શિવ રહસ્ય -ભરત પટેલ
ગત સપ્તાહ સુધીનો સારાંશ: માતા અને પુત્રના ઐતિહાસિક મિલનને વધાવતાં સમગ્ર દેવગણ માતા પાર્વતી અને વિનાયકનો જયજયકાર કરવા લાગ્યા. ચોધાર આંસુએ માતા પાર્વતી ભગવાન શિવના ચરણ સ્પર્શ કરે છે અને કહે છે: ‘સ્વામિ તમે મને દંડ આપો, મેં અષ્ટભુજાધારી મહાકાયરૂપ ધારણ કરી સમગ્ર દેવગણ સમક્ષ તમારું ખૂબ અપમાન કર્યું છે, હું દંડને જ લાયક છું.’ તો ભગવાન શિવ કહે છે, ‘ઉઠો પાર્વતી, તમારો ક્ષમા માગવાની કોઈ જરૂરત નથી, તમે મારું કોઈ અપમાન કર્યું જ નથી, સૃષ્ટિની કોઈપણ માતા પોતાના પુત્રને આ અવસ્થામાં જુએ તો તે આવું જ કંઈક કરે.’ એજ સમયે વિનાયક કહે છે, ‘માતા રડો નહીં, મારા પુનર્જીવિત થવાથી અહીં સુખની અનુભૂતિ થઈ રહી છે, ક્ષમા માગવાની જરૂરત મારે છે, મારી મલબુદ્ધિએ તમારા બંને વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન કર્યું, તમે બંને મારાં માતા-પિતા છો મને માફ કરી આશીર્વાદ આપો, જેથી હું સૃષ્ટિના કલ્યાણઅર્થે યોગ્યતા પામું.’ આટલું કહી વિનાયક ભગવાન શિવ, માતા પાર્વતી, શ્રીહરિ વિષ્ણુ, માતા લક્ષ્મી, બ્રહ્માજી, માતા સરસ્વતીને વંદન કરે છે. ભગવાન શિવ તેમને વરદાન આપતા કહે છે કે, ‘હે ગિરિજાનંદન! વિઘ્નનાશના કાર્યમાં તારું નામ સૌથી શ્રેષ્ઠ હશે, તમે સંપૂર્ણ સૃષ્ટિના ગણોના અધ્યક્ષ એટલે ગણેશ કહેવાશો. ગણેશ તમે ભાદરવા માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીએ ચંદ્રમાના શુભ ઉદય થયો ત્યારે ઉત્પન્ન થયા છો એટલે એ જ દિવસથી આરંભ કરીને એ જ તિથિએ તમારું ઉત્તમ વ્રત કરવું જોઈએ, વર્ષના અંતે જ્યારે ફરીથી એ જ ચતુર્થી આવી જાય ત્યારે ત્યાં સુધી મારા કથનઅનુસાર તમારા વ્રતનું પાલન કરવું જોઈએ. જેને અનેક પ્રકારના અનુપમ સુખ અને સમૃદ્ધિની કામના હોય તેમણે ચતુર્થીના દિવસે ભાવભક્તિપૂર્વક વિધિ સહિત તમારું પૂજન કરવું જોઈએ. જ્યારે ભાદરવા માસની વદ ચોથ (એક વર્ષ બાદ) આવે ત્યારે એ દિવસે પ્રાત:કાલે સ્નાન કરી ગણેશની પૂજા અર્ચના કરનારે ચંદ્રમાનું પૂજન કરવું, ત્યારબાદ હર્ષપૂર્વક બ્રાહ્મણોની પૂજા કરીને એમને મિષ્ઠાનનું ભોજન કરાવવું, બ્રાહ્મણો જમી રહે ત્યાર પછી પોતે પણ મીઠાવગર મિષ્ઠાનનો જ પ્રસાદ ગ્રહણ કરવો, આ રીત વ્રત પૂર્ણ કરનાર પર ગણેશની અમીકૃપા હંમેશાં વરસતી રહેશે. હે ગણેશ! જે શ્રદ્ધાસહિત પોતાની શક્તિ અનુસાર નિત્ય તમારી પૂજા કરશે એના સર્વ મનોરથ સફળ થશે. મનુષ્યોએ સિંદૂર, ચંદન, ચોખા, કેતકી – પુષ્પ વગેરે અનેક ઉપચારો દ્વારા ગણેશનું પૂજન કરશે એમનાં વિઘ્નોનો સદાને માટે નાશ થઈ જશે અને એમની કાર્ય સિદ્ધિ થતી રહેશે.ત્યારબાદ શ્રીહરિ વિષ્ણુ, માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને સમસ્ત દેવગણો ગણેશને વરદાન સહિત આશીર્વાદ આપે છે.
