કવર સ્ટોરી -રાજેશ યાજ્ઞિક
“કમનસીબે, આપણા દેશમાં પત્ની સામે પગલાં લેવા માટે પતિ પાસે ઘરેલુ હિંસા અધિનિયમ જેવો કાયદો નથી… આ ટિપ્પણી થોડા મહિના પહેલા મદ્રાસ હાઈ કોર્ટ દ્વારા ઘરેલુ હિંસા સંબંધિત એક કેસ અંગે કરવામાં આવી હતી. શા માટે અદાલતે આવી ટિપ્પણી કરવી પડી?
એક નોંધવા જેવો અને પુરુષની દયા આવે તેવો કિસ્સો જોઈએ.
૨૦૨૧માં પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે નિર્ણાયક પગલામાં શારીરિક રીતે અશક્ત પુરુષને છૂટાછેડા આપવાના હિસારની ફેમિલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. જી હા, આ કિસ્સો છે પત્ની દ્વારા પ્રતાડિત એવા પુરુષનો જે શારીરિક રીતે અશક્ત પણ છે. ૫૦% ઓછી શ્રવણ શક્તિ ધરાવતા આ પુરુષે તેની પત્ની દ્વારા માનસિક ત્રાસના આધારે હિસાર ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો.
આ વ્યક્તિએ તેની અપીલમાં આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની દ્વારા માનસિક ક્રૂરતાના કારણે તેનું વજન ૭૪ કિલોથી ઘટીને ૫૩ કિલો થઈ ગયું છે. તેણે વધુમાં જણાવ્યું કે તેની પત્ની ગરમ સ્વભાવની અને ખર્ચાળ હતી અને તેણે ક્યારેય પોતાના પરિવારમાં પોતાને એડજસ્ટ કરવાનો પ્રયાસ કર્યો ન હતો. તેના કહેવા પ્રમાણે, તે નાની નાની બાબતો પર ઝઘડાઓ કરતી હતી જેના કારણે તે અન્યોની સામે અપમાનિત અનુભવતો હતો.
આરોપોને નકારી કાઢતાં મહિલાએ દાવો કર્યો હતો કે લગ્નના છ મહિના પછી તેના પતિ અને તેના પરિવારના સભ્યોએ તેને દહેજ માટે હેરાન કરવાનું અને અપમાનિત કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેના તમામ દાવાઓ ત્યારે જુઠ્ઠા સાબિત થયા જ્યારે કેસની સુનાવણી દરમિયાન હાઈ કોર્ટને જાણવા મળ્યું કે મહિલાએ તેના પતિ અને પુત્રીને ૨૦૧૬માં ત્યજી દીધા હતા.
કોર્ટના ધ્યાનમાં આવ્યું કે પતિના પરિવારે ક્યારેય દહેજની માગણી કરી નથી, પરંતુ લગ્ન પછી મહિલાના ઉચ્ચ અભ્યાસ માટે પૈસા ચૂકવ્યા હતા. હાઈ કોર્ટે એ પણ શોધી કાઢ્યું હતું કે મહિલા દ્વારા તેના પતિ અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.
મોટેભાગે બને છે તેમ પુરુષ વિરુદ્ધ કેસ જીતવા માટે અહીં પણ એવો દાવો કરવામાં આવ્યો હતો કે પુરુષ અને તેના પરિવાર દ્વારા પત્નીની દહેજ માટે સતામણી થાય છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ માત્ર ગ્રામીણ હરિયાણામાં ૨૧થી ૪૯ વર્ષની વયના ૧,૦૦૦ પરિણીત પુરુષોના સર્વેક્ષણ મુજબ, ૧૮ અને તેથી વધુ ઉંમરના દસમાંથી એક પુરુષે ઘરેલુ હિંસાનો અનુભવ કર્યો છે. સંશોધન દર્શાવે છે કે પુરુષો પણ આવી હિંસાનો ભોગ બને છે, માત્ર સ્ત્રીઓ જ નહીં.
