સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા
તમે ક્યારેય કોઈનાથી નારાજ થયા છો? બીજા કોઈની નારાજગીની તમારા પર અસર થાય છે? ગમતા પાત્રના નારાજ થવાથી તમને ફેર પડે છે? તમે કોઈનાથી એટલી હદે તો નારાજ નથી થયા ને કે કોઈ તમને મનાવવાનું જ છોડી દે?
આપણા બધાની લાઈફમાં એવું સ્ટેજ ચોક્કસ આવે છે જ્યાં કોઈક આપણાથી નારાજ થયું હોય અથવા તો આપણે કોઈનાથી નારાજ થયા હોઈએ. ઘણીવાર તો આપણે કોઈનાથી નારાજ છીએ એ પણ સામેવાળું જ જાણી લે એવો આગ્રહ રાખીએ છીએ. એમપણ પ્રિયપાત્રથી નારાજ થવાની મજા જ જુદી હોય છે. એમ કરવાથી એ આપણને મનાવશે, ફોસલાવશે, આપણી આગળ પાછળ આંટાફેરા માર્યા કરશે એમ વિચારીએ છીએ. એમ કરીને ફાઈનલી એ આપણને મનાવી જ લેશે એવું વિચારીને કલ્પનાના ઘોડા પુરજોશમાં દોડતા હોય છે.
પણ શું વાસ્તવમાં નારાજગી જતાવવાની પણ સીમા તો હોતી હશે ને? મતલબ કે ક્યા, કેટલું, કોની સામે અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ કેટલાં સમય સુધી નારાજ રહેવું એમાં પરફેક્ટ હોવું જરૂરી છે. બાકી બંને સાઈડથી ખેંચ્યા કરીએ તો એકાદ બાજુથી છટકે પણ ખરું. આ નિયમને સાતેય કોઠે ઉતાર્યા પછી જ કોઈનાથી રૂઠવાની શરૂઆત કરાય. બીજું એ કે જેનાથી આપણે નારાજ થઈએ છીએ એ વ્યક્તિ મનાવી શકવા સક્ષમ છે કે કેમ એ પણ અહીં તપાસી લેવું. કારણ કે ઘણીવાર સામેવાળું પાત્ર આપણી નારાજગી જોઈ જ ન શકતું હોય એમ પણ બને. અથવા તો જોઈ શકે એમ હોય તો એને મનાવતા જ ન આવડતું હોય એવું પણ હોય.
એક કપલમાં ભાઈ હતા એ સહેજ બોલકણાં હતા. અને બહેન સ્ત્રી સહજ સ્વભાવથી થોડાં વિરુદ્ધ કહી શકાય એવાં શાંત હતાં. એમના પતિનો મજાકિયો સ્વભાવ હતો અને એમના પત્ની ભલીભાંતી એના સ્વભાવથી પરિચિત હતા. થયું એવું કે એમની મિત્ર એકવાર કહે કે, ‘યાર તને તારો પતિ કેવું કેવું કહી જાય છે. તોય તું હસતાં મોંએ સાંભળી લે છે. તને એની કોઈ વાતનું દુ:ખ નથી લાગતું?’ બહેને બહુ સુંદર જવાબ આપ્યો. કહ્યું કે ‘દુ:ખ ત્યારે લાગે જ્યારે એ નારાજ કરે એવું વર્તન કરે ને પછી મનાવતા ન આવડે. વળી બોલ્યા પછી મનાવવાની જુદી જુદી ટેકનિક પણ છે એમની પાસે એટલે આ વખતે કંઈ ટેકનિક અજમાવશે એ જોવા માટે થઈને પણ ક્યારેક હું નારાજ હોવાનો દેખાવ કરું છું.’
કેટલીક વાર તો આપણે જે નાની નાની બાબતોમાં નારાજ થઈએ છીએ એવી બાબતો તો એમના ચેકલિસ્ટમાં દૂર દૂર સુધીય ન હોય. જેમ કે આપણા મેસેજનો રીપ્લાય ન કરવો, જોઈને જ ઇગ્નોર કરવું, બ્લુ ટિક ન થવી ને ઓનલાઈન હોવું, કોઈ મહત્ત્વની તારીખો ભૂલી જવી વગેરે બાબતો કોઈ એક પક્ષ માટે ક્ષુલ્લક હોય, પણ બીજી બાજુ એને મહત્ત્વ અપાતું હોય ત્યારે એક વ્યક્તિ પોતાની અનહદ ગમતી વ્યક્તિથી નારાજ થાય છે, પણ સામેવાળી વ્યક્તિ એ જોઈ શકતી નથી. હવે આ ટાઈપના કેસમાં તો બતાવવું પડે છે કે, ‘યાર હું તો તારા આ વર્તનથી નારાજ છું.’ ત્યારે પેલા/પેલીને ખબર પડે છે. ખરી તકલીફ અહીં શરૂ થાય છે. કારણ કે નહિ જેવી વાતમાં નારાજ થયેલ આપણી જ ગમતી વ્યક્તિને મનાવવું એ તો આપણી ધીરજની કસોટી છે. આંસુઓથી, શબ્દોથી, સ્પર્શથી કે પછી મૌનથી મનાવવું એ પરિસ્થિતિ જોઇને નક્કી થાય છે.
