Homeલાડકીવર્ષ બદલાયું, સમય બદલાયો?

વર્ષ બદલાયું, સમય બદલાયો?

વિશેષ -વર્ષા અડાલજા

નવા વર્ષને આપણે ધામધૂમથી આવકાર આપ્યો. દુનિયાભરમાં એની ઉજવણી થઇ. એક વિરાટ બલ્બની જેમ આખું વિશ્ર્વ ઝળહળી ઉઠ્યું.
અખબારોમાં, અંગત જીવનમાં, ન્યૂઝ ચેનલોમાં ગત વર્ષનાં લેખાંજોખાં લેવાયાં, કેટલી મહેનતથી ફોટોગ્રાફ સાથે પૂર્તિઓ પ્રગટ થઇ. ઠેરઠેર આતશબાજી, હોટેલોમાં ડિનર બુકિંગની પડાપડી, નવાં વાહનો, નવાં ઘરો ખરીદાયાં. લગ્નની ધામધૂમ તો રાવણના દરબારમાં હનુમાનજીનાં લંબાતા પૂંછડાની જેમ વધતી જ જાય છે. મોંઘવારી એ વળી શું!
૩૧ ડિસેમ્બર ૨૦૨૨ વર્ષની સહુથી વધુ ઝગમગતી રાત અને સહુથી વધુ રક્ષિત રાત પણ ખરી. આપણે ઉજવણીમાં મશગૂલ હોઈએ ત્યારે સહુથી વધુ પોલીસ ફોર્સ રસ્તા પર ગોઠવાય છે. કાયદો, વ્યવસ્થા અને સુરક્ષાની જાળવણી માટે.
એવી ૩૧મીની રાત્રે ચાર યુવાનો સ્કૂટીને ટક્કર મારે છે, બે યુવતી સ્કૂટી પર છે. એક દૂર ફંગોળાઇ જાય છે, અને બીજી કારની નીચે સપડાઇ ગઇ છે. યુવાનો ટકક્ર માર્યા પછી પણ કાર ભગાવતા રહે છે. મોડી રાત છે, થર્ટીફર્સ્ટ નાઇટ. કોઇને શી પડી છે! દૂર સ્કૂટી એ યુવતી ઘસડાય છે અને ઘડી પહેલાંની હસતી રમતી વીસ વર્ષની યુવતીના ટુકડે ટુકડા થઇ જાય છે. નસીબ જોગે એક ડેરીનો વેપાર કરતો માણસ વહેલો ઊઠી કામે આવે છે, એ નજરોનજર આ દૃશ્ય ભાળે છે, પોલીસને ફોન કરે છે.
પછીની વાત જવા દઇએ રોજ જાતજાતના અહેવાલ, તપાસનો રિપોર્ટ, કોનો વાંક? કોનો નહીં! બધુ ચાલ્યા કરે છે. રાબેતા મુજબ. મૂળ વાત એ કે એક આશાસ્પદ યુવતી કશાય વાંક વિના એનાં અધૂરાં સપનાં લઇ પૃથ્વી પરથી ચાલી ગઇ. ન્યુ યરના સેલિબે્રશનનાં શોરબકોરમાં એક નારીની ચીસ કોને સંભળાય!
દૂરનું દૂરબીન ઊલટું કરી નજીકથી જોઇ લો, ઠેરઠેર બળાત્કાર, સેક્સ્ચ્યુઅલ હેરેસમેન્ટ એન્ડ મર્ડર, એ બધાં દૃશ્યો થથરાવી
મૂકે છે.
બેંગલોર ૨૦૨૨ ડિસે. વોહી રફતાર. ૧૯ વર્ષની યુવતીને ભણવું હશે, કંઇ કંઇ કરવાની હોંશ હશે એ યુવાન તેને ન પણ ગમતો હોય એ યુવતી યુવાનને ના ભણે છે. નો ઇઝ નો વાસ્તવમાં ચાલતું નથી. પેટમાં ચાકુના ઘા પર ઘા કરીને તે હત્યા કરે છે, મને ના પાડવાની તારી હિંમત!
એવા જ બીજા કિસ્સામાં એક યુવાન યુવતીને એસિડ એટેકની ધમકી આપે છે શું કામ? મારી સાથે ન્યુ યર પાર્ટીમાં ચાલ નહીં તો બદસૂરત કરી મૂકીશ.
હજી થોડા સમય પહેલાના સમાચાર, પિતા બાર વર્ષની પોતાની જ પુત્રી પર રોજ બળાત્કાર છે, હજી એ ખુદ બાળકી છે, અને એ બાળકની મા બનવાની છે. માતા પોલીસ કમ્પેલેઇન કરે છે, તો પિતા બેધડક કહે છે, તો મારી પુત્રી સાથે મારે લગ્ન કરવા છે. કળિયુગથી પણ આગળ વધીને કોઇ ભયંકર યુગ હશે!
