મુંબઈમાં પાંચ દિવસ યલો એલર્ટ! મુંબઈગરા છત્રી લઈને ઘરની બહાર નીકળજો, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં બે દિવસ મુશળધાર વરસાદની આગાહી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈગરાઓ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે આગામી પાંચ દિવસ માટે મુંબઈ, થાણે સહિત પાલઘર માટે હવામાન ખાતાએ યલો એલર્ટ જાહેર કર્યો છે. હવામાન ખાતાએ હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તો અમુક જગ્યાએ મુશળધાર વરસાદની શક્યતા છે. હવામાન ખાતાના કહેવા મુજબ આગામી બે-ત્રણ દિવસમાં સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતા છે.

મુંબઈમાં ચોમાસાનું જલદી આગમન થવાની આગાહી ખોટી પડી છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ ગયા અઠવાડિયામાં ચોમાસાનું આગમન તો થઈ ગયું, પરંતુ એકાદ-બે દિવસ વરસાદ પડ્યા બાદ વરસાદ ગાયબ થઈ ગયો હતો. જોકે છેલ્લાં બે-ત્રણ દિવસથી મુંબઈમાં ફરી વાદળિયું વાતાવરણ જામ્યું છે અને છૂટોછવાયો હળવો વરસાદ પડી જતો હોય છે. શુક્રવારે પણ મુંબઈના અમુક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી ગયો હતો. આ દરમિયાન હવામાન ખાતાએ મુંબઈમાં ફરી વરસાદના આગમનનો અંદાજ વ્યક્ત કર્યો છે.

લાંબી રાહ જોવડાવ્યા બાદ મુંબઈ સહિત રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થવાનો વર્તારો હવામાન ખાતાએ કર્યો છે. આગામી પાંચ દિવસ માટે મુંબઈ, થાણે, પાલઘર જેવા વિસ્તાર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો રાયગઢ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. એ સિવાય પુણે સહિત કોલ્હાપુર અને સાતારામાં મુશળધારથી અતિમુશળધાર વરસાદની શક્યતા છે.

મુંબઈમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોલાબામાં ૧૨.૬ મિલીમીટર અને સાંતાક્રુઝમાં એક મિલીમીટર વરસાદ પડ્યો હતો. તો કોલાબામાં અત્યાર સુધી સરેરાશ મોસમનો કુલ ૧૪૨.૫ મિલીમીટર અને સાંતાક્રુઝમાં સરેરાશ ૯૯.૧ મિ.મી. વરસાદ પડી ચૂક્યો છે.

આ દરમિયાન જૂન મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં મહારાષ્ટ્રમાં ચોમાસું જામ્યું જ નથી. જોકે હવે આગામી ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં તમામ જ્ગ્યાએ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કોંકણ અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં ઘાટ વિસ્તારમાં વરસાદનું જોર વધશે તો આગામી ૨૪ કલાકમાં અમુક ઠેકાણે મુશળધાર તો અતિમુશળધાર વરસાદની શક્યતા છે. આ દરમિયાન કલાકના ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. તેથી માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થવાનો હવામાન ખાતાનો વર્તારો છે. જોકે રાજ્યમાં અત્યાર સુધી ચોમાસું નિરાશાજનક રહ્યું છે. રાજ્યના ૧૮ જિલ્લામાં જૂનમાં સરેરાશ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી એક લાખ ૪૭ હજાર હેક્ટર એટલે કે એક ટકા જ વાવણી થઈ છે. વરસાદના અભાવે ખેડૂતો પાકનું વાવેતર કરી શક્યા નથી. ગયા વર્ષે જૂન મહિનામાં સારો વરસાદ પડ્યો હતો અને એ સમયે પોણાપાંચ લાખ હેક્ટર પર પાકનું વાવેતર પણ થઈ ગયું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.