યે રોલ છોડકર જો તુમ જાઓગે, બડા પછતાઓગે!

59

કરીના કપૂરે રીજેક્ટ કરેલી ફિલ્મો જે સુપર સે ભી ઉપરવાળી હિટ થઇ

પ્રાસંગિક -રાજેશ યાજ્ઞિક

સુપરસ્ટાર્સને ઘણીવાર ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે કે એવો ડ્રિમ રોલ છે જે તમે કરવા માગો છો? અને તેઓ કોઈને કોઈ આઇકોનિક રોલ વિશે જરૂર જણાવશે. પણ ઘણીવાર એવું બને છે કે સુપરસ્ટાર્સ પોતે, એક અથવા બીજા કારણસર રોલ ઠુકરાવી દે અને પછી તે ભૂમિકા ફિલ્મ ઇતિહાસમાં આઇકોનિક બની જાય. ત્યારે પેલું ફિલ્મી ગીત જરૂર યાદ આવી જાય કે, ‘મુજે છોડકર તુમ જાઓગે, બડા પછતાઓગે.’
આ બાબતમાં કરીના કપૂર ખાન બોલીવુડમાં પ્રખ્યાત છે, કેમકે ઘણી એવી જોરદાર ભૂમિકાઓને કરીના ના કહી ચુકી છે. “મારા જેવી કોઈ હિરોઈન નથી કે જેણે મારા કરતાં વધુ ફિલ્મો છોડી હોય, અને દરેકને થાળીમાં આપીને કહ્યું હોય કે જાઓ તે કરો. મને લાગે છે કે હું પાગલ છું… જો હું કોઈ ફિલ્મ કરવા ન માગતી હોઉં, તો તે ફિલ્મ હું નહીં જ કરું. હું ઘરે બેસીને એન્જોય કરીશ, પાર્ટી અને મુસાફરી કરીશ,” કરીનાએ પાંચેક વર્ષ પહેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. અને વાત પણ સાચી છે, ઈન્ડસ્ટ્રીમાંથી આવતી ખબરો મુજબ કરીનાએ કેટલીક જબરજસ્ત ફિલ્મો છોડી છે, જે ભૂમિકા પછીથી ભજવનાર અભિનેત્રીઓની કારકિર્દી માટે સીમાચિહ્ન બની ગઈ. ચાલો જાણીએ કરીનાએ છોડેલી (કે તરછોડેલી?!) ફિલ્મો જે સુપરડુપર હિટ પણ થઇ અને અભિનેત્રીઓને લોટરી લાગી ગઈ.
————–
દિલ ધડકને દો
ઝોયા અખ્તરની આ ફિલ્મ પણ દર્શકોને બહુ પસંદ પડી હતી. કરીનાએ આ ફિલ્મ પણ ઠુકરાવી હતી, પણ તેને તેનો અફસોસ છે. બેબોએ કહ્યું પણ છે કે મને ઝોયા સાથે કામ ન કરી શકવાનો અફસોસ છે, પણ ઝોયાની આ છેલ્લી ફિલ્મ નથી અને ભવિષ્યમાં મને તેની સાથે કામ કરવું ચોક્કસ ગમશે.
————
હમ દિલ દે ચુકે સનમ
આ ફિલ્મે ઐશ્ર્વર્યાની ફિલ્મ કારકિર્દીને એક અલગ જ ઊંચાઈ આપી. ઉપરાંત આ ફિલ્મનું સંગીત, તેની વાર્તા વગેરેથી દર્શકો ભારે પ્રભાવિત થયા અને હજી પણ છે. પણ આ ફિલ્મ માટે સંજય લીલા ભણસાળીની પહેલી પસંદ એશ નહીં પણ બેબો હતી. કરીનાએ એ ફિલ્મ કોઈ અકળ કારણસર રિજેક્ટ કરી અને તેનો ફાયદો ઐશ્ર્વર્યાને જબરજસ્ત થયો.
