યોગબદરી અને માર્કંડેયપ્રયાગ

ધર્મતેજ

સપ્ત બદરી, સપ્ત પ્રયાગ

જીવનનું અમૃત -ભાણદેવ

બદરીનાથથી નીકળીને હવે અમે દ્વિતીય બદરી-યોગબદરી તરફ ગતિ કરી રહ્યાં છે. આ યોગબદરી સપ્તબદરીમાંનું એક બદરી મંદિર છે. યોગબદરીનું મંદિર કયા છે? આ યોગબદરીનું મંદિર પાંડુકેશ્ર્વરમાં છે.
બદરીનાથથી નીકળીને અને દેવદર્શની અને હનુમાનચટ્ટી થઇને પાંડુકેશ્ર્વર તરફ આગળ વધી રહ્યાં છીએ. અમે હનુમાનચટ્ટી પહોંચ્યા. અહીં હનુમાનચટ્ટીમાં તો થોડીવાર રોકાઇને દાદાનાં દર્શન કરવાં જ જોઇએ ને! હનુમાનજી મહારાજ આ વિસ્તારના રક્ષક દેવ છે. અમે પણ મોટર ઊભી રખાવીને નીચે ઊતર્યા. હનુમાનજી મહારાજના દર્શન અને પ્રસાદ પામ્યા. અહીંથી બદરીનાથ જતી વખતે રાત થઇ ગઇ હતી, અંધારું થઇ ગયું હતું અને ઠંડી પણ ખૂબ હતી, એટલે જતી વખતે અમે અહીં નિરાંતે રોકાઇ શકયા નહીં, પરંતુ આ વખતે, અર્થાત્ બદરીનાથથી વળતાં હવે ઉતાવળ નથી. સવારનો સમય છે, ખુશનુમા વાતાવરણ છે, તેથી અમે નિરાંતે રોકાઇ શક્યા.
પૂજારીજીએ અમને દર્શન કરાવ્યાં, પ્રસાદ આપ્યો અને સાથે સાથે આ સ્થાનના માહાત્મ્યની કથા પણ સંભળાવી.
એકવાર પાંડુુપુત્ર મહાબલી ભીમસેન સુવર્ણકમલનાં પુષ્પો લેવા માટે આ સ્થાનેથી પસાર થાય છે. તે વખતે હનુમાનજી મહારાજ અહીં તપશ્ર્ચર્યા-રત હતા. હનુમાનજી પગદંડીની વચ્ચે જ બેઠા હતા. ભીમસેન પોતાના બળના અભિમાનમાં હતા અને હનુમાનજી મહારાજને ઓળખી શકયા નહીં. બળના અભિમાનમાં ચકચૂર ભીમસેન હનુમાનજી મહારાજને સામાન્ય વ્યક્તિ માનીને તેમને રસ્તામાંથી ખસી જવાનો તુમાખીપૂર્વક આદેશ આપે છે. હનુમાનજીમહારાજ તો ભીમસેનને અને તેમની તુમાખીને બરાબર જાણી ગયા છે. ભીમસેનને નમ્રતાનો પાઠ ભણાવવા માટે અને તેમને પોતાનો યથાર્થ પરિચય કરાવવા માટે હનુમાનજીમહારાજ કહે છે:
“ભાઇ! હું હવે વૃદ્ધ થઇ ગયો છું અને મારી જાતે હવે હું હલનચલન કરી શકું તેમ નથી. આપ તો મહાબળવાન છો. આપ જ મને ઊંચકીને બાજુમાં મૂકી દો અને આપનો માર્ગ કરી લો!
પોતાના બળ પર હંમેશાં મુસ્તાક રહેનાર ભીમસેનના મનમાં થયું કે આવા ઘરડા વાનરને તો હું ફૂલની જેમ ઊંચકીને બાજુમાં મૂકી દઇશ. તદનુસાર ભીમસેને હનુમાનજીમહારાજની પૂંછ પકડી અને તેને ખસેડવાનો પ્રયત્ન કર્યો. બહુ મહેનત કરી તો પણ ભીમસેન હનુમાનજીની પૂંછને તેના સ્થાનેથી એક તસુભાર પણ ખસેડી શકયા નહીં. બહુ પ્રયત્ન અને વારંવારના પ્રયત્ન છતાં પણ ભીમસેન હનુમાનજીમહારાજની પૂંછને પણ ખસેડી ન શક્યા ત્યારે તેમનું અભિમાન ઓગળી ગયું. આખરે હનુમાનજીમહારાજની કૃપાથી ભીમસેન હનુમાનજીમહારાજને ઓળખી ગયા.
