Varanasi: CM યોગી આદિત્યનાથ બે દિવસ માટે વારાણસીના પ્રવાસ માટે ગયાં હતાં ત્યારે આજે તેઓ લખનઉ માટે રવાના થયા ત્યારે તેમના હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો હતો, પરિણામે ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાની ખબર સામે આવી રહી છે.
મળતી માહિતી અનુસાર હેલિકોપ્ટરના ટેકઓફ બાદ એક પક્ષી હેલિકોપ્ટરથી અથડાયું હોવાથી તાત્કાલિક ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ચુસ્ત સુરક્ષા વચ્ચે મુખ્ય પ્રધાનને પરત સર્કીટ હાઉસ લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ સર્કિટ હાઉસથી રોડ માર્ગે બાબતપુર એરપોર્ટ જવા રવાના થયા હતા.
વારાણસીના જિલ્લાધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાનનું હેલિકોપ્ટર ટેક ઓફ થયા બાદ એક પક્ષી અથડાતા તાત્કાલિક લેન્ડ કરવાની નોબત આવી હતી. મુખ્ય પ્રધાન હવે રાજ્યના વિમાન દ્વારા લખનૌ જવા રવાના થશે. યોગી શનિવારે તેમના બે દિવસના પ્રવાસ પર વારાણસી પહોંચ્યા હતા અને સાંજે તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી હતી. આ પહેલા મુખ્ય પ્રધાને સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે વિકાસના કાર્યોની સમીક્ષા અંગે બેઠક પણ યોજી હતી. આ પછી સીએમ યોગી રાત્રે કાલ ભૈરવ અને બાબા દરબારના દર્શન કરવા પણ ગયા હતા.