સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા
તમને ક્યારેય એવું થયું કે તમે અન્ય લોકોથી અલગ છો? તમે બીજા કરતાં ઘણાં સારા છો અને આનો લોકો ફાયદો ઉઠાવે છે એવું લાગે છે? જો હા, તો ‘મારે પણ દુનિયા જેવું થઈ જવું છે’ એવો વિચાર આવે છે?
આપણી સાથે જ્યારે બધું સારું થઈ રહ્યું હોય ત્યારે આપણી સાથે જોડાયેલા દરેક લોકો આપણને સારા લાગતા હોય છે. આપણે જો અન્ય લોકો સાથે કાયમ સારું વર્તન કરતાં હોય એટલે બીજા પણ આપણી સાથે આપણને ગમતું વર્તન કરશે એવી આશા પણ રાખતાં હોઈએ છીએ, પરંતુ હંમેશાં આવું થતું નથી. ક્યાંકને ક્યાંક આપણી અંદરની અચ્છાઈનો ગેરલાભ ઉઠાવનાર મળી જ જતું હોય છે. આપણામાં રહેલી પોઝિટિવ સાઈડને મૂર્ખનું લેબલ આપી, આપણો જ ઉપયોગ કરી, આપણી પીઠ પાછળ નકારાત્મક ટિપ્પણીઓ થઈ હોય છે. એ સમયે કેટલીક ક્ષણો માટે એમ થાય કે યાર હું શું કામ આવો/આવી છું? શા માટે હું દુનિયા જેવો/જેવી નથી બની શકતો/શકતી?
કેટલીક વાર તો સાવ નજીકની વ્યક્તિ સાથેનો એકાદ અનુભવ પોતાની જાત પ્રત્યે નફરત જન્માવી શકે એવો હોય છે. આપણા સંપૂર્ણ વ્યક્તિત્વને ધરમૂળથી બદલી શકવા સક્ષમ હોય છે. આપણાં સારાપણાનો ફાયદો ઉઠાવી જનાર કે લાગણીઓ સાથે રમત રમી જનારને જોઈને એમ થઈ આવે કે, ‘સારું છે કે હું અન્યો જેવો/જેવી નથી, મારામાં લાગણીનો ધોધ વહે છે જે બીજામાં નથી.’
સૌથી બુદ્ધિશાળી પ્રાણી હોવા છતાંય કેટલાંક સંબંધોમાં ગોથું ખવાઈ જાય છે. માણસ ઓળખવામાં થાપ ખાઈ જતાં આપણામાં રહેલી સારપ આપણને જ સામાં સવાલ કરતી હોય એવું લાગે છે. ‘એની જરૂરિયાતના સમયે હું કાયમ પડખે ઊભો રહ્યો પણ મારી જરૂરિયાતે એ ક્યાં?’, ‘એની ગેરહાજરીમાં હસતાં મોંએ એનું કામ કરી નાખ્યું, મારે રજાની જરૂર છે તો એણે મને પૂછ્યું પણ નહીં’, ‘જ્યારે માંગ્યા ત્યારે રૂપિયા આપ્યા, આજે મારો ફોન પણ રિસીવ થતો નથી’, ‘પડોશીની તકલીફ વખતે કાયમ ટિફિન પહોચાડ્યું, હવે મારે એની જરૂર પડી તો એણે પૂછ્યું પણ નહીં?’, ‘અડધી રાતે ઉઠીને પતિના પગ દબાવતી, આજે મારે દવાની ગોળી માટે પણ એમને વારંવાર કહેવું પડે છે’. ગણવા બેસીએ તો યાદી પણ ટૂંકી પડે. આપણી ભલમનસાઈનો પળેપળે ભોગ લેવાઈ રહ્યો હોય એવું લાગે. પગને ઠેસ વાગે ને મગજ સુધી સંદેશો ક્ષણવારમાં મળી જાય એમ હૃદયને વાગેલા ઘા સમગ્ર શરીરને પોતાનામાં જકડીને રાખે છે. કોઈની ભલાઈ માટે કરેલું કામ સાવ ફોગટ જતું દેખાઈ ત્યારે ગુસ્સો નહિ પણ અફસોસ થાય છે.
કોલેજમાં એક વિદ્યાર્થી લાસ્ટ સેમેસ્ટરની ફી ભરી શકે એમ નહોતો. વર્ષ ન બગડે એવું વિચારીને સ્ટાફમાંના એક મેડમે સ્થિતિ જાણીને એ વિદ્યાર્થીની ફી ભરી આપી. ‘સગવડતાએ પૈસા પાછા આપી દઈશ’ એમ કહી એ વિદ્યાર્થીએ મેડમનો આભાર માન્યો. પરીક્ષાઓ આવી ગઈ. પરીક્ષામાં એ વિદ્યાર્થી ન દેખાયો. એકપણ દિવસ એ પરીક્ષામાં હાજર ન રહ્યો એટલે એનું વર્ષ તો હવે બગડવાનું જ હતું. પોતે કરેલી મદદ વ્યર્થ ગઈ એમ જાણીને જેટલું દુ:ખ થયું એના કરતાં પણ વધારે દુ:ખ સ્ટાફના અન્ય લોકોએ મેડમે કરેલી મદદની મજાક ઉડાવી એનું થયું.