————–
બાજીરાવ – મસ્તાની
આ ફિલ્મ માટે પણ કરીના પહેલી પસંદ હતી. ત્યારે પણ કરીનાએ ફિલ્મ માટે નનૈયો ભણ્યો, તેનો ફાયદો દીપિકાને થયો. મસ્તાની તરીકે દીપિકા છવાઈ ગઈ. એટલું જ નહીં, રણવીરના જીવનમાં પણ તેની એન્ટ્રી થઇ ગઈ. જોકે, બાજીરાવ માટે ભણસાળીએ એશનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ ‘અંગત કારણોસર’ તેણે ફિલ્મ કરવાની ના પાડી.
————–
રામ-લીલા
આ ફિલ્મ માટે આખરે કરીનાનું નામ ફાઇનલ થઇ ગયું હતું. પણ ફરી એક વાર… કરીનાએ આ ફિલ્મ છોડીને ‘ગોરી તેરે પ્યાર મેં’ ફિલ્મ કરવાનું પસંદ કર્યું. આ વાત કરીનાએ સ્વયં કરી છે. ’ગોરી તેરે પ્યાર મેં.’ નામની કોઈ ફિલ્મ આવી હતી એ પણ કોઈને યાદ નહીં હોય, અને રામ-લીલા તો લોકોના દિલ પર છવાઈ ગઈ હતી. કરીના કપૂરનો આ ફિલ્મ માટે ડ્રેસ લૂક પણ થઇ ગયો હતો.
————-
ક્વિન
કરીનાને આ ફિલ્મનો રોલ પસંદ ન પડ્યો માટે તેણે રિજેક્ટ કરી હતી. તેથી આ રોલ કંગનાને ફાળે ગયો. દેખીતી રીતે કરીનાએ ફિલ્મ સમજવામાં થાપ ખાધી હતી. કેમકે કંગનાનો રોલ દર્શકોને બહુ પસંદ પડ્યો, કંગનાનો અભિનય પણ લોકોએ અને સમીક્ષકોએ વખાણ્યો. એટલુંજ નહીં, આ ફિલ્મ માટે કંગનાને નેશનલ ઍવૉર્ડ પણ મળ્યો.
————-
ફેશન
મધુર ભંડારકરની ફેશન પણ કરીનાએ ઠુકરાવી હતી. કદાચ કરીનાને તેનો બેહદ અફસોસ થયો હશે, એટલે જ જયારે તેને ‘હિરોઈન’ ઓફર કરી ત્યારે તરત હા પાડી. પણ અંતે વિજયી હાસ્ય કોનું હતું, તે આપણે સહુ જાણીએ જ છીએ.
આ તો ગણતરીની ફિલ્મો વિશે જ આપણે વાત કરી છે, બાકી બોલીવૂડમાં ખબર એવી છે કે આવી ૨૨ ફિલ્મો કરીના ઠુકરાવી ચુકી છે! એક ઇન્ટરવ્યૂમાં પત્રકારે જયારે તને રિજેક્ટ કરેલી ફિલ્મો ઉપર અફસોસ છે? તેવું પૂછ્યું ત્યારે ઠાવકો જવાબ આપતા કરીનાએ કહ્યું કે હું પાછળ વાળીને જોતી નથી. ખેર, જાહેરમાં ગમે તે કહે પણ આવી જોરદાર ફિલ્મો છોડવાનો અફસોસ કઈ અભિનેત્રીને ન હોય?
————–
બ્લેક
૨૦૦૫માં આવેલી અમિતાભ બચ્ચન – રાની મુખર્જી સ્ટારર આ ફિલ્મે ત્રણ નેશનલ ઍવૉર્ડ જીત્યા હતા. સમીક્ષકોએ ફિલ્મના ખૂબ વખાણ કર્યા હતા અને દર્શકોએ ફિલ્મને ભરપૂર પ્રેમ આપ્યો અને હિટ થઇ. ટાઈમ મેગેઝિન દ્વારા આ ફિલ્મ વર્ષની દસ શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન પામી હતી. ઉપરાંત તે વર્ષે વિદેશમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ પણ રહી હતી. આ ફિલ્મની ફર્સ્ટ ચોઈસ પણ કરીના હતી, પણ તેણે રિજેક્ટ કરી હતી! સંજય લીલા ભણસાળી કરીનાને કેટલી પસંદ કરતા હતાં તે એ વાત ઉપરથી સમજાય છે કે તેમની લગભગ બધી ફિલ્મોની પહેલી પસંદ કરીના રહી હતી. પણ કરીનાએ ભણસાળીએ બનાવેલ કેટલીક સુંદર ફિલ્મો જવા દીધી.