ભીમસેન અને હનુમાનજીમહારાજ તો ભાઇ-ભાઇ છે, કારણ કે બન્ને વાયુપુત્ર છે. અહીં હવે બન્ને ભાઇઓનું યથાર્થ અને સપરિવાર મિલન થાય છે. ભીમસેન મોટા ભાઇની ક્ષમા માગે છે અને પ્રણામ કરે છે.
આખરે હનુમાનજીમહારાજના માર્ગદર્શન પ્રમાણે અહીંથી જ ભીમસેન સુવર્ણકમલનાં પુષ્પો લેવા માટે ઉચ્ચતર હિમાલય તરફ આગળ વધે છે. આ હનુમાનચટ્ટી. હનુમાનજીમહારાજની તપશ્ર્ચર્યાસ્થલી છે. ભીમ અને હનુમાનજી મહારાજ વચ્ચેની આ ઘટના અહીં જ ઘટી હતી. તેવી પરંપરાગત માન્યતા છે.
એક પહાડી પગદંડી હનુમાનચટ્ટીથી સીધી જ પુષ્પોની ઘાટી તથા લોકપાલ-હેમકુંડસાહેબ તરફ જાય છે. આ રસ્તો ઘણો દુર્ગમ છે અને તે માર્ગ પર હવે ભાગ્યે જ કોઇ જાય છે. હવે પુષ્પોની ઘાટી અને લોકપાલ-હેમકુંડનો રસ્તો ગોવિંદ ઘાટથી જાય છે અને સામાન્યત: યાત્રીઓ તે રસ્તે જ યાત્રા કરે છે.
હેમકુંડસાહેબ-લોકપાલ-વિસ્તારમાં બ્રહ્મકમલ પુષ્કળ પ્રમાણમાં થાય છે. આ બ્રહ્મકલમનો વર્ણ સુવર્ણ સમાન પીળો હોય છે. તદનુસાર આ બ્રહ્મકમલને જ સુવર્ણકમલ ગણી શકાય તેમ છે અને આમ હોય તો ભીમસેનની સુવર્ણકમલ માટેની યાત્રાનો તાળો મળી જાય છે.
અમારી ગાડી હનુમાનચટ્ટીથી પાંડુકેશ્ર્વર તરફ આગળ ચાલે છે. હનુમાનચટ્ટીથી થોડું જ આગળ ચાલતાં રસ્તામાં જયપી કંપનીનો એક ખૂબ મોટો પાવર પ્રોજેક્ટ આવે છે. અહીં એક નાનો ચેકડેમ રચીને અલકનંદાની જળરાશિને રોકવામાં આવે છે. પહાડમાં એક ટનલ ખોદીને તે પાણીને ટનલ દ્વારા અંદર લઇ જવામાં આવે છે. ટનલની આ જળરાશિ છેક જોશી મઠ પાસે મારવાડી પુલ પાસે બહાર આવી છે. કૃત્રિમ ધોધ રચીને આ પાવર પ્રોજેક્ટમાં વિપુલ પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે.
અમે જયપી પાવર પ્રોજેક્ટથી આગળ ચાલીએ છીએ. રસ્તામાં ‘લાંબાગડ’ નામનું સ્થાન આવે છે. લાંબાગડ કોઇ તીર્થસ્થાન નથી. આ તો એક કુખ્યાત અકસ્માતક્ષેત્ર છે.
લાંબાગડ પાસેથી બસ રસ્તો જે પહાડ પરથી પસાર થાય છે, તે પહાડ સાવ પોચી માટી અને નાના મોટા પથ્થરોનો બનેલો છે.
હમણાં તો થોડાં વર્ષથી આ લાંબાગડ વાહનો માટે અને તદનુસાર યાત્રીઓ માટે માથાનો દુ:ખાવો બની ગયો છે. લગભગ દર વર્ષે વારંવાર આ લાંબાગડનો પહાડ તૂટતો રહે છે. અને રસ્તો વારંવાર બંધ થઇ જાય છે. આ લાંબાગડના આખા રસ્તા પર કીચડ, માટી, પાણી અને પાણીની નાની મોટી ધારાઓ જોવા મળે છે. થોડો વરસાદ પણ આ રસ્તાને બંધ કરી દેવા માટે પર્યાપ્ત બની જાય છે.
આમાં કોઇનો કાંઇ વાંક નથી. આ પહાડ જ એવો અને એટલો પોચો છે કે તેના પરની માટી અને પથ્થરો વારંવાર નીચે ખસતાં અને નીચે પડતાં રહે છે.