***
ભગવાન શિવ: ગણેશનું અવતરણ સૃષ્ટિ માટે મંગલમય છે ચાલો આ મંગલમયપર્વને ઉજવીએ.
શિવગણો ઉત્સાહિત થઈ નવી નવી વાનગીઓ બનાવવા લાગ્યા. દેવતાઓની દુન્દુભીઓ વાગવા લાગી. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. દેવગણો અને ઋષિગણો પણ નૃત્ય કરવા માંડ્યા, ગંધર્વશ્રેષ્ઠ ગાન કરવા લાગ્યા અને પુષ્પોની વર્ષા થવા લાગી, કૈલાસના ઉલ્લાસમય વાતાવરણમાં ડૂબી ગયેલા ભગવાન શિવ પણ નૃત્ય કરવા માંડ્યા, ભગવાન શિવને નૃત્ય કરતા જોવાનો લ્હાવો સમગ્ર દેવગણ અને ઋષિગણને થયો અને આ રીતે ગણેશના ગણાધીશપદ થવાનો પર્વ ઉજવાયો. આખી સૃષ્ટિમાં શાંતિ સ્થાપિત થઈ અને બધાનાં દુ:ખો જતાં રહ્યાં. ભગવાન શિવ અને માતા પાર્વતીને તો વિશેષ આનંદ પ્રાપ્ત થયો અને સર્વત્ર અનેક પ્રકારનાં સુખદાયક મંગળ વરતાવા લાગ્યાં. ઘણો સમય ઉત્સવ ચાલ્યા બાદ બ્રહ્માજી, માતા સરસ્વતી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા સરસ્વતી, દેવર્ષિ નારદ સહિત દેવગણો ભગવાન શિવની આજ્ઞાથી પોતપોતાને ધામ ચાલ્યાં ગયાં. એ સમયે તેઓએ ભગવાન શિવની સ્તુતિ કરીને ગણેશ અને માતા પાર્વતીને વારંવાર પ્રશંસા કરી રહ્યા હતા. પોતપોતાને ધામ જતા જતા તેઓ એ અદ્ભુત યુદ્ધને સંભારી રહ્યા હતા કે કોઈપણ યુદ્ધનો આટલો સુખદ અંત ક્યારેય જોયો નથી. તે સમયે દેવર્ષિ નારદે કહ્યું હતું કે જે મનુષ્ય જિતેન્દ્રિય થઈને આ પરમ માંગલિક આખ્યાનનું શ્રવણ કરે છે, તે સંપૂર્ણ મંગલોનો ભાગી બને છે અને મંગલભવન થઈ જાય છે, આના શ્રવણથી પુત્રહીનને પુત્રની, નિર્ધનને ધનની અને ભાયાર્થીને ભાર્યાની, પ્રજાર્થીને પ્રજાની, રોગીને આરોગ્યની અને અભાગાના સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
જે સ્ત્રીના પુત્ર અને ધન નષ્ટ થઇ ગયા હોય અને પતિ પરદેશ ચાલ્યો ગયો હોય, એને પતિ પાછો મળી જાય છે. જે શોકસાગરમાં ડૂબેલો હોય તે આના શ્રવણથી નિ:સંદેહ શોકરહિત થઈ જાય . આ ગણેશ ચરિત્રસંબંધી ગ્રંથ જેના ઘરમાં સદા વર્તમાન રહે છે, તે મંગલ સંપન્ન થઈ જાય છે – એમાં લેશમાત્ર પણ સંશયની સંભાવના નથી, જે યાત્ર્ાાના અવસરે અથવા કોઈ પુણ્યપર્વ પર આને મન લગાડીને સાંભળે છે તે શ્રીગણેશજીની કૃપાથી સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી લે છે.
***
સમગ્ર સૃષ્ટિ પર મંગળ વરતાયા બાદ દરેક દેવગણ પોતપોતાના લોકમાં પોતાના કાર્યમાં વ્યસ્ત હતાં. દેવરાજ ઈન્દ્ર પોતાની સભામાં કાર્યરત હતા ત્યારે ત્યાં ગંધર્વોના રાજા ક્રોંચ ત્યાં તેમના અન્ય ગંધર્વશ્રેષ્ઠો સાથે પધારે છે.
ક્રોંચ: ‘દેવગણોના રાજા ઇન્દ્રને અમારા પ્રણામ, અમે તમને એક નવી જ સંગીતની ધૂન સંભળાવવા આવ્યા છીએ? શું તમે અમને એનો મોકો આપશો?’
