટે પોતાના કંઠમાં ધારણ કરી લીધું.
આજે કોઇ મહાનુભાવોની સરકારી એજન્સીઓ દ્વારા તપાસ થાય તો તેઓ હોબાળો મચાવી મૂકે છે. તેમના અનુયાયીઓ તોફાન કરવા લાગે છે. સમાજના માલમિલકતને નુકસાન પહોંચાડવા લાગે છે. થોડો પણ અપમાન બોધ કંઠમાં સંગ્રહી નથી શકતા. આનાથી ઊલટું ૨૦૦૨ પછીના આજના વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનો કિસ્સો યાદ આવે છે. રાજ્યના મુખ્ય પ્રધાનના હોદ્દે હોવા છતાં તેમણે સરકારી એજન્સીઓ દ્વારા થતી તેમની તપાસને પૂરો સાથ આપ્યો. કલાકોના કલાક એક મુખ્ય પ્રધાનને બેસાડીને આ એજન્સીઓએ ઊંડી પૂછપરછ કરી હતી. તેમણે ક્યારેય કોઇ વિરોધ કે તોડફોડ કરીને સમાજને નુકસાન કરવાનો ઇરાદો ન રાખ્યો. તેમના અપમાન, તેમની ઉપેક્ષા, તેમને થયેલા અન્યાયના વિષ તેમણે સમાજમાં તો ન જ ફેલાવ્યા, પરંતુ તેમણે પોતાના શરીર-મન કે અંતરાત્મા પર પણ અસર ન થવા દીધી. જો તેમણે પોતાના પર એ અસર થવા દીધી હોત તો આજે આપણને આવો સુકાની ન મળત.
યસ, કોઇ પણ પ્રકારના વિષને ન સમાજમાં ફેલાવો ન ખુદમાં ફેલાવો એ બોધ આ શ્રાવણ મહિનામાં નીલકંઠ મહાદેવ પાસેથી આપણે ગ્રહણ કરી શકીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.