ગીતા-મહિમા – સારંગપ્રીત

ગત અંકમાં જ્ઞાનયજ્ઞને સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ પરબ્રહ્મની વિશિષ્ટ શક્તિનો પરિચય કરાવે છે.
નવમા અધ્યાયના ૧૬-૧૭ શ્ર્લોકો ભગવાનની આ સર્વ-અંતર્યામી શક્તિને અભિવ્યક્ત કરે છે. ભગવાન કહે છે કે યજ્ઞ, ઔષધીઓ, મંત્ર, આહુતિ વગેરેમાં હું મારી અંતર્યામી અને વ્યાપક શક્તિથી રહું છું. વળી આ જગતનો પિતા અને અન્નપૂર્ણા જનની પણ હું જ છું. એટલે કે બ્રહ્મા વગેરે દેવતાઓમાં રહીને સમસ્ત જગતની ઉત્પત્તિ અને પાલન પણ અંતે તો મારી આ શક્તિથી જ થાય છે.
અહીં કૃષ્ણ ભગવાન કહે છે કે જળમાં અને સ્થળમાં, પાતાળમાં અને આકાશમાં એકેય એવી જગ્યા નથી કે જ્યાં ભગવાનનો વાસ ન હોય. છતાં ભગવાનના આવાસ અને અસ્તિત્વને લઈને લોકો સદાકાળ જિજ્ઞાસા ધરાવે છે. એકવાર એક ગુરુએ પોતાના શિષ્યને પ્રશ્ર્ન કર્યો, પ્રભુ ક્યાં છે તે તું બતાવી શકશે? શિષ્યએ કહ્યું, ગુરુ, આ વાત મારી શક્તિની બહાર છે, પણ પ્રભુ કઈ જગ્યાએ નથી તે તમે કહી શકશો? ગુરુ શિષ્યની સમજણ ઉપર પ્રસન્ન થયા. આમ, ભગવાન તો બધે જ વ્યાપીને રહ્યા છે.
એકવાર અકબરે બીરબલને કહ્યું, તું અવારનવાર મને ઈશ્ર્વર-સ્મરણની વાત કરે છે, પરંતુ પહેલા તું મારા ત્રણ પ્રશ્ર્નોના ઉત્તર આપ. પહેલો પ્રશ્ર્ન કે ઈશ્ર્વર ક્યાં છે? બીજો કે ઈશ્ર્વરનાં દર્શન શી રીતે થાય? ત્રીજો પ્રશ્ર્ન કે ઈશ્ર્વર શું કરે છે? જા, તને ત્રણ દિવસની મુદત આપું છુ. ત્રણ દિવસની મુદત પૂરી થઈ. ચિંતાગ્રસ્ત બિરબલને ૮ વર્ષીય પુત્ર બલવીરે પૂછતાં ત્રણ પ્રશ્ર્નની વાત કરી. તેણે કહ્યું, આ પ્રશ્ર્નોના ઉત્તર તો હું પણ આપી શકું. બંને અકબરની સભામાં ગયા. બીરબલે કહ્યું, તમારા પ્રશ્નોના ઉત્તર મારો પુત્ર આપશે. બલવીરે દૂધનો કટોરો મંગાવ્યો. તેમાં આંગળી ફેરવવા લાગ્યો. અકબરે આનું કારણ પૂછ્યું. એટલે કહે, મેં સાંભળ્યું છે કે દૂધમાં ઘી હોય આમાં કેમ દેખાતું નથી? અકબર કહે, પહેલાં તેનું દહીં, પછી છાશ, માખણ અને ઘી મળે. બલવીર કહે, જેમ દૂધમાં ઘી છે તેમ ઈશ્વર બધામાં છે, સર્વત્ર છે. આ છે પહેલો જવાબ. વળી તમારા બીજા પ્રશ્ર્નનો જવાબ છે કે જેમ દૂધમાંથી ઘી બનાવવાની લાંબી પ્રક્રિયા કરવી પડે તેમ ભગવાનનાં દર્શન માટે સાધના કરવી પડે. ત્રીજા પ્રશ્ર્નનો ઉત્તર શું છે તે આપ ગુરુ બનીને પૂછો છો કે શિષ્ય બનીને પૂછો છો? જાણવા માટે શિષ્ય બનવું પડે. અકબરે વિચાર્યું થોડા સમય માટે શિષ્ય બનવામાં શું વાંધો? તેને કહ્યું, શિષ્ય બનીને. બલવીરે કહ્યું, બાદશાહ, શિષ્ય તો નીચેના આસન પર બેસે, સિંહાસન પર નહીં. અકબરે વિચાર્યું, બે ક્ષણ બાજુના નીચેના સિંહાસન પર બેસીને પણ આનો જવાબ તો સાંભળવો જ છે. અકબર નીચે બેઠો. બલવીર પોતે સિંહાસન પર ચડી બેઠો. અકબર કઈ બોલે તે પહેલાં પ્રશ્ર્નનો ઉત્તર આપતા બલવીરે કહ્યું, ઈશ્ર્વર ઉપર બેઠેલાને નીચે બેસાડે છે અને નીચે બેઠેલા અને ઉપર બેસાડે છે. તે તેના હાથની વાત છે. અકબર બાળકની હાજરજવાબીથી પ્રસન્ન થયો.
હા, ભગવાન સર્વત્ર છે. તે અંતર્યામી છે. કઠોપનિષદ કહે છે- ભગવાન સર્વ પદાર્થોથી પણ અતિશય મહાન અને સૂક્ષ્મ પદાર્થોથી પણ અતિ સૂક્ષ્મ છે તે સર્વ જીવાત્માની હૃદય ગૃહમાં અંતર્યામીપણે સ્થિત છે. પરબ્રહ્મની શક્તિ અને નિત્ય ઇચ્છાથી બ્રહ્મ પણ વ્યાપક-અંતર્યામી છે. મુંડક કહે છે- આ બધું ખરેખર બ્રહ્મમય છે કારણ કે બ્રહ્મના સંકલ્પવિષેશથી આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે સ્થિર થાય છે અને પ્રલય કાળે તેમાં જ લીન થાય છે. ગીતા કહે છે- અર્પણ બ્રહ્મ છે હોમવાનો પદાર્થ બ્રહ્મ છે, બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હોતાએ હોમેલું તે પણ બ્રહ્મ છે. કર્મ ને લગતી બધી જ બાબતોમાં જે બ્રહ્મમય રહે છે તે બ્રહ્મને જ પામે છે. આમ, બ્રહ્મ સત્ય, અનાદિ, શાશ્ર્વત છે, જ્ઞાન સ્વરૂપ છે અને તે એક પરબ્રહ્મને બાદ કરતાં સર્વ દેશ, સર્વ કાળ સર્વ વસ્તુમાં સંપન્ન, વ્યાપક છે, વિનાશ રહિત છે તેથી અનંત છે.
ગુણાતીત ગુરુઓના જીવનમાં આ જ ભાવના હોય છે. તેથી જ તો તેઓ દરેકમાં પરબ્રહ્મ જોઈ શકે છે. તા. ૧૯/૨/૧૯૮૫ મોટી બેજમાં ૪ હજાર આદિવાસી બંધુઓની જાહેર સભામાં પ્રમુખસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું હતું, ભલે બીજા આપણને પછાત કહે પણ આજે આપ સૌમાં મને સાક્ષાત ભગવાનનાં દર્શન થાય છે. આ જ ઈશાવાસ્ય ભાવનાનું મૂર્ત રૂપ છે.

Google search engine