સ્વર્ગલોક પર દેવરાજ ઈન્દ્ર અને દેવગણોમાં આનંદનું વાતાવરણ ફેલાઈ જાય છે. ગંધર્વોના રાજા ક્રોંચ અને તેમના ગંધર્વશ્રેષ્ઠો પોતાના સંગીતની ધૂનનો જાદૂ પાથરે છે, સ્વર્ગની અપ્સરાઓ પણ નૃત્ય કરતી હોય છે એ જ સમયે ઋષિશ્રેષ્ઠ બામદેવ ત્યાં પધારે છે. થોડો સમય તેઓ રોકાય છે અને દેવરાજને કહે છે. ‘દેવરાજ ઈન્દ્ર આજની સભા…’ પણ ગંધર્વ રાજા ક્રોંચના સંગીતમાં ઋષિશ્રેષ્ઠ બામદેવનું કોઈ સાંભળતું નથી. છેવટે ક્રોધિત થઈ બામદેવ કહે છે:
બામદેવ: ‘ક્રોંચ તમે તમારુ સંગીત રોકી દો, મારે દેવરાજ ઇન્દ્રને કંઈક કહેવું છે.’
ક્રોંચ: ‘ક્ષમા કરો બામદેવ, પરંતુ ગંધર્વોના રાજા ક્રોંચના સંગીતને સાંભળવા કરતાં અન્ય કંઈ સાંભળવાનું આવશ્યક હોય ખરું?’
આટલું કહી ક્રોંચ ફરી પોતાના સંગીતની ધૂન પીરસવા માંડ્યા. બામદેવ ફરી તેમને રોકવાનો પ્રયાસ કરે છે પણ ક્રોંચ સાંભળતા જ નથી અને પોતાની ધૂન ચાલુ રાખે છે. છેલ્લે….
બામદેવ: ‘ગંધર્વરાજ ક્રોંચ…..મારા આગ્રહને નહીં સ્વીકારવાનું દુ:સાહસ તમે કર્યું છે, જાઓ હું તમને શ્રાપ આપું છું કે તમે મૂષક બની જાઓ.’
એજ ક્ષણે ગંધર્વરાજ ક્રોંચ મૂષક બની જાય છે અને તેઓ સ્વર્ગમાં અહીં તહીં દોડાદોડ કરે છે, મૂષક અહીં તહીં દોડી રહેલો જોઈ દેવતાઓ પણ ત્યાંથી ચાલ્યા જાય છે.
***
સામે દક્ષિણ ક્ષેત્રમાં ગયેલા કુમાર કાર્તિકેયને કૈલાસ પર પૂર્ણ થઈ ગયેલા ઉત્સવની જાણ થાય છે, તેઓ દુ:ખી થાય છે. તેજ સમયે ત્યાં દેવી મીનાક્ષી પધારે છે.
દેવી મીનાક્ષી: ‘સેનાપતિ મુરુગન શું વિચારી રહ્યા છો.’
કુમાર કાર્તિકેય: ‘હવે મને લાગે છે કે મારો ભાઈ કૈલાસ પર આવી ગયો હોવાથી મને કોઈ યાદ નહીં કરે, હવે મારી તેમને જરૂરત નથી.’
દેવી મીનાક્ષી: ‘નહીં, સેનાપતિ મુરુગન આવું ના વિચારો, માતા-પિતા પોતાનાં સંતાનોને સરખો જ પ્રેમ કરતા હોય છે.’
કુમાર કાર્તિકેય: ‘જો એવું હોત તો મારા માતા કે પિતા મને કૈલાસ પર થયેલા ઉત્સવમાં સામેલ થવા આમંત્રણ આપત.’
દેવી મિનાક્ષી: ‘પુત્રને પોતાના ઘરે જવા માટે કોઈ આમંત્રણ આવશ્યક હોતું નથી.’
કુમાર કાર્તિકેય: ‘નહીં દેવી, હવે કૈલાસ પર મારી કોઈ જરૂરત નથી.’
દેવી મીનાક્ષી: ‘જો તમને એવું લાગતું હોય તો તમારે પોતે છુપાઈને કૈલાસ જવું જોઈએ અને જોવું જોઈએ કે તમારી માતા તમને પ્રેમ કરે છે કે નહીં.’
દેવી મીનાક્ષીની વાતમાં સચ્ચાઈ જણાતાં કુમાર કાર્તિકેય છુપાતાં છુપાતાં કૈલાસ પહોંચે છે. (ક્રમશ:)