૧. લિંગ આધારિત હિંસા : ૫૨.૪ ટકા પરિણીત પુરુષો લિંગ આધારિત હિંસાનો ભોગ બને છે.
૨. તેમના જીવનમાં, ૫૧.૫ ટકા પુરૂષો તેમના જીવનસાથી અથવા ઘનિષ્ઠ ભાગીદારો દ્વારા અમુક પ્રકારની યાતનાઓ અથવા દુર્વ્યવહારનો ભોગ બન્યા છે.
૩. ભાવનાત્મક દુર્વ્યવહાર: પુરુષો (૫૧.૬%) સામે વૈવાહિક અથવા ઘરેલુ હિંસાનું સૌથી પ્રચલિત સ્વરૂપ ભાવનાત્મક દુર્વ્યવહાર અથવા માનસિક હિંસા છે, જેમાં બીજા ક્રમે શારીરિક શોષણ આવે છે (૬%).
૪. જેમને હિંસાનું જોખમ વધુ છે તેમાં ઓછી કૌટુંબિક આવક, મધ્યમ વર્ગનું શિક્ષણ, પરમાણુ કુટુંબ વ્યવસ્થા અને દારૂના પ્રભાવ હેઠળ ગુનેગારનો સમાવેશ થાય છે.
૫. ભારતીય પુરૂષો સામે ઘરેલુ હિંસાના કેસો કેમ નોંધાતા નથી તેનાં ૪ સૌથી સામાન્ય કારણો: પુરુષો સામે સામાન્ય સ્ટીરિયોટાઇપ્સ, બનાવટી કેસોનો ડર, સામાજિક અને પારિવારિક દબાણ અને ઇનકાર.
૬. ભારતીય પત્નીઓ તેમના પતિઓને મારવામાં વિશ્ર્વમાં ત્રીજા ક્રમે છે! ઇજિપ્ત અને યુનાઇટેડ કિંગડમ અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમે છે.
સૌથી મોટી સમસ્યા કાયદાની છે. એ વાતને કોઈ નકારી ન શકે કે, આપણા દેશમાં સ્ત્રીઓ પુરુષો દ્વારા હિંસાનો ભોગ બને છે, પરંતુ પુરૂષોને તેનાથી બચાવવા માટે કોઈ કાયદો ન હોવા માટે તે કોઈ વ્યાજબી આધાર ધરાવતું નથી. દરેક વ્યક્તિ માનવ અધિકાર અને લિંગ સમાનતાને આધીન છે. ભારતીય બંધારણની કલમ ૧૪ નાગરિકોને સમાન વ્યવહારના મૂળભૂત અધિકારની બાંયધરી આપે છે અને કલમ ૧૫ ધર્મ, જાતિ, લિંગ, અથવા જન્મ સ્થળના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે. ભારતીય બંધારણ જણાવે છે કે તમામ નાગરિકોને જીવન અને સ્વતંત્રતાનો અધિકાર છે. તેથી હાલના કાયદામાં જરૂરી ફેરફારો કરવા આજની આવશ્યકતા છે. લિંગ-તટસ્થ કાયદાઓ પસાર કરવાની પણ અત્યંત જરૂરિયાત છે જેથી કરીને ગુનેગારોને સજા થઈ શકે અને પીડિતોને તેમના લિંગને ધ્યાનમાં લીધા વિના ન્યાય મળી શકે. તેથી, આ ક્ષેત્રમાં ઘરેલુ હિંસા અટકાવવા અને ઘટાડવા માટે, લિંગ-તટસ્થ કાયદાઓ લાગુ કરવા જોઈએ અને લૈંગિકવાદી કાયદાઓ ઘડવા જોઈએ નહીં.
