યે ચાંદ સા રોશન ચહેરા…

સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણની સરવાણી – મુકેશ પંડ્યા

દેવોના ગુરુ બૃહસ્પતિ અને દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય. આ બન્નેના ગુરુ શિવ. જેમ કોઇ એક ઉત્પાદક કોઇ વસ્તુનું ઉત્પાદન કરે તો તેનો સારો-નરસો બન્ને પ્રકારનો ઉપયોગ કરવાવાળા હોય એમ શિવ પાસે દેવો સાથે દૈત્યો પણ જ્ઞાન-વરદાન લે. શિવજી બન્ને પ્રકારના લોકોને જેવાં કર્મો કરવાં હોય તેવાં કર્મ કરવાની છૂટ આપે છે, પણ અંતે સત્યનો વિજય થાય એની તકેદારી પણ રાખે. શિવજીને તમે આ દુનિયાના સહુપ્રથમ શિક્ષક કહી શકો. શિવજીના અનેક સ્વરૂપથી આપણે ઘણું શીખી શકીએ એમ છીએ. ચાલો, ૧ ઑગસ્ટ ને શ્રાવણિયા સોમવારથી શરૂ થયેલી આ શ્રેણીને આગળ ધપાવીએ.
પદાર્થ પાઠ ૮
યે ચાંદ સા રોશન ચહેરા…
આજે શ્રાવણિયા સોમવારના દિને આ લેખ લખાઇ રહ્યો છે ત્યારે સોમનાથ ઉર્ફે ચંદ્રશેખર એવા શિવજીનું રૂપ યાદ આવ્યા વગર ન રહે. ચંદ્રને જેમણે મસ્તક પર ધારણ કર્યો છે તેવા સૌમ્ય સ્વરૂપના નાથ એવા સોમનાથ પાસેથી જીવનમાં ઘણું શીખવા મળે છે.
ચંદ્રનો એક મહત્ત્વનો ગુણ એ છે કે તે સૂર્યની ગેરહાજરીમાં આપણને પ્રકાશ આપે છે. અંધકારને અજવાળે છે. પૂરતો પ્રકાશ હોય ત્યારે છુપાઇ રહે અને પ્રકાશનો અભાવ હોય, પ્રકાશની ખરેખર જરૂર હોય ત્યારે જ પ્રકાશીને માર્ગદર્શન આપે એ ચંદ્ર. ભગવાન શંકરને આદિગુરુ કહેવામાં આવ્યા છે. તેઓ રાજા હોય કે રંક, મિત્ર હોય કે શત્રુ, દેવ હોય કે દાનવ દરેકના અજ્ઞાનરૂપી અંધકારને ચંદ્રરૂપી પ્રકાશથી દૂર કરે છે. જ્ઞાનના અજવાળા પાથરે છે. આપણે તેમના અલગ અલગ સ્વરૂપ પાસેથી હાલ શ્રાવણ મહિનામાં કંઇકને કંઇક શીખી જ રહ્યા છીએ.
ચંદ્ર સૌમ્યતાનું પણ પ્રતીક છે. એટલે જ ચંદ્રરૂપી સૌમ્યતા નાથ અર્થાત્ સોમનાથ કહેવાય છે. ભગવાન શંકરને સૃષ્ટિના વિનાશના કે પ્રલય અંગે નિર્ણય લેવાના હોય છે એટલે તેમનો સ્વભાવ ઉગ્ર રહે એ સ્વાભાવિક છે. આથી જ તેઓ હિમાલયમાં રહે છે. ગંગારૂપી ધારાને જટામાં સમાવે છે અને ચંદ્રને મસ્તક પર ધારણ કરે છે જેથી તનમનમાં સૌમ્યતા અને શીતળતા બની રહે. સોમનાથ એ શીખવે છે કે કોઇ પણ જટિલ નિર્ણય લેવો હોય ત્યારે મગજમાંથી ક્રોધ કે ઉગ્રતાને હાંકી કાઢી, સૌમ્યતા અને ઠંડા દિમાગથી નિર્ણય લેવા.
જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ચંદ્ર મનનું પ્રતિનિધિત્વ કરે છે. શ્રાવણ મહિનામાં મનને કાબૂમાં રાખીને અધ્યાત્મ પ્રવાસ કરવાનો હોય છે. ચંદ્રને મસ્તક પર ધારણ કરનાર ચંદ્રશેખર એવા શંકર ભગવાન આપણને કહે છે કે મનને નિયંત્રણમાં રાખતાં શીખો. મન ચંગા તો કથરોટમેં ગંગા. મનથી સબળી વ્યક્તિ શ્રાવણ મહિનામાં ઉપવાસ-એકટાણાં કે વ્રતો સહજતાથી કરી શકે છે. મનથી સાબૂત વ્યક્તિ ઇન્દ્રિયો નચાવે એમ નાચતી નથી, પણ ઇન્દ્રિયોને પોતાના મન પ્રમાણે નચાવી શકે છે. માનસિક રીતે જે બળવાન હોય છે તે શારીરિક રીતે નબળો હોય તો પણ બાજી મારી શકે છે, પરંતુ શરીરે પહેલવાન હોય અને માનસિક રીતે નબળો હોય તો સમસ્યા સર્જાઇ શકે છે. રાષ્ટ્રકુળની રમત રમતો ખેલાડી હોય કે કોઇ જટિલ પરીક્ષાઓ આપતો વિદ્યાર્થી હોય જે મનને સૌમ્ય અને ઠંડું રાખી શકે છે એ જીતી શકે છે. ક્રિકેટની રમતમાં મહેન્દ્રસિંહ ધોનીને ‘કૅપ્ટન કૂલ’ કહેવાય છે. જે કૂલ છે એ ચંદ્રની જેમ મુસીબતોના અંધકારમાં પ્રકાશ પાથરી શકે છે. શીતળ મગજથી નિર્ણય લઇ શકે છે અને જીવનરૂપી રમતમાં જીતી શકે છે.
ભગવાન સોમનાથ ઉર્ફે ચંદ્રશેખર રૂપી શિવના સ્વરૂપના દર્શન કરતાં કરતાં આ મહિનામાં આપણે ચંદ્રના ગુણોને આત્મસાત્ કરીને જીવનને રોશન કરતાં શીખવું જોઇએ. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.