થોડા વર્ષ પહેલાં આદિવાસી આશ્રમશાળાની છોકરીઓ સવારે પ્રાર્થના કરી રહી હતી. ત્યાં એક પંદર સોળ વર્ષની કિશોરી બેભાન થઇ પડી ગઇ. ખબર પડી તે એ ગર્ભવતી હતી અને આશ્રમમાં રહીને ભણવાની કિંમત ગૃહપતિ વસૂલતો હતો.
દૂર કયાં જવું? શ્રદ્ધાની કમકમાટીભરી હત્યા, એના મૃતદેહના ટુકડા આફતાબે કરેલી અમાનુષી હત્યા પછી મહારાષ્ટ્રમાં કમિટી નિમાઇ કે આંતરધર્મીય રિલેશનશિપ લગ્નમાં એ ખાસ ધ્યાન રાખશે. તો પત્રકાર નમિતા ભંડારે લખે છે કે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના સ્ટેટ પ્રેસિડેન્ટે ખાસ પાર્ટી વર્કર્સને સૂચના આપી છે, સિવિક ઇશ્યુઝ નાગરિક પ્રશ્ર્નો પર બોલવાની જરૂર નથી ‘લવ જેહાદ’ પર ધ્યાન આપજો.
વાતને આડે પાટે ચડાવવામાં રાજકારણીઓને કોણ પહોંચે!
હસવું, ગુસ્સે થવું કે રડવું એ નક્કી ન કરી શકાય એવી એક તાજી ઘટના.
નાગપુરમાં વીમેન સાયન્સ કૉંગ્રેસના ખાસ કાર્યક્રમનું આયોજન થયું. આદેશ કે ગાઇડ લાઇન્સ પ્રમાણે આયોજન તો થયું પણ વીમેન સાયન્સ કૉંગ્રેસમાં સ્ત્રીઓ બોલે તો ય શું અને પેપર ન વાંચે એ તો સહુથી સારું.
જોકે આ અધિવેશનમાં યુનિયન મિનિસ્ટર નીતિન ગડકરીનાં પત્ની કંચન ગડકરી ચીફ ગેસ્ટ હતાં. એમણે અધ્યક્ષીય પ્રવચનમાં ખાસ વાત કરી કે રંગોળી અને તુલસી ઑક્સિજન આપી હવાને શુદ્ધ રાખે છે, રંગોળી પણ ઘરઆંગણુ શોભાવે છે. એની પાછળ પણ વૈજ્ઞાનિક કારણો છે.
કંચન ગડકરી ‘સંસ્કાર ભારતી’ સંસ્થાના પ્રમુખ છે. જે ભારતીય કલાને પ્રોત્સાહન આપે છે. તેમને બોલતાં થોડા અટકાવાય!
પણ પદ્મશ્રી રાહીબાઇ જ્યારે તેમનું વક્તવ્ય આપી રહ્યાં હતાં ત્યારે આયોજકે અધવચ્ચે જ અટકાવી
દીધાં. પેપર વાંચવા આમંત્રિત મહિલાઓની ભોજન, ઉતારાની ખૂબ અગવડભરી વ્યવસ્થા. ફાતિમા હાનૂન જે છેક કારગિલથી આવી હતી, તેણે આયોજકોને પૂછ્યું.
‘મારે કયા સેશનમાં પેપર વાંચવાનું છે?’ આયોજકોએ કહ્યું.
‘અરે ખાઓ, પીઓ ઐશ કરો.’
તેણે પેપર વાંચવાનું માંડી વાળ્યું. તેને આર્થિક મુસીબતો, સંઘર્ષની વાતો કહેવી હતી પણ કોણ સાંભળવાનું હતું! બીજી સ્ત્રીઓને કંઇને કંઇ કડવા અનુભવો થયા. કંચન ગડકરીને આ બધી વાતોની જાણ થઇ કે નહીં તે અખબારી અહેવાલમાંથી જાણવા નથી મળ્યું. તુલસી આપણને ઑક્સિજન આપે છે એ મહાન જ્ઞાન લઇ સૌ પાછા ફર્યા હશે. ઔર મહિલાઓકો જ્યાદા જ્ઞાન કી જરૂરત હી કહાં હૈ! ખાઓ, પીઓ એશ કરો.
વર્ષ બદલાય છે પણ સમય બદલાતો નથી. પહેલા તારીખિયું કેલેન્ડર અને ડટ્ટા આવતા. કેલેન્ડરમાં કૈલાસ પર બિરાજમાન શિવજી કે માતા લક્ષ્મી દીવાલેથી આપણને આશીર્વાદ આપતા. ઘણાં તો જૂનું કેલેન્ડર એ જ રાખે, ડટ્ટો બદલાતો રહે. રોજ સવારે ઊઠી વીતી ગયેલા દિવસનું પાનું ફાડી લેવાની ઘણાં ઘરોમાં હરીફાઇ થતી. પાનું ફાડતા એક નવા સૂર્યોદયની, નવા દિવસની પ્રસન્નતા થતી.