વર્ષોથી લાંબાગડ પરના રસ્તા પર આ સમસ્યા છે. દર વખતે સરકાર દ્વારા થૂંકના સાંધાની જેમ રસ્તો જેમ તેમ સમારી લેવામાં આવે છે અને વારંવાર આ સમસ્યા ઊભી થતી જ રહે છે. લાંબાગડના આ રસ્તાની સમસ્યાનું કાયમી નિરાકરણ ન મળી શકે? જરૂર મળી શકે. કુશળ અને નિષ્ઠાવાન ઇજનેરો પોતાનાં જ્ઞાન અને કાર્યકુશળતા કામે લગાડે તો આ સમસ્યાનું કાયમી નિરાકરણ અવશ્ય મળી શકે તેમ છે. જરૂર છે તેમ કરવા માટેની નિષ્ઠા અને સંનિષ્ઠ પ્રયત્નોની!
અમારી મોટરગાડી તો લાંબાગડના આ કાદવિયા રસ્તા પરથી જેમ તેમ પસાર થઇ ગઇ અને યાત્રા કરતાં-કરતાં અમે હેમખેમ પાંડુકેશ્ર્વર પહોંચી ગયા.
શું છે આ પાંડુકેશ્ર્વર?
કયાં છે આ યોગબદરી?
અમે મોટરને બાજુમાં મૂકી અને દર્શનાર્થે હવે મોટરમાંથી બહાર આવ્યા.
આ સ્થાનને પાંડુકેશ્ર્વર શા માટે કહે છે? પ્રચલિત માન્યતા એવી છે કે આ સ્થાન મહારાજ પાંડુની તપશ્ર્ચર્યાસ્થલી છે. મહારાજ પાંડુને એક અસાધ્ય રોગ થયો હતો. આજે પણ તે રોગને તેમના નામ પરથી પાંડુરોગ કહેવામાં આવે છે. વૈદ્યોએ તેમને હસ્તિનાપુર છોડીને હિમાલયમાં વસવાની સલાહ આપી. તદનુસાર મહારાજ પાંડુ પોતાની બન્ને પત્નીઓ કુંતી અને માદ્રી સાથે અહીં આવીને રહ્યા હતા. મહારાજ પાંડુ અહીં દીર્ઘકાલપર્યંત રહ્યાં હતા. કહેવાય છે કે પાંડવોનો જન્મ હિમાલયના આ પવિત્ર અને રમણીય સ્થાન પાંડુકેશ્ર્વરમા થયો હતો.
અહીં પ્રતિષ્ઠિત યોગબદરીની સ્થાપના મહારાજ પાંડુએ કરી છે તેમ મનાય છે. તદનુસાર આ તીર્થને પાંડુકેશ્ર્વર અને આ વસાહત અર્થાત્ ગામને પણ પાંડુકેશ્ર્વર કહેવામાં આવે છે. મહારાજ પાંડુનું નિધન અહીં જ થયું હતું અને અહીંથી જ કુંતી પાંચેય પાંડવોને લઇને હસ્તિનાપુર ગયાં હતાં.
આ પાંડુકેશ્ર્વર ગામમા જ ભગવાન યોગબદરીનું મંદિર છે. પાંડુકેશ્ર્વર ગામની નીચેના વિસ્તારમાં અલકનંદાના કિનારાની નજીક બે સમાન અને સુંદર મંદિરો છે. એક મંદિર ભગવાન યોગબદરીનું છે અને બીજું ભગવાન વાસુદેવનું છે. બન્ને મંદિરોમાં પંચધાતુની ખૂબ સુંદર મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. આ બંને મંદિરો અને આ સ્થાનનો વહીવટ બદરી-કેદાર-મંદિર સમિતિ દ્વારા જ થાય છે. મંદિર દ્વારા નિયુક્ત વહીવટદાર અને પૂજારી આ મંદિરના પ્રાંગણનાં નિવાસસ્થાનોમાં વસે છે.
શિયાળાના છ માસ દરમિયાન ભગવાન બદરીનાથ ઉત્સવમૂર્તિ અર્થાત્ ઉદ્ધવજીની મૂર્તિ અને કુબેરજીની મૂર્તિ અહીં પાંડુકેશ્ર્વરમાં આ યોગબદરી મંદિરમાં પ્રતિષ્ઠિત થાય છે અને છ માસપર્યંત તેમની સેવા પૂજા અહીં થાય છે. ભગવાનની પાલખી પાંડુકેશ્ર્વરમાં નૃસિંહમંદિરમા જાય છે અને છ માસપર્યંત ત્યાં જ રહે છે. શિયાળો પૂરો થતાં નૃસિંહમંદિર -જોશીમઠથી પાલખી ઉપડે છે અન અહીંથી ઉદ્ધવજી અને કુબેરજી તે પાલખીમાં બેસીને બદરીનાથ તરફ પ્રયાણ કરે છે અને છ માસપર્યંત ત્યાં જ સેવા પૂજા પામે છે.
