હા, એને બીમાર પડવાનો અધિકાર પણ છે જ…!

લાડકી

સંબંધોને પેલે પાર-જાનકી કળથિયા

શું સ્ત્રીને બીમાર પડવાનો અધિકાર નથી? શું સ્ત્રીને જીવનભર જવાબદારીઓ નિભાવીને બીમાર પડે તો આરામ કરવાનોય રાઈટ નથી? સવારથી મોડી સાંજ સુધી મશીનની જેમ કામ કરતી સ્ત્રી બીમારીના સમયે શું ઝંખે છે?
સાથે અપડાઉન કરતી વેલસેટ સ્ત્રી એક વાર બાળકની જેમ રડી પડે છે. ઘરમાં ચાર ચાર જેન્ટ્સ સભ્યોની તમામ જવાબદારીઓ એકમાત્ર સ્ત્રી તરીકે એકલા હાથે પૂરી કરવા ઉપરાંત સાતથી આઠ કલાકનો જોબ સ્ટ્રેસ સહન કરે છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે એ બહેન બીમાર પડે અથવા તો શારીરિક, માનસિક થાકના લીધે એનું શરીર કમજોરી મહેસૂસ કરે. એ સ્થિતિમાં પણ એ તમામ કામો એને કરવાં પડે છે જે રૂટિન હોય. એ સ્ત્રીના શબ્દોમાં કહું તો, ‘બીમાર પડવું એ મારા માટે જાણે અપરાધ હોય…!’
નોકરી કે વ્યવસાય કરતી સ્ત્રી હોય કે પછી ગૃહિણી, એ આખો દિવસ મથ્યા રાખે છે. કોના માટે? સવારના પાંચે પથારી છોડે પછી રાતના દસ પછી પથારી ભેગી થાય છે. કોના માટે? નાના બાળક સાથે બાળક બનીને અને વૃદ્ધ સસરા સાથે વડીલ જેવી માવજત કરે છે. કોના માટે? બધાને પ્રેમથી જમાડ્યા બાદ પોતે એકાદી વસ્તુ વગર પણ જમી લે છે. કોના માટે? શાકભાજીવાળા ભાઈ પાસે પાંચ રૂપિયા માટેય રકઝક કરે છે. કોના માટે? રિક્ષાના દસ રૂપિયા આપવા કરતાં ચાલીને જઈને પોતાના બાળકને દસ રૂપિયાનું વેફરનું પેકેટ લઈ આપે છે. કોના માટે? બ્લાઉઝને થીગડું મારીને દિવાળી સુધી ચલાવી નાખે છે. કોના માટે? નવી રેસિપી બનાવી હોય પણ ઘટે ત્યારે કોઈને જાણ ન થાય એમ છૂંદો ને રોટલી ખાઈ લે છે. કોના માટે? ઠંડું વધેલું ખાવાથી બીજાનાં પેટ ન બગડે એટલે કાયમ પોતે વધ્યુંઘટ્યું ખાઈ લે છે. કોના માટે? આ બધું કર્યા પછી પણ જ્યારે એનું શરીર કોઈ વાર સાથ નથી આપતું ત્યારે એ નાસીપાસ થાય છે અને પોતાની તકલીફ જો અન્યોને જણાવશે તો બીજાને પણ તકલીફ થશે આવું એ વિચારે છે, પણ કોના માટે?
આ બધું જ એ પોતાના પરિવાર માટે કરે છે. પોતાના લોકો માટે કરે છે. ઘણી વાર તો કોઈને ખબર ન પડે એમ સાદી પેરાસિટામોલ ખાઈને દિવસ હાંકી કાઢે છે, જેથી અન્ય સભ્યોનું રૂટિન ખોરવાઈ ન જાય. બીમાર પડવાની વાતથી એ એટલી ગભરાઈ જાય જાણે બીમાર થવું કે શરીરથી અશક્ત થવું એ સ્ત્રી માટે સજા હોય… જોકે આનાથી ટોટલી વિપરીત અનુભવ પણ થયેલા છે.
એક બહેન પોતાની ભડાશ કાઢતાં કહેતાં હતાં કે ‘બે દિવસ માંદી પડું તો સારું, આરામ કરવા તો મળે.’ એક બહેનને પગે ફ્રેક્ચર થયું. એની ખબર પૂછવા ગયાં એટલે એક આદત પ્રમાણે એમને સાંત્વના આપી કે બધું ઠીક થઈ જશે અને મહિનામાં તો દોડતાં થઈ જશો. ત્યારે તેમણે બધાની હાજરીમાં તો કાંઈ ન કહ્યું, પણ પછી વોટ્સએપમાં મેસેજ આવ્યો. ‘મને મહિનાનો આરામ કરવા માંડ મળ્યો છે ને તમે ક્યાં દોડવાની વાત કરો છો, બીમાર પડીએ ત્યારે કોઈને આપણું દર્દ નથી દેખાતું એટલે પગ ભાંગ્યો એ સારું થયું.
દેખાય તો ખરું ને મનેય શાંતિ…’ એમની પીડામાં એક જબરો આનંદ છુપાયેલો હતો જે તેમણે કટાક્ષમાં કહ્યો. શરીર બીમાર છે અથવા તો કામકાજ માટે સશક્ત નથી એટલે આરામ કરવા મળશે એવું માનીને તેઓ રાજી રહેતાં અને દોઢેક મહિનો એમ નીકળી ગયો.