પણ હવે મોબાઇલ ચાલુ કરતાં જ દેખાય છે તારીખ અને સમય. ડટ્ટાઓ ગયા. શિવજી અંતર્ધ્યાન થયા, લક્ષ્મીજી-વિષ્ણુના ચરણ પખાળવામાં મગ્ન છે.
વર્ષો વીત્યાં, ડટ્ટાનાં પાનાં ફાટયાં, ઘડિયાળના કાંટા ઝડપથી ફરતા રહ્યાં છતાં સમય સ્થિર છે, નિશ્ર્ચલ. નિર્ભયાની ક્રૂર હત્યા વખતે આખો દેશ અરેરાટી કરી ઊભો થઇ ગયો હતો. નિર્ભયા ચાલી ગઇ જાણે જળમાંથી આંગળી લઇ લીધી અને જળ ફરી જળ થઇ રહ્યું. નિર્ભયા ફંડમાંથી દસ ટકાય સ્ત્રી સુરક્ષા માટે વપરાઇ નથી. એક અહેવાલ પ્રમાણે નિર્ભયાફંડમાંથી વૈભવી કાર ખરીદાઇ છે, અહેવાલ કદાચ ખોટો હોય અથવા સાચો પણ હોઇ શકે. કુછ ભી હો સકતા હૈ.
જાણે આ બધી રોજિંદી ઘટનાઓ હોય એમ સોશિયલ મીડિયામાં આ ઘટનાઓ વાંચી સાંભળી આપણી સંવેદના ખળભળી ઊઠી અને પછી સમથળ થઇ જાય છે.
પણ આવી ઘટનાઓ વચ્ચે નવા વર્ષની નવી આશાની એક નાનકડી પોઝિટિવ સ્ટોરી અખબારને ખૂણેથી જડી.
ભારતનાં ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અત્યંત કર્તવ્યનિષ્ઠ ન્યાયાધીશ તરીકે પ્રતિષ્ઠિત છે, નવમી નવેમ્બરે ભારતમાં ૫૦મા ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક થઇ. માહી અને પ્રિયંકાના તેઓ ફોસ્ટર ફાધર. તેમની આ બન્ને દીકરીઓ દિવ્યાંગ છે અને પતિ-પત્નીને ખૂબ વહાલી છે. બન્ને તેમને સતત ફરિયાદ કરે તમે અમને સમય જ આપતા નથી. ઘરે રહેતા નથી. ગમે તેટલું સમજાવ્યા છતાં તેમને ગળે વાત ન ઊતરે કે અમારે માટે સમય જ નથી! એવું કેમ બને?
તેમની પોતાની ખૂબ મોટી જવાબદારી દીકરીઓને સમજાવવા અને કોર્ટ કંઇ રીતે ન્યાય માટે કામ કરે છે. એ સમજાવવા માટે પાલક પિતા ચંદ્રચૂડ ગયા શુક્રવારે તેમની બન્ને દીકરીઓને ઇલેકટ્રિક વ્હીલચેરમાં કોર્ટમાં લઇ આવ્યા. વકીલોના પ્રવેશદ્વારથી. વકીલો આશ્ર્ચર્યથી જોઇ રહ્યા, ભારતના ચીફ જસ્ટિસ સાદા, કેઝ્યુઅલ વસ્ત્રોમાં વ્હીલચેરમાં દીકરીઓને કોર્ટના રૂમમાં લઇ આવ્યા, સુપ્રીમ કોર્ટનો આ સૌથી મોટો વિશાળ ખંડ ત્યાંથી એ ખંડને સંલગ્ન બીજા બે ખંડ.
બન્ને દીકરીઓને ત્યાં લાવતાં જ તે બંનેને આશ્ર્ચર્ય થયું, આટલા બધા કોર્ટ કર્મચારીઓ કતાર બંધ ઊભા હતા, અનેક એડમિનિસ્ટ્રેટિવ ઇસ્યૂઝ પર એમના પિતાની સૂચનાઓ લેવા માટે. ઓહો! કેટલી મોટી જવાબદારી અને ઢગલાબંધ કામ!
કોર્ટ રૂમમાં તેમણે જોયું ન્યાયધીશોનું ઊંચું બેઠક સ્થાન અને સામે અનેક વકીલો, ફાઇલ્સ, ઇલેકટ્રોનિક ટેબ્લેટ્સ લઇને તેમના કલાયન્ટનો કેસ રજૂ કરવા તત્પર હતા.
કપરા અને પ્રદૂષિત કાળમાં પણ કેટલાક કર્તવ્યનિષ્ઠ લોકો ફરજ બજાવી રહ્યા છે. એ નાનકડું આશાનું કિરણ છે, પણ સમાજને પ્રતીક્ષા છે, નવા બદલાતા સમયના સૂર્યોદયની. કાયદાઓ છે, કમિટીઓ છે બસ, પ્રતીક્ષા છે કાયદાના સમયસરના અમલની.
આઝાદીના અમૃતમહોત્સવ વખતેે હવે તો આશા રાખી શકાય ને!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular