યોગ પ્લસ ધ્યાન અને આપણી જીવનશૈલીનાં પાંચ ગુપ્ત રહસ્ય

ઇન્ટરવલ

પ્રાસંગિક-નિધિ ભટ્ટ

સામાન્ય રીતે આપણને કોઈ બીજું જ કહેતું હોય છે કે આપણે સ્વસ્થ છીએ કે નથી, પરંતુ સ્વાસ્થ્યની જાણકારી મેળવવાનો આ સાચો આધાર કે પરિમાણ નથી. આપણે સ્વસ્થ છીએ કે નહીં એ આપણને પોતાને ખબર પડવી જોઈએ. જોકે તમામનો માનસિક વિકાસ એકસરખો નથી હોતો કે તેમને કોઈ પણ જાતના સવાલ વિના આ ખબર પડી શકે કે એ સ્વસ્થ છે કે નથી. વાસ્તવમાં આપણા સ્વસ્થ હોવા કે ન હોવાનો સંબંધ અથવા તો તેનું રહસ્ય આપણી જીવનશૈલીમાં છુપાયેલું છે. તો હવે આપણે જીવનશૈલીનાં પાંચ મહત્ત્વપૂર્ણ તથ્ય વિશે જાણીશું જેને અરીસો બનાવીને નક્કી કરી શકો કે તમે સ્વસ્થ છો કે નથી.
આપણી ઊંઘની ગુણવત્તા
ઊંઘ તો દરેકને આવે છે. બધા જ સૂએ છે, એ પણ કે જેને ઊંઘ નથી આવતી કે ઓછી આવે છે અને એ વ્યક્તિ પણ સૂતી જ હોય છે કે જેના વિશે કહેવામાં આવે છે કે બહુ જ લાંબી ઊંઘ લે છે અને તેના માટે તે બદનામ પણ હોય છે. તેમ છતાં દરેકની ઊંઘની ગુણવત્તામાં ફરક હોય છે અને ઊંઘની ગુણવત્તા ઓછી હોય કે વધારે હોય તેના પર આપણા સ્વાસ્થ્યનો આધાર છે, પણ મને કઈ રીતે ખબર પડે કે મારી ઊંઘની ગુણવત્તા સારી છે… તો આનો ખૂબ જ સામાન્ય એવો ઉકેલ છે કે અગર તમે લાંબા સમય સુધી સૂતા પછી પણ થાકેલા રહો છો, તાજગીનો અનુભવ નથી થતો તો એનો સાફ મતલબ છે કે તમારી ઊંઘની ગુણવત્તા સાચી નથી અથવા તો સારી નથી. જ્યારે આપણી ઊંઘની ગુણવત્તા યોગ્ય નથી હોતી ત્યારે દરેક સમયે સૂવાની ઈચ્છા રાખતા હોઈએ છીએ અને તેમ છતાં ઊંઘી નથી શકતા. ધ્યાન અને યોગ આ બંને દ્વારા આપણી ઊંઘની ગુણવત્તા વધી શકે છે. આપણી જીવનશૈલીમાં જો એનો આપણે સમાવેશ કરીએ તો ઊંઘ બહેતર થશે અને સ્વાભાવિકપણે સ્વાસ્થ્ય પણ સુધરશે.

શું સવાલોનાં તોફાનોથી ઘેરાયેલો છું?
જો તમે વારંવાર કે હંમેશાં માટે સવાલોનાં તોફાનોથી ઘેરાયેલા હોવ તો એનો મતલબ એવો નથી કે તમે બહુ બુદ્ધિશાળી છો અને દર વખતે નવા નવા સવાલો તમારા દિમાગમાં ફૂટ્યા કરે છે. આનું કારણ એ છે કે તમે માનસિક રૂપથી અસ્વસ્થ છો અને વધારે સમય કંટાળાનો અનુભવ કરો છો. તમારું મન ક્યાંય નથી લાગતું. મોટા ભાગે તો કામ તમને નિરર્થક હોય એવું લાગ્યા કરે છે. એટલે કે નિશ્ર્ચિત રૂપથી ફરી તમારે એક વાર યોગ અને ધ્યાનના શરણમાં જવું પડશે. નિયમિત રીતે કરવામાં આવતો યોગ અને ધ્યાન તમને શારીરિક રીતે જ નહીં, માનસિક રીતે પણ મજબૂત બનાવે છે. બિનજરૂરી સવાલોનો વરસાદ રોકાઈ જશે અને જીવનના સૌથી મહત્ત્વપૂર્ણ સવાલો પર તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