આપણી તકલીફ એ છે કે આપણે બીજાને પણ આપણાં જેવા જ માની લેતાં હોઈએ છીએ. એ વાત ભૂલી જઈએ છીએ કે અહીં મહોરું પહેરીને ફરનાર લોકોનો જોટો જડે એમ નથી. કાયમ એકધારા રહેતાં લોકો જીવનમાં ઓછા જોવા મળશે. જેવો કડવો અનુભવ થાય કે તરત જ બધા ખરાબ છે એવું માનવા લાગીએ છીએ. ‘બધા મારો ઉપયોગ જ કરે છે’, ‘કોઈ ભરોસાને લાયક નથી’, ‘આ દુનિયા સાવ વાહિયાત છે’, ‘મારી લાગણીનો ઉપયોગ કરી જાય છે’, ‘મારા “ના ન કહી શકવાના સ્વભાવનો ગેરલાભ ઘર અને ઓફિસમાં કાયમ લેવાય છે’, ’લાગણીશીલ લોકો માટે આ દુનિયા છે જ નહીં, અહીં પ્રેક્ટિકલ લોકોનું રાજ ચાલે છે’ વગેરે પ્રકારના વિચારો આવવા સહજ છે.
ક્યારેક તો આપણા વખાણ કરીને પણ કામ કાઢી લેવાતું હોય છે. ‘અરે તમે તો આ કામ ખૂબ સરસ રીતે કરવા સક્ષમ છો’, ‘તમારા વિશે જ વિચાર કરતો ત્યાં તમારો ફોન આવ્યો’, ‘તારા સિવાય કોઈનાથી આ પ્રોજેકટ પૂરો થઈ જ ન શકે’, ‘મને વિશ્ર્વાસ છે કે તું આ કામ નિર્ધારિત સમયમાં પૂરું કરી જ લઈશ’, ‘વ્યવહારો સાચવવામાં તને કોઈ ન આંબી શકે’ આ પ્રકારે મીઠું મરચું ભભરાવીને એવી રીતે વાત કરે કે આપણે એની વાતમાં આવી જઈએ. તરત પછી દુરુપયોગ કરવાનું ચાલુ થાય.
એક કંપનીમાં છોકરો અને છોકરી સાથે કામ કરતા. છોકરીના સ્વભાવ મુજબ એ કોઈને ‘ના’ ન કહી શકે. કોઈપણ સમયે ફિલ્ડવર્કમાં જવાનું થાય તો પણ એ તૈયાર હોય. આ વાતની ખબર પેલા છોકરાંને પડતાં એની સાથે દોસ્તીનું નાટક કર્યું. જરૂર પડ્યે અલગ અલગ બહાનાઓ કાઢી પોતાનું કામ એ છોકરી પાસે કરાવવા લાગ્યો. છોકરીને એમ હતું કે એ ભાઈ કોઈ મુશ્કેલીમાં હશે. અને ક્લીગ્સ હોવાના નાતે એકબીજાની મદદ કરવી એ આપણી ફરજ છે એમ માની છોકરાના ભાગનું કામ પણ એ કરી લેતી. આવું થોડો સમય ચાલ્યું. એક દિવસ બોસની ચેમ્બરમાં નેક્સ્ટ પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન આપવાની વાત થઈ. એમાં પેલાં છોકરાને એના કામના ધોરણે પસંદ કરવામાં આવ્યો. પણ હકીકતમાં એ કામ એણે એની મિત્ર એટલે કે છોકરી પાસે કરાવ્યું હતું એનું નામ પણ ત્યાં લીધું નહિ. આ વાતની અસર છોકરીના મન પર એટલી બધી થઈ કે એણે અન્યને મદદ કરવાનું કાયમ માટે છોડી દેવાનું વિચાર્યું. પણ એવું કરવા જતાં આપણામાં ને એનામાં શું ફેર’ આવું વિચારીને પોતાનો મૂળ સ્વભાવ જાળવી રાખ્યો. આવું જીવનમાં આપણી સાથે ક્યાંકને ક્યાંક તો બનતું હોય છે. એ સમયે આપણને આપણા સ્વભાવ, આપણી સારપ, અમુક નિર્ણયો ઉપર પછતાવો થાય છે. આપણે કેમ માસ જેવા પ્રેક્ટિકલ નથી બની શકતાં એવો સવાલ થયા કરે છે. ઈમોશનલ હોવું એ સમયે અવગુણ લાગવા માંડે છે અને બીજા જેવા થઈ જવાની ઈચ્છા થાય છે. પણ હકીકતમાં એવું થઇ શકતું નથી. માણસ ગમે એટલું ઈચ્છે, પોતાનો સ્વભાવ છોડી શકતો નથી. ટેમ્પરરી બદલાઈ શકે, પણ કાયમ માટે આપણા ગુણો કે અવગુણોને છોડી શકાતાં નથી. આપણામાં જેટલી વધુ સંવેદના હોય એટલી જ વધુ તકલીફ પડતી હોય છે. એટલે તકલીફ આપે એવી યાદોને યાદ કરવા કરતાં આપણા સંવેદના સભર સ્વભાવના જમા પાસાને વાગોળવાથી અન્યો કરતાં આપણે એક કદમ ચડિયાતા છીએ એવો એહસાસ લઇ શકાય છે. જીવનમાં ચિત્ર વિચિત્ર લોકો ક્યાંક ને ક્યાંક મળશે જ. પણ એની સાથેના એકાદ બે ખરાબ અનુભવોને ભૂલીને આપણે એમાંથી શું શીખ્યા એ મહત્ત્વનું બની રહે છે.
ક્લાઈમેક્સ: માણસને બે વિભાગમાં વહેંચી શકાય. કાં તો ઇમોશનલ માણસ અને કાં તો પ્રેક્ટિકલ માણસ. જો દુનિયાને લાગે કે આપણે ખુશ છીએ મતલબ આપણે પ્રેક્ટિકલ છીએ. પણ જો આપણને ખુદને લાગે કે આપણે ખરેખર ખુશ છીએ મતલબ આપણે ઈમોશનલ છીએ..!