જો તમે લોંગ ડ્રાઇવના શોખીન હો અને રોડ ટ્રીપ પર નીકળતા હો તો તમે રસ્તાની બંને બાજુ પર પીળા, કાળા, લીલા કલરના કેટલાક પથ્થરો તો જોયા જ હશે. આ પથ્થરોને માઇલસ્ટોન્સ કહેવામાં આવે છે. જોકે, એ ખરેખર માઇલસ્ટોન નથી, પણ એનો અર્થ કંઇક જુદો જ છે. આજકાલ તો જીપીએસનો જમાનો છે, પણ પહેલા બે સ્થાન વચ્ચેનું અંતર જણાવવા માટેના વિશ્વસીન સ્રોત છે.
ભારતનું રોડ નેટવર્ક 62 લાખ કિલોમીટરનું છે. જેમાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને ગામડાના રસ્તાઓનો સમાવેશ થાય છે. તમને દરેક રસ્તા પર વિવિધ રંગીન માઇલસ્ટોન્સ જોવા મળશે, જેનો અલગ અલગ અર્થ હોય છે.
નેશનલ હાઇવે (રાષ્ટ્રીય ધોરીમાર્ગો) એક કરતાં વધુ રાજ્યોમાં ફેલાયેલા છે. જો તમને રસ્તાની બાજુમાં પીળા રંગનો માઈલસ્ટોન દેખાય છે, તો તેનો અર્થ છે કે તમે નેશનલ હાઈવે પર છો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની જાળવણી કરે છે.
સ્ટેટ હાઇવે (રાજ્ય ધોરીમાર્ગો) રાજ્યના વિવિધ શહેરોને જોડે છે. સ્ટેટ હાઇવેને લીલા રંગના માઇલસ્ટોન્સ દ્વારા ઓળખવામાં આવે છે, જે રસ્તાના કિનારે જોવા મળશે. આ હાઈવેનું નિર્માણ અને જાળવણી રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવે છે.
ક્યારેક વાદળી અથવા કાળા અને સફેદ રંગના માઇલસ્ટોન્સ રસ્તાઓ પર જોવા મળે છે. તમે નેશનલ હાઈવે કે સ્ટેટ હાઈવેના માઈલસ્ટોન્સ વિશે જાણી ગયા છો. જ્યારે આ વાદળી અથવા કાળા-સફેદ રંગના માઇલસ્ટોન્સ એ જિલ્લાના માર્ગની ઓળખ છે.
જો તમે રસ્તા પર નારંગી રંગનો માઇલસ્ટોન જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તે ગ્રામીણ માર્ગ છે. નારંગી રંગનો માઇલસ્ટોન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના રસ્તાઓ પણ દર્શાવે છે.