કહેવાનું તાત્પર્ય એ કે આ બંને પ્રકારના કિસ્સાઓમાં તફાવત છે. એકમાં બીમાર થવું જાણે ગુના સમાન છે, કારણ કે ઘરની દશા અને દિશા ફરી જાય. આવા કિસ્સાઓમાં ઘરના દરેક સભ્યની જવાબદારીઓ સહર્ષ ઉપાડતી સ્ત્રી જ્યારે બીમાર થાય ત્યારે ડબલ તકલીફો ઊભી થાય છે. પોતાના કથળેલા શરીરની દેખરેખ અથવા રૂટિન કામ પતાવવું – આ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો હોય ત્યારે પહેલો વિકલ્પ તો જાણે મિસ્ટર ઈન્ડિયા બની ગયો હોય એવું લાગે. જ્યારે અન્ય કિસ્સામાં સ્ત્રીનું બીમાર થવું એ કોઈને ધ્યાને આવતું નથી એટલે પગે ફ્રેક્ચર થવું એ લોટરી લાગ્યા બરાબર છે, કારણ કે આમ થવાથી એને જાણે વર્ષો બાદ આરામ મળ્યો હોય…! ખરેખર બીજા પ્રકારની સ્થિતિ વિચાર માગી લે તેવી છે. બીમારી જાણે વરદાન બનીને આવી હોય એમ જાણી સ્ત્રી ખુશ થાય છે, પણ અહીં પોઝિટિવિટી બિલકુલ નથી, નેગેટિવિટીનો એટલો ઓવરડોઝ છે કે એને ખરાબ સ્થિતિમાં જ બીમારીના સમયે આરામ કરવાનો પોતાનો હક દેખાય છે.
ઘણાં બધાં ઘરોમાં આપણે જોઈએ છીએ જ્યાં સ્ત્રીઓની હેલ્થ પ્રત્યે ઉદાસીનતા સેવાય છે. એક સમયે એવી માન્યતા હતી કે ‘સ્ત્રીએ ક્યાં કમાવા માટે ઘરની બહાર જવાનું છે. એ તો બીમાર પડે ને જાતે જ મટી જાય. એમાં ખોટા ખર્ચા ન કરવાના હોય.’ એનો સાફ મતલબ થયો કે જો પુરુષ બીમાર પડે તો ઘરે ખોટ પડે એટલે એનો ઈલાજ કરવો જરૂરી છે, પરંતુ સ્ત્રી પાછળ આવા ખર્ચાઓ ન પોસાય અને આવું મેં બાળપણમાં ઉંમરલાયક સ્ત્રીઓના મોંએ સાંભળેલું પણ ખરું. કેટલીક વાર તો સ્ત્રી પોતે જ પોતાની તંદુરસ્તી તરફ દુર્લક્ષ સેવે છે.
નાનીમોટી તકલીફોને સામાન્ય ગણી ઇગ્નોર કરે છે. વધુ પડતી તકલીફ થાય ત્યારે હોસ્પિટલનાં પગથિયાં ચડે છે. આવી સ્ત્રીઓએ હંમેશાં યાદ રાખવું જોઈએ કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’. પોતે શરીરથી એકદમ સ્વસ્થ હશે તો અન્યને સ્વસ્થ રાખી શકશે. ઘરના સભ્યોની હેલ્થનો આધાર ઘરની સ્ત્રીઓ પર જ છે.
સમાજશાસ્ત્ર વિષયમાં ‘સ્ત્રી અને આરોગ્ય’ જેવા મુદ્દા પર ભણાવાય છે. તો પ્રશ્ર્ન એ પણ થાય કે શા માટે સ્ત્રીઓના આરોગ્ય સંબંધી મુદ્દાઓ સિલેબસમાં મૂકવાની જરૂરિયાત ઊભી થઈ? એટલે જ કહી શકાય કે સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ક્યાંક ને ક્યાંક તો ઉદાસીનતા સેવવામાં આવી છે. ઘરના તમામ લોકોના સ્વાસ્થ્યનો આધાર એ ઘરના કિચનમાં રહેલો છે અને ઘરના કિચનમાં તો ગૃહિણીનું શાસન ચાલે છે. એટલે આ શાસન ડગમગે નહિ એની જવાબદારી ઘરના સભ્યોની બને છે.
વળી બીમારી વખતે સ્ત્રી ઝંખે છે પ્રેમાળ હાથનો હૂંફાળો સ્પર્શ જે એની પીડાને હળવી કરી આપે… હાથની હથેળીઓનો સહેજ ભાર જે દુ:ખતાં અંગોને આરામ આપે… એકાદ મીઠો ઠપકો જે એની બેદરકારીનો અહેસાસ કરાવે… એ ઈચ્છે છે વહાલ નીતરતી આંખોમાં આંખ પરોવીને બે ઘડી જોઈ શકે એટલો સમય… ‘તને કેમ છે?’ આટલું પૂછતાંની સાથે જ જ્યાં શ્રાવણ-ભાદરવો વહાવી શકાય એવો સાથી… પાર્ટનરના ખભાને ટેકો બનાવી જે પગનો વિકલ્પ પૂરો પાડી શકે…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.