શું તમને ભોજનનું આકર્ષણ છે?
દુનિયામાં લાખોની સંખ્યામાં એવા લોકો મળશે જે પોતાની જાતને ભોજનના વિષયમાં તટસ્થ ગણાવશે અથવા ખાવા-પીવાની ખૂબ જ રુચિ ન રાખતા હોય એવું દેખાડવાની કોશિશ કરશે. યાદ રાખો જે વ્યક્તિ ભોજન તરફ આકર્ષિત નથી થતી, જેનામાં સરસ ખાવાની લાલચ નથી જાગતી, તેનામાં રચનાત્મકતા પણ નહીં હોય અને તે હંમેશાં અસ્વસ્થ રહેશે. એક સ્વસ્થ જીવનશૈલી માટે એ જરૂરી છે કે આપણને ભોજનમાં રુચિ હોય, ભોજન આપણને આકર્ષિત કરે અને અમુક વાનગીઓ ખાવાની તો જાણે આપણામાં દીવાનગી હોય. ભોજન માત્ર શરીરની ઊર્જા કે જરૂરતોને નથી પૂરું કરતું, પણ એ મનની તૃપ્તિ માટે પણ લેવું જરૂરી છે. એટલા માટે ભોજન પર વિચાર કરો અને હા, વિચાર કરવાનો સૌથી સરળ ઉપાય છે ભોજનનું આકર્ષણ અને એના તરફ એક ભાવ જાગે તે અને એ ભાવથી ખાવામાં આવે. ભોજન ત્યારે જ લો જ્યારે શરીરને એની ખરેખર જબરજસ્ત જરૂર હોય અને આ જરૂરત આપણને સાચી રીતે ત્યારે ખબર પડશે જ્યારે આપણી પાચન સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી હશે. નિયમિત રીતે યોગાસન અને ધ્યાન કરવાથી પાચન પ્રક્રિયા ખૂબ જ સરળ બને છે, ભોજન પ્રત્યે આપણું આકર્ષણ વધે છે. ધ્યાનના નિયમિત અભ્યાસથી જ્યારે આપણે સ્વાસ્થ્યપ્રદ ભોજન કરીએ છીએ તો ભોજન પણ આપણને ભરપૂર ઊર્જા આપે છે અને આપણને માનસિક તેમ જ આધ્યાત્મિક રીતે શાંત રાખે છે.

શું હું વિચારશીલ છું?
વિચારશીલ હોવાનો મતલબ એ નથી કે વકીલોની જેમ દરેક વાતમાં મને એનો પ્રત્યુતર મળી જાય. વિચારશીલ હોવાનો મતલબ એ પણ નથી કે મારા દિલોદિમાગમાં હંમેશાં માટે કમાવા માટેના નવા નવા નુસખાઓ આવતા રહે. વિચારશીલ હોવાનો સૌથી સકારાત્મક મતલબ એ છે કે હું વારંવાર મારા જીવનની સાર્થકતા અને એના સાર્થક ઉપયોગ વિશે વિચાર કરું છું. મારા મનમાં એ સવાલ આપોઆપ ઊભો થવો જોઈએ કે હું બીજા માટે શું કરી રહ્યો છું અથવા તો શું કરી શકું છું. શું મારા મિત્રોને કોઈ પણ રીતે ઉપયોગી થઈ શકું છું? જ્યારે આપણે દુનિયાને બહેતરથી બહેતર બનાવવાની વાત કરીએ છીએ અને એના વિચારોમાં હોઈએ છીએ ત્યારે આ વિચારોથી ઘેરાયેલા આપણને થાક નથી લાગતો. આપણને કંટાળો નથી આવતો. અલબત્ત એ આપણને શાંતિ અને સહઅસ્તિત્વ માટે પ્રેરિત કરે છે. સવાલ એ છે કે જો મારી અંદર આવા વિચારો ઉત્પન્ન નથી થતા તો નક્કી મારે નિયમિત રીતે સવાર-સાંજ ઓછામાં ઓછું અડધા કલાક માટે ધ્યાન ધરવાની જરૂર છે અને યોગાસન કરવાની જરૂર છે, આથી આપણને એવા વિચાર આવે જે આપણને શાંત અને પ્રગતિશીલ બનાવે.

શું હું વારંવાર બીમાર પડી જાઉં છું?
ભલે તમારા ખાતામાં ઉપયોગમાં આવે એવી દવાઓ, ઔષધિઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય. ગોળી, કેપ્સૂલ અને ઇન્જેક્શન ભલે તમારાથી દૂર હોય, પરંતુ જો તમે ગમે તે ઉંમરમાં ઉત્સાહથી ભરપૂર નથી, તમારી પાસે ભવિષ્યની યોજનાઓ નથી, વિચારો નથી, સપનાંઓ નથી તો તમે દેખાતા નથી, પરંતુ માનસિક અને શારીરિક રીતે બીમાર છો. આ બીમારીથી બચવા માટે ભરી ભરીને દવાઓ ખાવાની જરૂર નથી. મોંઘા મેવા ખાવાની પણ જરૂર નથી. ડાયટ-પ્લાનની પણ જરૂર નથી. આ તમે તમારા ઘરમાં જ બેસીને થોડી રચનાત્મકતા અને કલ્પનાશીલતાની સાથે મેળવી શકો છો. શરત માત્ર એટલી છે કે તમારે નિયમિત રીતે યોગ કરવાની જરૂર છે. યોગ અને ધ્યાનની ઊર્જા મેળવવાની જરૂર છે. આ ઊર્જા જો હશે તો તમે બીમાર હશો તો પણ બીમાર નહીં રહો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.