————-
કહો ના પ્યાર હૈ
આ ફિલ્મનું નામ આવે કે તરત ફિલ્મનું ટાઇટલ સોન્ગ અને તેનો હુકસ્ટેપ યાદ આવ્યા વિના ન રહે. ફિલ્મ રિલીઝ થયા પછી ફેન્સને હિૃતિકનું રીતસરનું ઘેલું લાગ્યું હતું. હિૃતિકની સાથે અમિષા પટેલની પણ આ ડેબ્યુ ફિલ્મ હતી અને તેની કારકિર્દી પહેલી ફિલ્મથી જ પાટે ચડી ગઈ. પણ સચ્ચાઈ એ છે કે આ ફિલ્મમાં કરીના ડેબ્યુ કરવાની હતી. એટલું જ નહીં, તેણે ફિલ્મના શૂટિંગની તૈયારી પણ કરી દીધી હતી. રાકેશ રોશને થોડાં વર્ષો પછી એક ઇન્ટરવ્યૂમાં આ વાત ઉજાગર કરી હતી. તે મુજબ ફિલ્મનું પહેલું શેડ્યુલ એક ગીતના શૂટિંગનું હતું. પણ કરીનાની મમ્મી બબીતાએ કહ્યું કે શૂટિંગ ડાયલોગ્સથી શરૂ થવું જોઈએ, નહી કે ગીતથી. રાકેશ રોશને જણાવ્યા મુજબ તેણે બબીતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કરીના નવી છે અને ડાયલોગની ટ્રેઇનિંગ તેને આપીએ ત્યાં સુધી લિપસિંક વાળા ગીતથી શરૂઆત યોગ્ય રહેશે. પણ બબીતા માન્યા નહીં. રાકેશ રોશને તેમને કહ્યું કે આ રીતે કામ નહીં થઇ શકે, કાલે તમે બીજી કોઈ બાબતે આ રીતે દખલ કરો તો હું કામ ન કરી શકું, તેના કરતાં આપણે મૈત્રીપૂર્ણ રીતે છૂટા પડીએ. આ રીતે કરીનાએ ફિલ્મ ગુમાવી.
———–
કલ હો ના હો
કરણ જોહર અને કરીનાની દોસ્તી તો જગજાણીતી છે. આ ફિલ્મ કરણે પ્રોડ્યુસ કરી હતી પણ ડાયરેક્ટર નિખિલ અડવાણી હતો. ગોસિપ એવી છે કે કરીનાને આ ફિલ્મ માટે વળતર ઓછું લાગ્યું એટલે તેને
નકારી દીધી, તો બીજા સમાચાર એવા છે કે કરીનાને નિખિલ ઉપર ડાયરેકટર તરીકે ભરોસો નહોતો અને તેની ઈચ્છા હતી કે કરણ ફિલ્મ ડાયરેક્ટ કરે.
સાચી વાત ગમે તે હોય, પણ બંને સંજોગોમાં નુકસાન કરીનાનું થયું.
————–
ચેન્નાઇ એક્સપ્રેસ
બાદશાહ શાહરુખ સાથે ફિલ્મ કરવા બધી અભિનેત્રીઓ ઉત્સુક હોય છે. કરીનાએ આ ફિલ્મ તારીખોની સમસ્યાને કારણે નકારવી પડી. ફરી એકવાર તેનો ફાયદો દીપિકાને થયો. જોકે, રોહિત શેટ્ટીએ ફિલ્મ કરીનાને લઈને બનાવવાનો હતો તેવી વાતને એક વાર રદિયો આપ્યો હતો. પણ આ તો ફિલ્મ લાઈન છે, જો બોલતે હૈં વહ હોતા નહીં, જો નહીં બોલતે વહ ડેફિનેટલી હોતા હૈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!