તમે માની નહીં શકો

ઉત્સવ

આજે આટલું જ -શોભિત દેસાઈ

અસલની ખાનદાની હોય છે એ જાત ચાલે છે
પટોળે જે પડી એવી ને એવી ભાત ચાલે છે
તમે માની નહીં શકો કે આ એક એવો સમાજ છે જે આજે ૧૪ ઑગસ્ટ ૨૦૨૨ની તારીખે પણ electricity નથી વાપરતો; સ્વયમ્ સર્જીત, પવન ચક્કીઓથી ઉત્પાદિત વીજળી સિવાય.
તમે એ ય માની નહીં શકો કે હજી આજે ય અહીંયા સ્માર્ટફોન વાપરવા ઉપર પ્રતિબંધ છે. ફકત જૂના, નોકિયા પ્રકારના, વાતચીત અને sms  ની લેવડદેવડ થઇ શકે એવા જ ફોન અહીંયા ઉપયોગમાં લેવાય છે. કારણ? અહીં ઇન્ટરનેટ અને અન્ય અત્યાધુનિક કે આધુનિક તકનકી ઉપકરણો ઉપર પ્રતિબંધ છે.
હવે જ્યારે મેં તમારું સમગ્ર ધ્યાન મારા બે-ત્રણ વાકયોથી ખેંચી લીધું છે તો તમને જણાવું કે આ ‘અહીં’ ક્યા છે…. એ છે અમેરિકાના પેન્સિલવેનિયામાં, ફિલાડેલ્ફીયાથી ૬૫-૭૦ માઇલ દૂર આવેલી આમિશ (Amish) લોકોની વસાહત, લેન્કેસ્ટર કાઉન્ટી, રેડ રોઝ સિટી, લગભગ ૭-૮ માઇલમાં પથરાયેલી અલ્ટ્રામોડર્ન સાધનો અને ઉપકરણોથી સજ્જ. તમે આ જગ્યાની મુલાકાત લો તો તમે એક સવાલ તો તમને પોતાને કરો જ; કોણ વધુ સુખી અને સમૃદ્ધ? તમે? કે અદ્યતનતાથી ઓછામાં ઓછી એક સદી દૂર એવા આ આમિશ લોકો?!
આમિશ પ્રજાએ જરૂરથી નિદા ફાઝલીનો આ શેર સાંભળ્યો હોવો જોઇએ, અથવા આમિશ ૩૦૦ વર્ષ જૂના છે અમેરિકામાં, એટલે નિદાએ આમિશ જીવનથી પ્રેરાઇને લખ્યો હોવો જોઇએ.
બચ્ચોં કે નન્હે હાથોં કો ચાંદ સિતારે છૂને દો
ચાર કિતાબે પઢકર વો ભી હમ જૈસે હો જાયેંગે
આમિશ સ્કૂલ હોય છે માત્ર એક જ કમરાની, આપણી સ્કૂલના કમરા કરતાં કદાચ થોડા મોટા કમરાની. અહીં માત્ર ૮માં ધોરણ સુધી જ ભણાવવામાં આવે છે અને ભાષાઓ, ભૂગોળ, અમેરિકન ઇતિહાસ અને માત્ર અંકગણિત… ફકત આટલા જ વિષયો. Algebra, Geometry, Physics, Chemistry અને વિદ્યાર્થી જીવનનાં અત્યંત દુ:ખદાયક અન્ય વિષયોની સમુળગી, સંદતર અને સંપૂર્ણ બાદબાકી. પરસન્ટેજ લાવવાના મોહમાં કરાતી બાળપણની કત્લેઆમની સાવ બાદબાકી. સંતાનોના ભણતરના સંદર્ભે કારણ વગરના ભારણ સાથે જીવતી માતાઓના નિરર્થક બોજાની છેક બાદબાકી. આ તો થઇ માત્ર આમિશ… પ્રજાના માત્ર ભણતરની માત્ર થોડી વાત. હજી તો કેટલી બધી વાત કરવાની છે તમારી સાથે, આપણા મતે આ સાવ જૂના સમયમાં જીવતી જુનવાણી પ્રજાની. આવતા રવિવારના લેખનું કોયડાજનક ટ્રેલર આપું તો તમને શેમાં જીવવું ગમે? અમેરિકા એટલે જ મહાન દેશ છે. ઇલેક્ટ્રિક ટેસ્લા અને ઘોડાગાડી, બગ્ગીઓ અહીં સાથે જીવે છે.
જળપરી બહાનું છે
મોતી શોધવાનું છે
વૃક્ષ એક કપાયું ’તું
જયાં આ કારખાનું છે
આજે આટલું જ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.