ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ કન્ઝ્યુમર કોર્ટે એક અતિ મહત્વના ચૂકાદામાં ઈન્સ્યોરન્સ કંપનીને કાર ડેમેજ માટે વળતર આપવાનો આદેશ આપ્યો હતો. કારચાલક પાસે લર્નર લાયસન્સ હોવાનું કારણ આપી કંપની વળતર નકારતી હતી, પરંતુ કોર્ટે તેમની દલીલ માન્ય રાખી ન હતી. કોર્ટે નોંધ્યું હતું કે લર્નર લાયસન્સ પણ અધિકૃત ડ્રાઈવિંગ લાયસન્સ છે અને આવું ગેરવ્યાજબી કારણ આપી વળતરની ના પાડી શકાય નહીં. તેમણે કંપનીને પોલીસીધારકને હેરાન કરવામાં આવ્યા હોવાથી રૂ. 30,000 વધારે ચૂકવવા પણ જણાવ્યું હતું. ગાંધીનગરમાં રહેતા એક વ્યક્તિની કારને બસે ટક્કર મારતા તેની કારને નુકસાન ગયું હતું અને તે ચલાવવાને લાયક રહી ન હતી. આ સાથે કારચાલકને બ્રેઈન હેમરેજ થયું હતુ અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમના પુત્રએ ઈન્સ્યોરન્સ કંપનીને આ અંગે જાણ કરી હતી અને પછીથી વળતર માટે દાવો કર્યો હતો. કારચાલક પાસે તે સમયે લર્નર લાયસન્સ હોવાથી તે ઈન્સ્યોરન્સના વળતરને પાત્ર નથી તેમ કહી કંપનીને વળતર આપવાની ના પાડી હતી. કન્ઝ્યુમર કોર્ટે કંપનીની આ દલીલને ફગાવી હતી અને પોલીસીધારકને વળતર અને દંડપેટે નાણાં ચૂકવવા કંપનીને આદેશ આપ્યો હતો