દેશમાં પ્રવર્તમાન કાયદાઓને જોતાં, એવા કોઈ કાયદા નથી કે જે પુરુષોને ઘનિષ્ઠ ભાગીદાર હિંસાથી રક્ષણ આપે, ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ હેઠળ, કલમ ૪૯૮એ મુજબ પુરુષને ફક્ત તેની પત્ની સામે હિંસા આચરવા માટે જ જવાબદાર ગણી શકાય, સમગ્ર અધિનિયમમાં અન્ય એવી કોઈ જોગવાઈ નથી જે મહિલાઓને તેના માટે જવાબદાર ગણે. શું આપણે એમ કહેવા માગીએ છીએ કે ૧૭૦ વર્ષોમાં મહિલાઓની સામાજિક સ્થિતિમાં કોઈ પરિવર્તન આવ્યું જ નથી? આજના સમયમાં કોઈને ગળે ઊતરે તેવી આ વાત છે? તેવી જ રીતે, ૨૦૦૫ના ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમની કલમ ૩ માત્ર મહિલાઓને આવી હિંસાથી રક્ષણ આપે છે. કાયદાનો કોઈ નિયમ પુરુષોને આવી હિંસાથી રક્ષણ આપતો નથી. આવા કાયદાઓથી પુરુષ હંમેશાં દોષિતના પાંજરામાં ઊભો રહે છે અને એવી ધારણા કરાય છે કે સ્ત્રીઓ હંમેશાં નિર્દોષ જ હોય છે.
એકલદોકલ કિસ્સાઓમાં પુરુષોએ લડત આપી પણ હશે, પરંતુ અનેક કિસ્સાઓમાં લાંબી, થકવી નાખનારી, ખર્ચાળ અને વિના વાંકે બદનામ કરતી કાનૂની પ્રક્રિયાઓ અને સામાજિક વ્યવસ્થાઓને કારણે પુરુષો હથિયાર હેઠાં મૂકી દે છે. પુરુષો પાસેથી રીતસરના ‘બ્લેકમેઈલિંગ’થી રૂપિયા પડાવવામાં આવે છે અને જફામાંથી બચવા ચુપચાપ રૂપિયા આપી પણ દે છે. છૂટાછેડાના કિસ્સાઓમાં પણ પુરુષો પર અરુચિકર આક્ષેપો મૂકીને તેમને મજબૂર કરવા પ્રયત્નો થાય છે, પરંતુ પુરુષોના પ્રશ્ર્નો માટે જોઈએ તેવી સામાજિક સક્રિયતા ક્યાંય જોવા મળતી નથી. આવું જ ‘બળાત્કાર’ના કિસ્સાઓમાં અને ‘અપહરણ’ના કિસ્સામાં પણ જોવા મળે છે. ઘણીવાર સંમતિથી બાંધેલાં શારીરિક સંબંધોના કિસ્સામાં સંબંધો વણસે પછી ધાકધમકી આપવા બળાત્કાર કર્યાની ફરિયાદો નોંધાવવામાં આવે છે. તેવી જ રીતે પ્રેમ પ્રસંગોમાં મરજીથી પુરુષ સાથે ચાલી જતી છોકરીનો પરિવાર અને ઘણીવાર પરત ફર્યા પછી પરિવારના દબાણમાં આવીને છોકરી પણ અપહરણની ફરિયાદ નોંધાવીને પુરૂષોનું જીવવું હરામ કરી નાખે છે. આપણે છાશવારે આવા કિસ્સાઓ વર્તમાન પત્રો અને દ્રશ્યશ્રાવ્ય માધ્યમોમાં વાંચીએ અને જોઈએ છીએ. પરંતુ આવા કિસ્સાઓમાં પુરુષોની થતી બદનામી અને આર્થિક-સામાજિક નુક્સાનની કોને પડી છે?
પુરુષો કેવા પ્રકારની સતામણીનો ભોગ બને છે અને શું આ બાબત સમાજમાં કંઈ નક્કર થઇ રહ્યું છે ખરું? તેની વાત આપણે આગળ કરીશું.