ફિફા વર્લ્ડ કપની મેગા ઈવેન્ટ ભલે પૂરી થઈ ગઈ હોય, પરંતુ લોકો પર ફિફાનો ફિવર હજુ શમ્યો નથી. આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની શાનદાર મેચમાં આર્જેન્ટિનાએ વિજય મેળવ્યો હતો. આર્જેન્ટિનાના મહાન ખેલાડી લિયોનેલ મેસ્સી આ રમતનો સ્ટાર બન્યો. આ વર્લ્ડ કપ જીતીને મેસ્સીએ આર્જેન્ટિનાને આર્થિક કટોકટીમાંથી ફરી ઉભરી આવવાની તક તો આપી જ છે, પરંતુ તેની અંગત બ્રાન્ડ પ્રમોશનને પણ જબરદસ્ત પ્રોત્સાહન આપ્યું છે. ભલે ભારતને ફિફા વર્લ્ડ કપ કે આર્જેન્ટિનાની ટીમ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ ‘ફૂટબોલના ભગવાન’ કહેવાતા લિયોનેલ મેસ્સી સાથે ભારતીય કંપની ટાટા મોટર્સનું ખાસ જોડાણ છે.
ટાટા મોટર્સ અને લિયોનેલ મેસ્સી વર્ષ 2016 સુધી એકબીજા સાથે જોડાયેલા હતા. વર્ષ 2016માં આ કાર સાથે ટાટા મોટર્સના બ્રાન્ડ એમ્બેસેડર રહેલા લિયોનેલ મેસ્સીનું નામ જોડાયા બાદ આ કારના વેચાણમાં જબરદસ્ત વધારો થયો હતો. જ્યારે મેસ્સી ટાટાની આ લોકપ્રિય કાર ટિયાગો સાથે સંકળાયેલો હતો, તે સમયે આ ટાટા બ્રાન્ડ ભારે મુશ્કેલીમાં હતી. તે સમયે ટાટા ટિયાગોનું નામ ઝિકા હતું. તે દરમિયાન ઝિકા વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાવા લાગ્યો. કંપનીને લાગ્યું કે તેનું નામ બદલવું જોઈએ. તે સમયે આ કારની જાહેરાત ઘણી ફેમસ થઈ રહી હતી, એમાં મેસ્સી પણ હાજર હતો. બે વર્ષ સુધી મેસ્સીએ ટાટાની ટિયાગો બ્રાન્ડને પ્રમોટ કરી હતી. જોકે, હવે તે તેની સાથે જોડાયેલો નથી, પરંતુ ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાની જીત બાદ ફરી એકવાર ટાટા સાથેના તેના કનેક્શનને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.