ઘણાં એમ પણ કહેતા હોય છે કે કોઈના નારાજ થવાથી આપણને તો કાંઈ ફેર ન પડે. બની શકે કે દરેકની નારાજગીની અસર આપણા પર ન થાય, પરંતુ જે આપણી ખૂબ નજીક છે અથવા તો જેની નજીક આપણે છીએ એવા વ્યક્તિના રીસાવાથી આપણને ચોક્કસ ફેર પડે છે અને પડવો જ જોઈએ. જો એમ ન થતું હોય તો આપણે લાગણીશીલ પ્રાણીમાં આવીએ છીએ કે કેમ એ તપાસી લેવું. એ રૂઠે ને આપણે ડિસ્ટર્બ થઈએ, એ વ્યગ્ર હોય ને આપણે ચિંતિત રહીએ, એ નારાજ હોય ને આપણે એની ઉપાધિ કર્યા કરીએ, એ રુડલી બીહેવ કરે ને આપણે કારણ જાણવા મથીએ એ તો બે વ્યક્તિ વચ્ચેના સ્નેહનો સેતુ છે. મતલબ અહીં ફર્ક તો પડે છે. કોઈ ખાસના નારાજ થવાથી, જે આપણા છે એના રૂઠવાથી, એના આપણાથી અંતર બનાવવાથી પણ ફર્ક તો પડે જ છે. કારણ કે દરેકના ભાગ્યમાં નારાજ થઈ શકે એવું અપ્રતિમ સાંનિધ્ય સાંપડી શકતું નથી. એટલે અહીં ભલે મનાવતા ન આવડતું હોય કે મનાવવું ગમતું ન હોય, પણ તોય આપણે પોતે નસીબદાર છીએ કે આપણા વર્તનની અસર એના પર થાય છે એવું માનીને એની ખુશી માટે પણ એને મનાવવાનો પ્રયાસ તો કરવો જ જોઈએ.
નવા નવા મિત્રો બનેલી બે વ્યક્તિ વચ્ચે ખૂબ વાતો થતી. દિવસે અને સમય મળે તો રાત્રે પણ ચેટ કરતા. એકબીજા માટે ફર્સ્ટ પ્રાયોરિટી તેઓ જ છે એવું માની લીધેલો. થોડાં સમય બાદ છોકરાએ વાત કરવાનું ઓછું કરી નાખ્યું. કેટલાંક સમય બાદ સાવ નહિવત થઈ ગયું. અચાનક એક દિવસ છોકરાએ એની મિત્રને પૂછ્યું કે, ‘તને મારા આવા વર્તનથી કોઈ ફેર ન પડ્યો? વાત ન થવાથી તું મારાથી નારાજ ન થઈ?’ છોકરીએ જવાબ આપ્યો કે, ‘અરે, એમાં શું થયું? મને એમ કે તું કામમાં હોઈશ, ફ્રી પડીશ એટલે ફરી વાતો કરીશું’. એની મિત્રનો આવો જવાબ સાંભળીને એ છોકરો પોતાની મિત્રતા પર ગર્વ અનુભવી રહ્યો હતો.
ખરેખર નસીબદાર હોય છે એવા લોકો કે જેની પાસે આવાં પાત્રો હોય છે. એને સાથ, સંભાળ અને સહકાર અને સ્નેહ આપવો એ આપણી ફરજ જ નહીં પણ અનિવાર્યતા બની જાય છે. આવી વ્યક્તિનું જતન કરીને હૃદયના ઝરૂખે કાયમ મઢી લેવા જોઈએ. જેનો સાથ પામીને પોતાની જાતને ધન્ય ગણવી જોઈએ.
પ્રેક્ટિકલ લોકોના ઝુંડ વચ્ચે સાહજિક અને સરળ તથા એકાદ આંગળીના વેઢે ગણી શકાય એવા અતિપ્રિય લોકોને નારાજ કરવા જેવું વર્તન જ આપણાથી કેમ થઈ શકે? અને થાય તો પણ એને મનાવીને ફરી ‘જૈસે થે’ માં આવી જ શકાય ને…
અહીં એ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈનાથી એટલી હદે પણ ન રિસાઈ જવું કે સામેવાળો માણસ મનાવવાનું જ છોડી દે. એ હદે પણ ન અકળાઈ જવું કે અન્ય કોઈ આપણાથી ગૂંગળામણ અનુભવવા લાગે. એ હદે પણ ન રૂઠવું કે કોઈ આપણી નારાજગીથી જ ચિડાઈને દૂર ભાગી જાય. એટલે આપણે નારાજ હોઈએ કે નાખુશ, વ્યક્ત થવાનું બંધ ન થવું જોઈએ. ખુશી હોય કે પ્રેમ કે પછી નારાજગી… યોગ્ય સમયે વ્યક્ત કરતા શીખી જઈએ તો ક્યાંય અટવાતા નથી.
કલાઈમેક્સ: મને ખબર છે, મનાવવાની તમામ હદો પાર કર્યા પછી પણ તને ન મનાવી શકી અને એટલે જ તે કોઈનાથી રિસાવાનું છોડી દીધું…!