અહીં આ પાંડુકેશ્ર્વર ગામમા બીજું પણ એક મંદિર છે-કુબેર મંદિર. કુબેર આ ક્ષેત્રના રાજા મનાય છે. આ વિસ્તારમાં કુબેરના અન્ય મંદિરો પણ છે. બદરીનાથ-મંદિરમાં પણ કુબેરજીની મૂર્તિ છે.
બદરીનાથની બાજુમાં જ મંદિરથી લગભગ એક કિ. મી. દૂર બ્રાહ્મણીગામ નામનું ગામ છે. શિયાળામાં છ માસ દરમિયાન આ બ્રાહ્મણીગામના વસાહતીઓ અહીં પાંડુકેશ્ર્વર આવીને રહે છે. અહીં પાંડુકેશ્ર્વરમાં પણ તેમનાં રહેઠાણો છે.
હવે આ હિમાલય ગામ પાંડુકેશ્ર્વરમાં પણ હોટેલો બનવા માંડી છે. બદરીનાથ જતાં કે પાછા ફરતાં કેટલાંક યાત્રીઓ અહીં રાત્રિનિવાસ કરતાં હોય છે. વળી લાંબાગડનો રસ્તો ગમે ત્યારે બંધ થઇ જાય છે. તેવા સમયે પણ યાત્રીઓ રાત્રિનિવાસ અહીં પાંડુકેશ્ર્વરમાં કરતાં હોય છે.
અમારી યાત્રાના ક્રમ પ્રમાણે અમે પણ અમારી મોટર રસ્તાની એક બાજુ મૂકીને એક નાની પગદંડી દ્વારા મંદિર તરફ પ્રયાણ કર્યું. મંદિર તરફ જવા માટેની પગદંડી રસ્તા પરથી જયાંથી પ્રારંભ પામે છે તેવાં બે સ્થાને નાના દરવાજા ઊભા કરેલ છે અને તે બંને સ્થાને અહીંથી પાંડુકેશ્ર્વર મંદિર જઇ શકાશે તેવી સૂચના પણ લખી છે. યાત્રી આ સૂચના પ્રમાણે પગદંડી દ્વારા મંદિર સુધી સરળતાથી પહોંચી શકે છે.
તદનુસાર અમે પણ મંદિર પહોંચ્યા. શાંત અને પવિત્ર વાતાવરણ છે. મંદિરની પાછળ જ ભગવતી અલકનંદા વહી રહી છે. બંને મંદિર ખુલ્લાં છે. અમારા સિવાય કોઇ યાત્રી નથી અને ભાવપૂર્વક અને શાંતિથી બંને મંદિરમાં અર્થાત્ ભગવાન યોગબદરી અને ભગવાન વાસુદેવનાં દર્શન પામ્યાં.
દર્શન અને પ્રણામ કરીને અમે મંદિરના પ્રાંગણમાં નિરાંતે વિહરી રહ્યા છીએ. અચાનક બાજુના નિવાસસ્થાનમાંથી એક દાઢીવાળા સજજન બહાર આવ્યા. જાણ્યું કે તેઓ જ આ મંદિરના પૂજારી છે. નમસ્કારથી આપ-લે થઇ.
થોડી વાર મંદિરમાં પ્રાંગણમાં રહીને ત્યારપછી મંદિરમાં પુન: દેવદર્શન કરીને અમે અમારા રસ્તે આગળ ચાલ્યા. અમે મોટરમાં બેઠા-અને મોટર આગળ ચાલી.
હવે અમારે માર્કંડેયપ્રયાગની યાત્રા કરવાની છે.
શું છે આ માર્કંડેયપ્રયાગ? ક્યાં છે આ માર્કંડેયપ્રયાગ?
ઉપર-ખૂબ ઉપર ‘હેમકુંડ’ નામનું સરોવર છે. હેમકુંડમાંથી એક નદી નીકળે છે. આ નદીનું નામ છે-લક્ષ્મણગંગા. પુષ્પોની ઘાટી (દફહહયુ જ્ઞર રહજ્ઞૂયતિ) માંથી એક નદી આવે છે. તેનું નામ છે પુષ્પાવતી. પુષ્પોની ઘાટીમાંથી આવે તેનું નામ તો પુષ્પાવતી જ હોય ને! આ પુષ્પાવતી ઘાંઘરિયામાં લક્ષ્મણ ગંગાને મળે છે. પછી પણ નામ તો રહે છે-લક્ષ્મણ ગંગા. કાકભુશુંડીતાલમાંથી એક નદી આવે છે. તેનું નામ છે કાગભુશુંડીગંગા. આ કાગભુશુંડીગંગા ભ્યુંડારમાં લક્ષ્મણગંગાને મળે છે. પછી પણ નદીનું નામ તો રહે છે લક્ષ્મણગંગા. આ લક્ષ્મણગંગા ગોવિંદઘાટ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.